કૌશલ બારડ દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક લેખકની કલમે

છોકરીને તો પરણાવી દેવાય,આર્મીમાં એનું કામ નહી – આવી અનેક ટીકાઓ વચ્ચે પણ ભાવના બની લાડલીમાંથી લેફ્ટનન્ટ!

“ભીડેલા આભને ભેદી કો રાજબાળ તાળીઓ પાડતી છૂટી;

બાપુના લાખ લાખ હેમર
હાથીડલા હાંકતી હાંકતી છૂટી!”

‘એકતારો’ કાવ્યસંગ્રહમાં ઝવેરચંદ મેઘાણીનું આ સદાબહાર કાવ્ય ‘વર્ષા’ સંગ્રહાયેલું છે. હવે રાજાની કુંવરી હાથમાં નથી રહી! એને હવે બંધન નથી ચાર દિવાલોના, નથી એને હવે કોઈની મણા. દુનિયા શો મનફાવે એમ બકતી! દુનિયાનું તો કામ જ એ છે : બકવાનું. રાજાની કુંવરી તો હવે ખંભાતી તાળા ભાંગશે અને તાજણની અસ્વારી કરી ઘુનાઓ છલાંગશે!

૭૧મો ગણતંત્ર દિવસ ઉજવાઈ ગયો. રાજપથ પર ભવ્ય પરેડનું આયોજન થયું. જોનારાએ જોયું હશે કે, ‘જય મહાકાળી, આયો ગોરખાલી!’ની ગગનભેરી ગુંજવતી ગોરખા સૈન્યની પરેડ પસાર થઈ ગયા પછી એની વાંસોવાંસ હિન્દુસ્તાને એક અદ્ભુત દ્રશ્ય જોયેલું. એ હતી ૧૪૪ જવાનોની ટુકડી; જેને લીડ કરી રહી હતી મુખ પર દેદિપ્યમાન તેજધારિણી, જમણા બાહુમાં ધારીત નાગણ શી સમશેરને નાકની લીંટી પાસે એકદમ ઉર્ધ્વગામી દિશામાં રાખીને વેધક નજરથી સલામીમંચ ભણી તાકી રહેલ લેફ્ટનન્ટ ભાવના કસ્તૂરી. હિંદના ઇતિહાસમાં પ્રથમવાર આવું બન્યું હતું કે, લગભગ દોઢસો જવાનોની ટૂકડીને એક મહિલા-કમ-વીરાંગના લીડ કરી રહી હતી.

“ચાલીસ કિલોમીટર દોડવાનું. એ પણ ખભે લગભગ મણ વજનનો થેલો (૧૮ કિલો) અને હાથમાં રાઇફલ રાખીને! આવી અમારી ટ્રેનિંગ હતી. ગાત્રો ગળી જાય. પલભર તો એમ થતું કે છોડી દઉં આ બધું. પણ ફરી એક જુસ્સો આવતો કે, ના! છોડવું તો નથી જ.” બીબીસીને આપેલા ઇન્ટવ્યૂમાં ભાવના કસ્તૂરી કહે છે.

ચેન્નઇની આર્મી ટ્રેનિંગ એકેડમીમાંથી જે નીકળી આવે છે એને પછી દુનિયામાં ક્યાંય નથી થાક દેખાતો, નથી નિરાશા સાંપડતી કે ના ફિટનેસની કોઈ જરૂર પડતી! એકાદ વર્ષની આ ટ્રેનિંગમાં જો ટકી ગયો તો રગટાંટડો પણ લઠ્ઠ બની જાય અને હારી ગયો તો ભલભલો પહેલવાન પણ મેદાન છોડીને છૂ થઈ જાય. ભાવના કસ્તૂરી અહીંથી બહાર નીકળી છે.

મૂળે હૈદરાબાદની આ યુવતીએ ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની ડિગ્રી મેળવી છે. શોખ તો ડાન્સિંગનો હતો. બહુ સારું નાચી પણ શકતી. નાટ્યકલા વિશે પણ સારું જ્ઞાન હતું. પણ એને સ્વપ્નેય ક્યાંથી ખ્યાલ હોય કે, તેનું નિર્માણ તો થયું છે ત્રેવીસ વર્ષની ઉંમરે માર્જિઁગ દસ્તાને રાજપથ પર લીડ કરીને ઇતિહાસ સર્જવા માટે! ભાવના કોલેજમાં NCCમાં હતી. એ વખતે જ એને ખબર પડી હતી કે, ઇન્ડિયન આર્મીમાં સ્ત્રીઓ માટે પણ જગ્યા છે. બસ, પછી એક જ મહેચ્છા રહી, આર્મી જોઈન કરવાની. અને કઠોર પરિશ્રમથી તેણે કરી પણ દેખાડ્યું. માત્ર એક વર્ષની ટ્રેનિંગ જીંદગી બદલી ગઈ. હવે નિયમિતતા આવી ગઈ, કઠોર પરિશ્રમ જીવનમાં કાયમને માટે સ્થાન લઈ ગયો અને મુખ પર જે તેજ કાંતિ દીપી ઉઠી તેનું તો શું કહેવું!

દુ:ખ સાથે કહેવું પડે છે કે, આજના મોટા ભાગના યુવક-યુવતીઓ ત્રણ વર્ષનું ગ્રેજ્યુએશન અને બે વર્ષનું પોસ્ટ ગ્રેજ્યુએશન કરી લે ત્યાં સુધીમાં શીખી તો ઘણું બધું જાય છે, પણ ન કરવાનું પણ ઘણું શીખી જાય છે. પરિણામ એ આવે છે કે, યુવાનો આખેઆખા ખાલી થઈ છાય છે, એનામાં પછી એવું બળ રહેતું નથી જે તેને જીંદગીની જંગ સામે ટકી રહેવા માટે કામધેનુના દુગ્ધની ગરજ સારે. ક્લબોની પાર્ટીઓ, દારૂ-શરાબના વ્યસનો અને પરસ્ત્રીસહ શયન આના મૂળમાં છે. તેની સામે ભાવના કસ્તૂરી એક જબરદસ્ત પ્રેરણા નથી? છે તો અપનાવો એના જુસ્સાને! બાકી ‘સમપ્રાપ્તે સન્નિહિતે મરણે, નહી નહી રક્ષતિ ડૂકૃય કરણે’ !

ભાવનાએ જ્યારે આર્મી જોઈન કરી ત્યારે હંમેશની જેમ બકનાર તો બકેલા કે, છોકરી છે. સારો મૂરતિયો જોઈને વિવાહ કરાવી દો. સંસાર માંડશે. આ વળી બથંબથીમાં એને ક્યાં નાખશો? પણ એ બધી વાતો કાનમાં લઈએ તો કેમ મેળ પડે? એ તો કીધાં કરે. પરિણામ જોશે એટલે આથમણાનું ઉગમણું થઈ જશે! ભાવનાએ પરિણામ લાવીને દેખાડી પણ દીધું.

હાલ કારગીલની વિષમ પરિસ્થિતીમાં તે ડ્યૂટી કરે છે. સાથે ઘણી મહિલા અફસરો પણ છે. ભારતીય સૈન્યમાં હવે સ્ત્રીઓ માટે દરવાજાઓ ઉઘડી ગયા છે. ભાવનાના ગત વર્ષે લગ્ન થયાં. તેમના પતિ પણ આર્મીમાં તબીબ છે. પરિવાર સાથે ઘણાં સમય સુધી વાત નથી થતી. છતાં એમને ભરોસો છે કે, પોતાની દિકરી જ્યાં હશે ત્યાં એમની સંભાળ એમની રીતે જ લઈ લેશે!

આજે લશ્કરમાં લેફ્ટનન્ટનો હોદ્દા પર સ્થિત આ નારીમાંથી કશું શિખવા જેવું નથી શું? ભાવના કસ્તૂરી એક આઇડલ છે. મૃગની નાભિમાં કસ્તૂરી છે એમ આપણા જ સૌના ઘરમાં પણ આવી કસ્તૂરી રહેલી છે, જેની ફોરમ ચારે બાજુ પ્રસરાવવાની જવાબદારી આપણી છે. તો પછી ‘મૃગનાભિ કસ્તૂરી વસે, ભટકત જંગલ હોય’ જેવું શા માટે કરવું? હરેક ઘરમાં દિકરીઓ છે. એને ખીલવાનો મોકો આપો. ચોક્કસ ભવાની જ બેઠી થશે એમાંથી!

Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks