નવા વર્ષની શરૂઆત સાથે જ વધુ એક દુઃખદ ખબર આવી સામે, આ દિગ્ગજ ગાયિકાએ દુનિયાને હંમેશા માટે કહ્યું અલવિદા, દીકરીએ આપી જાણકારી

નવા વર્ષની શરૂઆત સાથે એક પછી એક દુઃખદ ખબરો સાંભળવા મળી રહી છે, મનોરંજન જગતમાંથી પણ કેટલીક દુઃખદ ખબરો સામે આવ્યા બાદ આજે એક વધુ ખબર સામે આવતા ચાહકોમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. રવિન્દ્ર સંગીતની દિગ્ગજ ગાયિકા સુમિત્રા સેનનું આજે મંગળવારના રોજ નિધન થઇ ગયું છે. ગાયિકાએ કોલકાત્તામાં પોતાના નિવાસ સ્થાને છેલ્લા શ્વાસ લીધા હતા. તેમની ઉંમર 89 વર્ષની હતી.

સુમિત્રાના નિધન બાદ તેમના ચાહકો અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ ફરી વળ્યો છે. તેઓ બ્રોકો નિમોનિયાથી પીડિત હતા. ગત 21 ડિસેમ્બરના રોજ તેમની તબિયત ખરાબ થતા તેમને હોસ્પિટલમાં ભરતી પણ કરવામાં આવ્યા હતા. પરંતુ ત્રણ દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી. જેના બાદ તેમની બંને દીકરીઓ તેમને કોલકાત્તા સ્થિત તેમના ઘરે લઇ આવી અને ત્યાં તેમનું આજે નિધન થયું.

સુમિત્રાના નિધનની જાણકારી તેમની દીકરી શ્રાવણીએ સોશિયલ મીડિયા દ્વારા આપી છે. તેણે પોસ્ટ કરીને જણાવ્યું કે, “મા આજે સવારે અમને છોડીને ચાલી ગઈ” પરિવારજનોનું કહેવું છે કે સુમિત્રા સેનને ડિસેમ્બરમાં ઠંડી લાગી ગઈ હતી અને ઉંમરના કારણે તેમની સ્થિતિ ગંભીર થઇ ગઈ, જેના કારણે તેમનું નિધન થઇ ગયું.

તમને જણાવી દઈએ કે સુમિત્રા સેનની બંને દીકરીઓ શ્રાવણી અને ઈંદ્રાણી પણ રવિન્દ્ર સંગીતની પ્રખ્યાત ગાયિકા છે. સુમિત્રા સેને મેઘ બોલે છે જાબો જાબો, તોમારી ઝારનતાલાર, સખી ભબોના કહારે બોલે, અચ્છે દુઃખો અચ્છે મૃત્યુ જેવા ઘણા સુપરહિટ ગીતો પણ ગાયા હતા. તેમના નિધન બાદ ચાહકો પણ શોકમાં છે અને તેમને શ્રધાંજલિ પાઠવી રહ્યા છે.

Niraj Patel