ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. રખડતા ઢોરની અડફેટે આવતા ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે અને ઘણા લોકોના જીવ પણ ચાલ્યા ગયા છે. તે છતાં હજુ તંત્ર આ બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં સક્ષમ નથી બની. ત્યારે હાલ એવી જ એક ઘટના લીંબડીમાંથી સામે આવી છે. જ્યાં રસ્તા પર ઝઘડી રહેલા આખલાના કારણે એક માસૂમે પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે લીંબડી તાલુકાના નાના ટિમ્બલા ગામમાંથી. જ્યાં ધોરણ 1માં ભણતું બાળક વિરાજ ભાવેશભાઈ મેટાળીયા રીસેસના સમયે ઘરે જમવા આવી રહ્યો હતો ત્યારે જ રોડ પર બે આખલા ઝઘડી રહ્યા હતા. આ દરમિયાન જ આખલાએ ઝઘડતા ઝઘડતા વિરાજને પણ અડફેટે લીધો હતો. જેના કારણે તે જમીન પર પડી ગયો હતો અને તેને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા જ પરિવારજનો પણ સ્થળ પર પહોંચ્યા હતા અને માસુમ વિરાજનું આ રીતે મોત થયેલું જોઈને પરિવાર માથે પણ આભ તૂટી પડ્યું હતું. તેને સારવાર માટે લીંબડી હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવ્યો પરંતુ સારવાર મળે તે પહેલા જ તે મોતને ભેટી ચુક્યો હતો. તો ઘટના અંગે જાણકારી મળતા જ ટિમ્બલા ગામના તલાટી કમ મંત્રી અને તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર પણ આવી પહોંચ્યા હતા અને ઘટના અંગે વધુ તપાસ પણ હાથ ધરી હતી.
વિરાજ જે શાળામાં ભણતો હતો એજ શાળામાં તેની મોટી બહેન પણ ત્રીજા ધોરણમાં ભણે છે. ત્યારે આ ઘટનાને લઈને પણ ગામ લોકો ભારે રોષમાં ભરાયા હતા. ગામની અંદર છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે તે છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવી રહ્યા. ત્યારે ગામ લોકોએ પણ રખડતા ઢોરને દૂર કરવાની માંગણી પણ કરી હતી.