અમદાવાદમાં વધુ એક માસુમને ત્યજી દેવામાં આવ્યું, બાળકને પહેલા માળ ઉપર મૂકી અને અજાણી વ્યક્તિ થઇ ગઈ ફરાર

ગુજરાતમાં થોડા સમયથી માસુમ બાળકોને ત્યજી દેવાની ઘટના સામે આવવા લાગી છે, થોડા દિવસ પહેલા જ ગાંધીનગરના પેથાપુરમાં પણ એક માસુમને ત્યજી દેવામાં આવ્યું હતું, જેની ચર્ચા દેશભરમાં ફેલાઈ ગઈ હતી, આ ઘટનામાં પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડ્યો અને ચોંકાનારા ખુલાસા પણ થયા હતા ત્યારે હાલ એક એવી જ ઘટના અમદાવાદમાંથી સામે આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મીનગરમાં પહેલા માળે કોઈ અજાણી વ્યક્તિ નવજાત બાળકને મૂકીને જતું રહ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવજાત મળ્યાની ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. જેના બાદ પોલીસે તપાસ હાથ ધરી  હતી અને નવજાત બાળકને સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યું હતું.

માસુમ બાળકને તરછોડવાની ઘટનાની જાણ થતા જ મહાલક્ષ્મીનગર નજીક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આ ઘટનામાં પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં મળી રહેલી વધુ માહિતી અનુસાર મહાલક્ષ્મીનગરના પહેલા માળે ગણપતિની પ્રતિમા સામે એક માસૂમ બાળક રડી રહ્યું હતું. બાળકના રડવાનો અવાજ આવતા સ્થાનિક મહિલાઓ ત્યાં પહોંચી ગઈ હતી. જેમણે આસપાસના લોકોને બોલાવ્યા હતાં.

આ અગાઉ પણ અમદાવાદમાંથી માસુમને ત્યજી દેવાની ઘટના સામે આવી હતી. અમદાવાદના વેજલપુરના શ્રીનંદનગર એપાર્ટમેન્ટની સીડીમાં બાળક રડવાનો અવાજ આવતો હતો, જેથી આસપાસ રહેતી મહિલાએ બહાર આવીને જોયું તો એક નવજાત બાળક રડી રહ્યું હતું. એટલામાં સીડીમાં કોઈનો ઊતરવાનો અવાજ આવ્યો અને બૂમો પડતાં સ્થાનિકો દ્વારા મહિલાને પકડી પાડવામાં આવી હતી. ત્યાર બાદ આ મહિલાએ નવજાત બાળક તેનું જ હોવાનું અને કુંવારી માતા બનતાં બાળક તરછોડ્યું હોવાનો ખુલાસો કર્યો હતો.

Niraj Patel