જેકલીનના કથિત બોયફ્રેન્ડનો વધુ એક કાંડ ખુલ્લો પડ્યો, આ મોટી હસ્તી પાસે અમિત શાહનું નામ લઈને લીધા 200 કરોડ

કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલી બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝના કથિત બોયફ્રેન્ડ સુકેશ ચંદ્રશેખરની વધુ એક રમત સામે આવી છે. તેના પર રેનબેક્સીના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર સિંહની પત્ની સાથે 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. આ મામલો EDની ચાર્ટશીટમાં સામેલ ઓડિયો રેકોર્ડિંગ પરથી સામે આવ્યો છે. સુકેશ હાલ જેલમાં છે.

આરોપ છે કે સુકેશે હોમ સેક્રેટરી બનીને શિવિન્દર સિંહની પત્ની અદિતિ સિંહને ફસાવી હતી અને જેલમાંથી જ તેને ફોન કરીને 200 કરોડની છેતરપિંડી કરી હતી. શિવિન્દર પણ છેતરપિંડીનાં આરોપમાં 2017થી તિહાર જેલમાં બંધ છે. આ મામલા અંતર્ગત સુકેશે શિવિંદર સિંહની પત્ની અદિતિ સિંહને ફોન કર્યો હતો. તેમને કહ્યું કે તેઓ ગૃહ સચિવ અજય ભલ્લા સાથે વાત કરી રહ્યા છે. તેની પાસે ગૃહમંત્રી અમિત શાહ સુધી પહોંચ છે અને તે જ શિવિંદરને જેલમાંથી બહાર કાઢી શકે છે.

જો કે આ માટે તેણે પાર્ટી ફંડમાં ડોનેશન તરીકે 200 કરોડ જમા કરાવવા પડશે. વાતમાં આવતા અદિતિએ 200 કરોડ રૂપિયા આપ્યા હતા. આ આખી વાર્તા સુકેશે જેલમાંથી જ રચી હતી. અદિતિએ 2020-21ની વચ્ચે 30 હપ્તામાં 200 કરોડ રૂપિયા જમા કરાવ્યા. જૂન 2020 સુધીમાં અદિતિને છેતરપિંડી થવાની શંકા થવા લાગી, ત્યારબાદ તેણે સુકેશની દરેક વાતચીત રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. આ પછી, અદિતિએ 11 મહિનામાં સુકેશના કોલના 84 રેકોર્ડિંગ EDને સોંપ્યા, જેનાથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો.

Niraj Patel