પીપાવાવમાં આવી ચઢ્યુ સિંહોનું ટોળુ તો સિક્યોરિટી જવાનોમાં મચી ગઇ દોડધામ

ગુજરાતમાંથી અવાર નવાર કોઇકને કોઇક જગ્યાએ સિંહ જોવા મળતા હોવાના સમાચાર સામે આવતા રહે છે. ઘણીવાર સિંહ પરિવાર સાથે રાત્રે લટાર મારવા નીકળે છે, તો ઘણીવાર તે શિકારની શોધમાં આવે છે. સોરાષ્ટ્રમાં સૌથી વધુ સિંહોની સંખ્યા અમરેલી જિલ્લામાં જોવા મળે છે. ત્યારે ઘણીવાર સિંહો ગ્રામ્ય વિસ્તારમાં લટાર મારતા જોવા મળી રહ્યા છે. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. ત્યારે રાજુલા નજીક પીપાવાવ રિલાન્સ ડિફેન્સ કંપનીના BMS માર્ગ પર સિક્યુરિટી ચેક પોસ્ટ પર 5 સિંહોનું ટોળુ આવી ચડ્યું હતું.

આ દરમિયાન સિક્યોરિટી જવાનોમાં નાસભાગ મચી જવા પામી હતી. તેઓ ખુરશીઓ છોડી ઓફિસમાં જતા રહ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ગુજરાતની શાન ગણાતા સિંહો અમરેલી જિલ્લામાં વધુ જોવા મળે છે. જોકે, છેલ્લા થોડા સમયથી સિંહો ખોરાકની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં આમ તેમ ભટકતા જોવા મળી રહ્યા છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ વિસ્તારના સિંહો અત્યંત મુશ્કેલીઓ વચ્ચે ફરી રહ્યા હોવાનું જોવા મળે છે.

શિકારની શોધમાં ફરી રહેલ સિંહોના ટોળાના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા પરપ્રાંતી લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે,પીપાવાવ વિસ્તારમાં સિંહો મોટા પ્રમાણમાં વસવાટ કરતા હોવાથી કંપનીઓની અંદર આવી ચડે છે.

Shah Jina