છોલે ભટુરે ખાતા પહેલા સાવધાન, મોલમાં ખાવા ગયા છોલે ભટુરે અને અંદરથી નીકળ્યું અધમરેલી ગરોળીનું બચ્ચું, જુઓ વીડિયો

આજે મોટાભાગના લોકો બહારનું ખાવાનું વધારે પસંદ કરતા હોય છે અને તેમાં પણ રજાના દિવસે તો હોટલમાં એવી ભીડ જામે છે કે વેઇટિંગમાં કલાકો સુધી બેસી રહેવું પડે છે. તો ઘણા લોકો ઓનલાઇન ફૂડ મંગાવીને ઘરે પણ ખાતા હોય છે પરંતુ ઘણીવાર સમાચાર અને સોશિયલ મીડિયામાં ફૂડમાંથી જીવાત કે અન્ય કોઈ વસ્તુઓ નીકળવાની ઘટનાઓ સામે આવતી હોય છે. થોડા સમય પહેલા જ અમદાવાદના એક રેસ્ટોરન્ટમાંથી ફૂડની અંદરથી ગરોળી નીકળવાની ઘટના સામે આવી હતી.

જેના બાદ હવે અન્ય એક રેસ્ટોરન્ટમાંથી ગરોળી નીકળવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના સામે આવી છે ચંદીગઢના એલાન્ટે મોલમાંથી. જ્યાં ફૂડ કોર્ટમાં દક્ષિણ ભારતીય ભોજન માટે પ્રખ્યાત સાગર રત્ન રેસ્ટોરન્ટમાંથી ખરીદેલા છોલે ભટુરેમાં ગરોળીની હાજરીથી ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના મંગળવારે મોડી સાંજે બની હતી. પ્લેટમાં ગરોળી જોઈને ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. આ બાબતની જાણ પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગને કરવામાં આવી હતી.

પોલીસે ફરિયાદ નોંધી ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. તો ફૂડ ઇન્સ્પેક્ટર નિશા સ્યાલ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને છોલે-ભટુરેના સેમ્પલ લીધા હતા. સેક્ટર-15માં રહેતા 66 વર્ષીય ડોક્ટર જેકે બંસલે જણાવ્યું કે મોડી સાંજે તેઓ તેમની પત્ની સરિતા બંસલ સાથે શોપિંગ માટે એલાંટે મોલમાં આવ્યા હતા. રાત્રે 8.15 કલાકે પતિ-પત્ની સાગર રત્ના રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. તેમણે છોલે ભટુરે અને ઢોસા મંગાવ્યા. બંનેએ પહેલા ઢોસા ખાધા. એ પછી છોલે ભટુરે ખાવાનું શરૂ કર્યું.

જ્યારે તેમણે બે ભટુરામાંથી દોઢ ભટુરા ખાધા હતા ત્યારે તેની નીચેથી એક ગરોળીનું બચ્ચું કફોડી હાલતમાં બહાર આવ્યું હતું, જેને જોઈને બંને ગભરાઈ ગયા હતા અને તેમણે રેસ્ટોરન્ટના ફ્રન્ટ ડેસ્ક મેનેજર સંજય ઠાકુરને જણાવ્યું હતું. મેનેજરે કહ્યું કે આમાં તેમની ભૂલ નથી, અમે છોલે ભટુરેના 200 રૂપિયા પરત કરીએ છીએ. જ્યારે બંસલે ખોરાકમાં ગરોળી જોવા પર નારાજગી વ્યક્ત કરી તો રેસ્ટોરન્ટના માલિક સંતોષ પણ સ્થળ પર આવી ગયા.

તેમણે ગરોળીવાળી થાળી અંદર લઈ જવાનો પ્રયાસ કર્યો પણ ડૉ.બંસલે પ્લેટ છોડી ન હતી. આ પછી બંસલે પોલીસને ફોન કર્યો. દરમિયાન લાંબા સમય સુધી હંગામો ચાલ્યો હતો. પોલીસ આવતાં ડૉ.બંસલે લેખિત ફરિયાદ આપી હતી. ASI ધર્મેન્દ્રએ છોલે ભટુરેની થાળીનો કબજો લીધો હતો અને ફૂડ સેફ્ટી વિભાગ, સેક્ટર-16ને આ બાબતે જાણ કરી હતી. આ પછી ફૂડ ઈન્સ્પેક્ટર નિશા સ્યાલ ઘટનાસ્થળે પહોંચી અને સેમ્પલ લીધા. જેકે બંસલે જણાવ્યું કે ફૂડ ઈન્સ્પેક્ટરને ઘટનાસ્થળે પહોંચવામાં દોઢ કલાક જેટલો સમય લાગ્યો. દરમિયાન, સંચાલકોએ રેસ્ટોરન્ટનું રસોડું સાફ કરાવ્યું. તેણે દાવો કર્યો હતો કે ગરોળીનું બચ્ચું જીવિત છે.

આ કિસ્સામાં, એલાંટે મોલ વતી એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું કે અયાન ફૂડ્સ દ્વારા સંચાલિત ફૂડ કોર્ટ પરિસરમાં બનેલી ઘટના ખેદજનક છે. એલાંટે મોલ મેનેજમેન્ટ સ્વચ્છતા અને સલામતી માટે તમામ જરૂરી પગલાં લેશે. આ ઉપરાંત ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે, અમે ફૂડ કોર્ટમાં ફૂડ સેફ્ટી ઓડિટમાં અધિકારીઓને મદદ કરીશું.

Niraj Patel