૧૯૫૯નો અડધો માર્ચ મહિનો વીતવામાં હતો એ વખતે દક્ષિણ મુંબઇના ગિરગામ ઇલાકામાં રહેતી સાત મહિલાઓ એક ઇમારતની છત પર ભેગી થઈ. મહિલાઓ ગુજરાતી હતી. મુંબઈમાં પતિ નોકરી-ધંધાર્થે અને બાળકો નિશાળે ચાલ્યાં જાય એ પછી સવારથી લઈને ઠેઠ સાંજ સુધી આ મહિલાઓ પાસે ખાસ કશું કામ રહેતું નહોતું. મુંબઈમાં તો ખર્ચા પણ કેટલા હોય? પાણીથી લઈને બધી જ વસ્તુ વેચાતી જ લેવાની હોય. વળી, ખાવાવાળા ઝાઝાં ને કમાનારો એક! ગુજરાતણોને નવરું બેસવું પોસાયું નહી.

સાતે મહિલાઓએ ૧૫ માર્ચના એ દિવસે નિશ્વય કર્યો અને ૮૦ રૂપિયાની ઉધારી કરી થોડો અડદનો લોટ, હિંગ અને કાળાં મરચાં જેવો કાચો માલ દુકાનેથી લાવ્યો. અડદનો લોટ બાંધ્યો, એમાં મસાલો ભેળવ્યો અને પાપડ તૈયાર કર્યા. ૮૦ પાપડ બન્યા. નજીકના એક દુકાનદારને વેચ્યા. પાપડની લિજ્જત સારી હતી, વેચાઈ ગયા. દુકાનદારે વધારે માંગ્યા. અને પછી તો ધંધો ચાલી પડ્યો. પખવાડિયું થયું સાતે મહિલાઓએ ને ઉધાર લીધેલા ૮૦ રૂપિયા પાછા આપવા જેટલો વકરો પણ રળી લીધો. આજથી લગભગ છ દાયકા પહેલાના એ જમાનામાં ૮૦ રૂપિયા એટલે મધ્યમ વર્ગમાં ડંકો પાડતી રકમ! પછી તો ધીમેધીમે કારોબાર વધ્યો, ને વધ્યો તે એટલો વધ્યો કે એ સાત સ્ત્રીઓની કંપની આજે ૪૫,૦૦૦ મહિલાઓ માટે રોજીરોટી બની, ને સને ૨૦૧૮માં એની એક વર્ષની કમાણી ૮૦૦ કરોડને પાર કરી ગઈ! એ કંપની એટલે ‘લિજ્જત પાપડ’! કલ્પનાતીત, અદ્વિતીય, અવિશ્વસનીય જેવાં કોઈ પણ વિશેષણ લગાડીને આ વાત કહી શકાય એવી છે.

મહિલાઓનું, મહિલાઓ માટે ને મહિલાઓ દ્વારા —
લિજ્જત પાપડ આજે તો હરઘરની ઓળખ બની ગઈ છે. દરેક ઘરના જમણમાં લિજ્જતની હાજરી લિજ્જત આપી જાય છે. ઊંચી ક્વોલિટી અને જબરદસ્ત ટેસ્ટ લિજ્જત પાપડની ઓળખ છે. ટેલિવિઝન પર આવતી લિજ્જત પાપડની એડવર્ટાઇઝો જોઈને ગણગણવાનું પણ મન થાય – ‘લિજ્જત પાપડ હો હર બાર!’
જે સાત મહિલાઓ ૬૦ના દસકામાં ભેગી થઈ અને લિજ્જત પાપડની સ્થાપના થઈ એમાં એક જસવંતીબેન પોપટ પણ હતાં. જેઓને લિજ્જતના ફાઉન્ડર માનવામાં આવે છે. મૂળે આ વિચાર તેમનો હતો. પણ આ મિલેનિયમ માર્કેટ ધરાવતી કંપની વાસ્તવમાં કોઈ એક માલિક દ્વારા ચાલતી નથી! આજે કંપનીમાં ૪૫ હજાર જેટલી મહિલા કર્મચારીઓ કામ કરે છે અને આ કંપની એની સૌની સહિયારી છે! હા, લિજ્જત એ Co-Opretive ઓર્ગેનાઇઝેશન છે – સહકારી સંગઠન. કંપનીનું પુરું નામ: શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ છે.

કર્મચારી મહિલાઓને ઘરે રહીને જ કામ કરવાનું —
લિજ્જત પાપડ આજે ભારતના ૧૭ રાજ્યોમાં ૮૨ બ્રાન્ડ ધરાવે છે. માત્ર ભારતમાં જ લિજ્જતના લિજ્જતદાર પાપડની માંગ છે તેવું નથી. વિદેશમાં પણ લિજ્જતનું ૮૦ કરોડનું નિકાસ બજાર છે. ગિરગામ મુંબઈમાં તેમની હેડ ક્વાર્ટર છે.
કંપનીનો મુખ્ય ઉદ્દેશ ગરીબ મહિલાઓ રોજગારથી વંચિત ન રહે એ છે. ઘરની એકની એક મહિલા કામ કરવા બહાર જાય તો ઘર કોણ સંભાળે? લિજ્જતે આ માટે જબરદસ્ત વ્યવસ્થા ગોઠવી છે. માત્ર મુંબઈની જ વાત કરીએ તો લિજ્જતમાં કામ કરતી દરેક મહિલાઓને સવારમાં કંપનીની બસ લેવા આવે છે. મહિલાઓ કંપનીએ જાય છે. અહીં બધી કર્મચારીઓને પાપડ બનાવવા માટેનો બાંધેલો લોટ જોખીને આપવામાં આવે છે. એ લઈને સ્ત્રીઓ પાછી બસ મારફતે જ ઘરે જાય છે અને ઘરે રહીને પાપડ વણે છે. પાછી બીજે દિવસે કંપનીએ જઈને વણેલા પાપડ જમા કરાવે છે ને બદલામાં ટોકન મેળવે છે. એ ટોકન લઈ પેમેન્ટ બારીએ જાય એટલે ગઈકાલે કરેલાં કામનું પેમેન્ટ મળી જાય. એ પછી વળી કલેક્શન વિન્ડો પર જઈને પાપડનો બાંધેલો લોટ લઈ, બસ વાટે ઘેર આવીને બીજાં દિવસનું કામ શરૂ કરી દેવાનું! છે ને લાજવાબ વ્યવસ્થા!

અફઘાનિસ્તાથી હિંગ લાવવામાં આવે છે —
લિજ્જત પાપડની પ્રસિધ્ધી આજે તેના સ્વાદને લીધે છે. સમાન કદ અને સ્વાદિષ્ટતા તેમની ઓળખ છે. એ માટે કંપની ક્વોલિટીમાં કોઈ બાંધછોડ કરતી નથી. પાપડ તૈયાર કરવા માટેનો કાચો માલ પણ બરાબર ચકાસણી પછી લેવામાં આવે છે. પાપડ બનાવવા માટે જરૂરી મસાલા તરીકે હિંગ તો છેક અફઘાનિસ્તાનથી મગાવવામાં આવે છે!
ભારતભરની દરેક બ્રાન્ચ પર મહિલાઓની એક ખાસ ટીમ મોજૂદ હોય છે. જેઓ ગમે ત્યારે કામ કરતી મહિલાઓના ઘરે ઓચિંતી જાય છે અને તેમના હાથના આંગળા સુધ્ધાં ચેક કરી લે છે! આમ, સ્વચ્છતા બાબતે પણ અહીં કોઈ બાંધછોડ ચાલતી નથી. કાઉન્ટર પર વણેલા પાપડ જમા થાય ત્યારે પણ તેમનું ચેકિંગ કરવામાં આવે છે. પાપડ બનાવવા માટેનો અડદની દાળમાં મસાલો ભેળવેલો લોટ તો કંપની પર જ બનાવવામાં આવે છે. જેમાં પણ સ્વાદથી લઈને ચોખ્ખાઈ સુધીમાં કોઈ તડજોડ કરવામાં આવતી નથી.

૨૧ મહિલાઓની સમિતિ ચલાવે છે કંપની —
અગાઉ કહ્યું તેમ, લિજ્જત એ એક સહકારી ફાઉન્ડેશન કંપની છે. કોઈ ચોક્કસ વ્યક્તિ કંપનીની માલિક નથી. કંપની સહિયારી છે: કામ કરતી દરેકેદરેક મહિલાઓની! મુંબઈના મુખ્ય હેડક્વાર્ટરમાં ૨૧ મહિલાઓની કમિટી રહેલી છે, જે લિજ્જતનો બધો કારોબાર સંભાળે છે. આ મહિલાઓ પણ કોઈ હાઇપ્રોફાઇલ બેકગ્રાઉન્ડમાંથી આવતી હોય તેવું નથી. બલ્કે, લિજ્જતમાં વર્ષોથી જેણે કામ કર્યું હોય તેવી અને જેમની સૂઝબૂઝ કંઈક વધારે હોય તેવી જ મહિલાઓ અહીં સ્થાન પામી છે! અહીં ભણેલી સ્ત્રીઓ પણ હોય અને અભણ પણ હોય. ધીમેધીમે અમુક મહિલાઓ કંપનીના પ્રેસિડેન્ટ કે વાઇસ-પ્રેસિડેન્ટના હોદ્દા સુધી પણ પહોંચી છે.

મહિલાઓને ઘરની ચાર દિવાલો વચ્ચે પણ કામ મળવું જોઈએ —
જસવંતીબેન પોપટ સહિતની સાત મહિલાઓએ જ્યારે લિજ્જત પાપડની શરૂઆત કરી ત્યારથી તેમનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના ગરીબ પરિવારોની મહિલાઓને રોજગારી આપવાનો રહ્યો છે. જે મહિલાઓ પાસે શિક્ષણ નથી, વધારાની કોઈ આવડત નથી એને કંઈક કામ મળે અને તે પણ ઘરબેઠાં! લિજ્જતની આ પહેલ ખરેખર મહિલા સશક્તિકરણનું ઉત્તમ જમીની દ્રષ્ટાંત છે. અહીં કામ કરતી દરેક મહિલા આજે દિ’ના ચારસો-પાંચસો રૂપિયા તો કમાઈ જ લે છે. આ રૂપિયાથી ઘરવખરીનો સામાન ખરીદાય છે, છોકરાની ફી ભરાય છે, તેલ-મીઠું લેવાય છે અને ઘરસંસાર ઠીકઠીક ચાલે છે.
જાણીને આશ્વર્ય થશે પણ એ હક્કીકત છે કે, અહીં કામ કરતી અમૂક મહિલાઓએ પોતાની બચતમૂડીથી પોતાના સંતાનોને એઇમ્સ અને આઇઆઇટી જેવી સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે ભણાવ્યાં છે!

પ્રેરણાસ્ત્રોત જસવંતીબેન —
લિજ્જત પાપડના ફાઉન્ડર જસવંતીબેન પોપટની જીવનચર્યા આજની પેઢીને પ્રેરણા આપે તેવી અને વિચારતા કરી મૂકે તેવી છે. વયોવૃધ્ધ જસવંતીબેન આજે પણ સવારના સાડા ચારે ઉઠી જાય છે પ્રભુભક્તિથી પરવારી પોતાનું કામ સાડા પાંચને ટકોરે તો ચાલુ કરી દે છે. (આડવાત: જસવંતીબેનના કામે લાગી જવાના સમયે આજની મોટાભાગની ભારતીય યુવાપેઢી છેલ્લું ‘ચિકન ડિનર’ પતાવીને સૂવાની તૈયારી કરતી હોય છે!)
લિજ્જત પાપડથી અનેક ગરીબ ઘરની છતાં ખાનદાન ખોરડાની મહિલાઓને રોજગાર મળતો જોઈને જસવંતીબેન અંતરની આનંદિત થઈ ઉઠી કહે છે: “મહિલાઓને ખુદ પોતાની શક્તિ બનતી જોઈને મને થાય છે કે મારું જીવન ધન્ય થઈ ગયું. મહેસૂસ કરું છું કે મારા દરેક પ્રયત્નોનું ફળ ઈશ્વરે મને આપી દીધું.”
લિજ્જતની કમાણી આજે મિલિયન ડોલરની છે. એ ધારે તો હાઇટેક મશીનો ન વસાવી શકે? એકવારનો ખર્ચો કરી નાખે પછી તો પાપડ પણ યાંત્રિક રીતે ફટાફટ બનવા માંડે અને માણસોની જરૂર પણ ના રહે. પણ ના! તો પછી એ ૪૫,૦૦૦ ગૃહિણીઓનું શું? યાદ રાખો: માનવશ્રમથી ચાલે છે એટલે લિજ્જત કારખાનું છે, કાળખાનું નહી!
આર્ટીકલ માહિતીપ્રદ લાગ્યો હોય, આનંદ આવ્યો હોય તો આપના મિત્રો સાથે પણ લીંક શેર કરી દેજો. આવું વધારે વાંચવું હોય તો GujjuRocksની મુલાકાતો લેવાનું ના ચૂકતા. ધન્યવાદ!
Author: GujjuRocks Team – કૌશલ બારડ
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks