લાઈવ ટી-20 મેચ દરમિયાન મેદાનમાં ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં જ થયો જોરદાર બૉમ્બ વિસ્ફોટ, મેદાનમાં મચી ગઈ ભાગ દોડ, જુઓ હચમચાવી દેનારો કાબુલ ક્રિકેટ સ્ટેડિયમનો વીડિયો

ક્રિકેટના રસિયાઓ દુનિયાભરમાં ફેલાયેલા છે અને તેમાં પણ ટી-20 આવ્યા બાદ લોકોનો ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ ખુબ જ વધી ગયો છે, સ્ટેડિયમમાં પણ ક્રિકેટ મેચ જોવા માટે મોટી સંખ્યામાં લોકો જતા હોય છે અને મેદાનમાં પણ જયારે કોઈ મેચ હોય ત્યારે સુરક્ષા પણ ખુબ જ કડક રાખવામાં આવે છે, પરંતુ હાલ એવી એક ઘટના સામે આવી છે જેને લઈને મેચ જોવા જતા લોકોમાં પણ ભયનો માહોલ જગાવ્યો છે અને મેદાન ઉપરની સુરક્ષા ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે.

અફઘાનિસ્તાનમાં કાબુલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ લાઈવ મેચ દરમિયાન બોમ્બ બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે. આ બ્લાસ્ટ Shpageeza Cricket League T20  દરમિયાન થયો હતો. બ્લાસ્ટ બાદ તમામ ખેલાડીઓને તરત જ બંકરમાં લઈ જવામાં આવ્યા હતા. આ બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે બેન્ડ-એ-આમીર ડ્રેગન અને પામિર ઝાલ્મી વચ્ચે મેચ ચાલી રહી હતી. આ સિવાય સ્ટેડિયમમાં સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓ પણ હાજર હતા.

બ્લાસ્ટ પછી તરત જ લોકોએ સોશિયલ મીડિયા પર તેના વિશે પોસ્ટ્સ શેર કરવાનું શરૂ કર્યું. લોકો કહી રહ્યા છે કે આ હુમલો કેટલો ઘાતક હતો અને તેના પછી સ્ટેડિયમમાં કેવી નાસભાગ મચી ગઈ. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ ચાર લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

આ ઘટના અંગે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના વરિષ્ઠ અધિકારી નસીબ ખાને જણાવ્યું કે કાબુલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ચાર લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ક્રિકેટ જોવા આવેલા લોકો વચ્ચે બ્લાસ્ટ થયો હતો. આ હુમલામાં કોઈ વિદેશી નાગરિકને ઈજા થઈ નથી.

તમને જણાવી દઈએ કે શાપગીઝા ક્રિકેટ લીગ ભારતમાં રમાતી IPL જેવી જ ટૂર્નામેન્ટ છે, જેની સ્થાપના અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા 2013માં કરવામાં આવી હતી. બે દિવસ પહેલા કાબુલમાં એક ગુરુદ્વારામાં પણ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા. ગુરુદ્વારા પર થયેલા આ હુમલાની જવાબદારી ISISએ લીધી હતી. હુમલામાં બે લોકોના પણ મોત થયા હતા.

Niraj Patel