દિલધડક સ્ટોરી નીરવ પટેલ લેખકની કલમે

“લોકડાઉન-21 દિવસ” ભાગ-1, હાલની પરિસ્થિતિ ઉપર લખાઈ રહેલી એક રોમાંચક નવલકથા

રોજ સવારે ઉઠીને ઓફિસ જવાનું, કામ કરવાનું અને સાંજે પાછા ઘરે આવી જમીને સુઈ જવાનું, દરેક સામાન્ય વ્યક્તિના જીવનમાં બનતી આ દૈનિક ઘટનાઓ છે, જીવનની ભાગદોડ અને સપનાઓ પુરા કરવાની મથામણમાં સમય ક્યારે પૂરો થઇ જાય છે આપણે પણ નથી જાણતા, આ બધામાં પરિવાર માટે પણ પૂરતો સમય નથી મળી શકતો, અઠવાડિયામાં એક રવિવાર આવે અને એ દિવસે પણ કોઈ સામાજિક કામમાં બહાર જવાનું થાય, જો ઘરે હોઈએ તો પણ પરિવારના સભ્યો પણ પોતાના કામમાં વ્યસ્ત હોય આવા સમયે પણ પરિવાર સાથે વિતાવવાનો સમય ક્યાં મળે જ છે?

Image Source

સુભાષ પણ આ બધી ઘટનાઓને જીવતો માણસ હતો. તેના લગ્નને 5 વર્ષ થયા, ભગવાને એક સરસ દીકરી પણ આપી, શૈલી. માતા-પિતા તો ગામડે રહે, સુભાષ તેની પત્ની મીરાં સાથે અમદાવાદમાં એક ભાડાના ઘરમાં રહે, પોતાનું ઘર લેવાનું સપનું એને અમદાવાદમાં આવીને જોયું હતું, પરંતુ ધીમે ધીમે કરીને 8 વર્ષ નીકળી ગયા પરંતુ હજુ એ સપનું પૂરું નહોતું થયું,

લગ્ન, દીકરીનો જન્મ પાછળના ખર્ચ પુરા કરવામાં સમય પણ નીકળી ગયો અને બચત પણ ના થઇ, આજ વાત ઉપર મીરાં પણ તેને સંભળાવ્યા કરતી, સુભાષ અને મીરાં વચ્ચે આ બાબતોને લઈને ઘણીવાર ઝગડા પણ થયા, પરંતુ સુભાષ શું કરી શકવાનો હતો ? તેને જે પગાર મળતો તે ઘરખર્ચમાં, ભાડામાં અને દીકરીના પાલન પોષણમાં જ વપરાઈ જતો, બચતના નામ ઉપર એક- બે વીમા પોલિસી હતી, મીરાં સાથે લગ્ન કર્યા બાદ થોડા જ મહિનામાં એક ગાડી પણ ખરીદી તેના હપ્તા પણ ત્રણ મહિના પહેલા જ પૂર્ણ થયા હતા.

સુભાષ અને મીરાંનું લગ્ન જીવન શરૂઆતમાં તો સારી રીતે ચાલતું પરંતુ જેમ જેમ સમય વધતો ગયો તેમ તેમ બંને વચ્ચે નાની નાની વાતોને લઈને મતભેદો પણ વધવા લાગ્યા હતા, હવે તો બંને વચ્ચે માત્ર ફોર્માલિટીની વાતો સિવાય બીજી કોઈ વાતો પણ થતી નહોતી, સવારે મીરાં સુભાષનું ટિફિન તૈયાર કરી દે, અને સાંજે આવે ત્યારે જમીને મીરા ટીવીમાં સિરિયલ જોવામાં વ્યસ્ત થઇ જાય અને સુભાષ થોડીવાર મોબાઈલમાં સોશિયલ મીડિયા ઉપર એક્ટવી રહીને સુઈ જતો. શૈલીના જન્મ પછી તો આમ જ ચાલે આવતું હતું, હવે તો શૈલી પણ ત્રણ વર્ષની થઇ ગઈ.

સુભાષ પોતાની નોકરી છોડી શકે એમ નહોતો, જયારે તે અમદવાદમાં આવ્યો ત્યારે તેને 4-5 નોકરીઓ બદલી હતી, પછી છેલ્લે તેને જે જગ્યાએ કામ મળ્યું ત્યાં પગાર સાથે સન્માન પણ મળતું હતું અને તેના કામની કદર પણ થતી હતી જેના કારણે તે એ નોકરી છોડવા માંગતો નહોતો. એક ન્યુઝ ચેનલમાં કન્ટેન્ટ રાઇટર તરીકે તેને સારી ફાવટ આવી ગઈ હતી.

Image Source

રોજ ઓફિસમાં તેને દુનિયાભરના સમાચારો ઉપર લખવાનું બનતું, જેના કારણે તેના જ્ઞાનમાં પણ વધારો થયો હતો, એક દિવસ ઓફિસમાં જ તે કામ કરી રહ્યો હતો ત્યારે તેને ચાઈનાના વુહાન શહેરમાં ફેલાયેલા કોરોનાના સમાચાર વિષે જાણવા મળ્યું, તેના ઉપર પણ તેને એક સમાચાર લખ્યા, ત્યારે આ રોગની ગંભીરતાને તેને અનુભવી, પછી તો રોજ બરોજ આ વાયરસ ઉપર તેને લખવાનું આવતું, વિશ્વમાં તેજીથી ફેલાયેલો આ વાયરસ હવે ભારતમાં પણ પ્રવેશી રહ્યો હતો, જેના કારણે સુભાષે પણ તેના વિશે એક સમાચાર લખ્યા હતા.

ઓફિસમાં તો આ વાયરસ વિશે ચર્ચાઓ ચાલ્યા કરતી પરંતુ પોતાના ઘરમાં તે મીરાં સાથે આ બાબતે કોઈ ચર્ચા નહોતો કરી શકતો, મીરાં પણ પોતાની ટીવી સિરિયલો જોવામાં જ વ્યસ્ત હતી, તેને તો આ વાયરસ ક્યાં અને કેવી રીતે પહોંચ્યો તેની પણ જાણ નહોતી, અને એ દરમિયાન જ ગુજરાતમાં પણ કોરોના વાયરસે પ્રવેશ કર્યો.

19 માર્ચને ગુરુવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબંધોન કર્યું અને 22 માર્ચ રવિવારના રોજ કોરોના વાયરસ ના ફેલાય એના માટે જનતા કર્ફ્યુનું એલાન કર્યું, સુભાષને એ દિવસે ઓફિસમાં મોડા સુધી રોકાવું પડ્યું, રાત્રે મોડો કામ કરીને ઘરે આવ્યો, મીરાંને એ વાતની જાણ હશે એમ વિચારીને તે કઈ બોલ્યો નહિ અને આવીને સુઈ ગયો, સવારે પણ વહેલા તે ઓફિસ જવા માટે નીકળી ગયો, કારણ કે 20 માર્ચના રોજ નિર્ભયા કેસના ચારેય આરોપીઓને ફાંસી આપવામાં આવી હતી. જેના સમાચાર પણ તેને લખવાના હતા. જનતા કર્ફ્યુ ઉપર પણ તેને થોડા સમાચાર બનાવ્યા, એમ જ બે દિવસ પણ પૂર્ણ થયા અને જનતા કર્ફ્યુનો દિવસ આવી ગયો, આગળના દિવસે જ મીરાંએ સુભાષને મેસેજ કરી અને કેટલોક સામન લાવવાનું લિસ્ટ પણ આપી દીધું હતું,  સાંજે ઘરે આવતા સુભાષ સમાન લઈને ઘરે આવી ગયો.

Image Source

રવિવારે કોરોના વાયરસના કારણે જનતા કર્ફ્યુ અંતર્ગત લોકડાઉન હતું, સુભાષ કોરોના વાયરસની ગંભીરતા સમજતો હતો, તે જણાતો હતો કે આ જનતા કર્ફ્યુ માત્ર એક દિવસ ઘરે રહેવાની પ્રેક્ટિસ માત્ર છે, હજુ વધુ દિવસો સુધી ઘરમાં રહેવાનો સમય આવવાનો જ હતો, મીરાં આ ગંભીરતા સમજતી નહોતી, તેના માટે તો આ બધું સામાન્ય બાબત જેવું હતું.

રવિવારે સવારે સુભાષ ઉઠ્યો, મીરાંએ ચા બનાવી આપી અને પાછી રસોડામાં ચાલી ગઈ, શૈલી હજુ સુઈ રહી હતી. મીરાં પણ થોડીવારમાં રસોડામાંથી બહાર આવી અને ટીવીનું રીમોર્ટ હાથમાં લઈને સાંજે જોયેલી ધારાવાહિક જ બીજીવાર જોવા માટે શરૂ કરી.

આજે સુભાષે તેને કહ્યું કે: “મીરાં, થોડીવાર સમાચાર ચાલુ કર.”
મીરાંએ પણ કઈ બોલ્યા વગર સમાચારની ચેનલ ચાલુ કરી, સુભાષ ધ્યાન પૂર્વક સમાચાર જોવા લાગ્યો, મીરાંને કંટાળો આવવા લાગ્યો અને તે ત્યાંથી ઉભી થઈને ઘરના કામમાં લાગી ગઈ, સુભાષનું પણ સંપૂર્ણ ધ્યાન સમાચારમાં પરોવાયેલું હતું.

થોડીવાર પછી રસોડામાંથી વાસણ ખખડવાનો આવાજ આવ્યો ત્યારે સુભાષનું ધ્યાન સમાચારમાંથી તૂટ્યું અને ખબર પડી કે મીરાં ત્યાંથી ઉભી થઈને રસોડામાં ચાલી ગઈ છે. સુભાષે પણ ટીવી બંધ કર્યું અને નાહવા માટે ચાલ્યો ગયો.

શૈલી ઉઠી ગઈ હતી, મીરાં તેને દૂધ અને નાસ્તો હોલમાં બેસી કરાવી રહી હતી, સુભાષ પણ નાહીને હોલમાં આવીને બેઠો, મીરાંએ સહેજ ત્રાસી નજરે જોયું કે સુભાષ આવીને બેઠો છે, એ કઈ બોલી નહિ અને શૈલી સામે જ બેસી રહી. શૈલીએ સુભાષની સામે જોઈને કહ્યું: “પપ્પા આજે તમારે રજા છે? તમે ઘરે રહેવાના?”

શૈલીને તો ખબર પણ નહોતી કે આ જનતા કર્ફ્યુ અને કોરોના વાયરસ શું છે? સુભાષે દીકરીની કાલી કાલી ભાષાનો જવાબ આપતા કહ્યું: “હા બેટા, આજે બધાને રજા છે.”

મીરાં પણ ધીમા અવાજે થોડું બબડી : “બધાને જ રજા હોય, પણ અમને ક્યારે રજા મળવાની?”

સુભાષના કાન ઉપર શબ્દો પડ્યા પરંતુ તેને કોઈ જવાબ ના આપ્યો, અને ટીવીનું રીમોર્ટ લઈને સમાચાર જોવા લાગ્યો,  બપોર થયું અને જમવાનું પણ બની ગયું, આજે સુભાષ ટીવી સામે જ સતત બેઠેલો જોવા મળ્યો, મીરાં પણ ઘરના કામમાં જ લાગેલી રહી, શૈલી સાથે થોડીવાર મઝાક મસ્તી પણ સુભાષે કરી અને બપોરે મીરાં અને શૈલી બેડરૂમમાં જઈને સુઈ ગયા, સુભાષ ટીવી જ જોતો રહ્યો.

આખો દિવસ એમ જ પસાર થઇ ગયો, બીજા દિવસે પણ શહેરમાં પરિસ્થિતિ કર્ફ્યુ જેવી જ હતી, મુખ્યમંત્રી દ્વારા કેટલાક શહેરોમાં 31 માર્ચ સુધી લોકડાઉન રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. સુભાષને પણ ઓફિસમાંથી ઈ-મેઈલ આવી ગયો કે 31 માર્ચ સુધી રજા જ છે.

Image Source

મીરાં સાથે તે વાત કરવા માંગતો હતો, પરંતુ ઘણા દિવસોથી તેની સાથે સહજતાથી વાત જ નહોતી થઇ શકી, મીરાં પણ નાની નાની વાતોમાં ઝગડવા લાગતી જેના કારણે સુભાષ પણ મૌન રહેવાનું જ નક્કી કરી લેતો, સુભાષનું પણ કોઈ કામ કયારેય અટકતું નહિ, સમયસર જમવાનું મળી જતું, ઈસ્ત્રી કરેલા કપડાં તૈયાર હોય, ઓફિસ જતા ટિફિન અને સવારે ચા-નાસ્તો પણ તૈયાર મળી જતો જેના કારણે સુભાષ પણ કઈ બોલતો નહોતો.

આ તરફ મીરાંના મનમાં પણ થોડા સપનાઓ પુરા કરવાની, એક સારું અને વૈભવી જીવન જીવવાની, પોતાનું ઘર હોવાની ઈચ્છાઓ ભરેલી હતી અને તેનો ગુસ્સો પણ તેના મનમાં ભરાયેલો હતો, થોડા થોડા સમયે તે બહાર પણ આવતો પરંતુ શાંતિથી તેને પણ ક્યારેય સુભાષ સાથે વાત નહોતી કરી.

સુભાષે આજે નક્કી કર્યું કે મીરાં સાથે વાત કરશે, સવારે ચા નાસ્તો કરીને જયારે મીરાં શૈલીને નાસ્તો કરાવી રહી હતી ત્યારે સુભાષે કહ્યું: “મીરાં હવે 31 માર્ચ સુધી મારે ઓફિસ નથી જવાનું, ઘરનો જે સામાન લાવવાનો હોય તે મને જણાવી દેજે, હું લઇ આવું, શહેરમાં લોકડાઉન છે, એટલે જરૂરી કામ સિવાય બહાર પણ નહિ જઈ શકાય.”

મીરાંએ જવાબમાં માત્ર ઓકે કહ્યું અને થોડી જ વારમાં સુભાષના મોબાઈલમાં જરૂરી સામાનનું લિસ્ટ મોકલી આપ્યું, સુભાષ પણ નીચે જઈને સમાન લઇ પાછો આવ્યો, બીજો દિવસ પણ આમ જ પસાર થયો ત્રીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21 દિવસ સુધી સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી, મીરાં પણ એ સમયે ટીવી જોઈ રહી હતી, તેને પણ હવે પરિસ્થિતિનો અંદાજો આવવા લાગી ગયો હતો, તે પણ હવે કોરોના વાયરસની ગંભીરતાને સમજવા લાગી હતી. તેને સુભાષ સામે નજર કરી, સુભાષની નજર પણ એજ સમયે મીરાંની નજર સામે મળી અને મીરાંએ નજર ઝુકાવી લીધી.

છેલ્લા ત્રણ વર્ષથી સુભાષ અને મીરાં વચ્ચે કામ સિવાયની કોઈ વાતો ઉકેલાઈ નહોતી, જયારે બંને વચ્ચે ઝગડા થતા ત્યારે કેટલીક વાતો ગુસ્સામાં બહાર આવી જતી, પરંતુ એ સિવાય કોઈ વાત થતી નહીં, ના આ પહેલા એવો કોઈ સમય મળ્યો જેમાં બંને વાતો કરી શકે, અને જયારે વાતો કરવાનો સમય મળતો ત્યારે એ વાતો ઝગડાનું જ સ્વરૂપ ધારણ કરી લેતી, હવે જયારે સતત 21 દિવસ સુધી બંને  સાથે જ રહેવાના છે ત્યારે પરિસ્થિતિ કેવી સર્જાશે તેની કલ્પના મીરાં અને સુભાષ બંને કરવા લાગ્યા.

Image Source

પહેલો દિવસ તો ટીવીના સમાચાર, મીરાની સિરિયલ અને સોશિયલ મીડિયા એપમાં વીતી ગયો, રાત્રે સુભાષે સુતા સુતા વિચાર્યું કે આ 21 દિવસમાં કંઈક તો એવું કરવું પડશે જેના કારણે આ બધી જ મુશ્કેલીઓનો અંત આવી શકે, હજુ મીરાં સાથે તેને આખું જીવન વિતાવવાનું હતું..!!!

(મીરાં અને સુભાષ વચ્ચે આ લોકડાઉન ના સમય દરમિયાન શું થશે ? જે માણસો એકબીજા સાથે વાત વાતમાં ઝગડી પડે છે શું એ પોતાના જીવનની ગાડી પાટા ઉપર ચઢાવી શકશે? જાણવા માટે વાંચતા રહો “લોકડાઉન-21 દિવસ” નો બીજો ભાગ)
Author:  નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.