હિન્દુઓનું મહાપર્વ ગણાતો દિવાળીનો ઉત્સવ આવે એટલે અગાઉથી જ લોકો લક્ષ્મીપૂજા માટેની તૈયારીઓ આરંભી દેતા હોય છે. દિવાળીનો દિવસ એટલે મહાલક્ષ્મીની પૂજા-અર્ચના કરી અને તેમની અક્ષય કૃપા મેળવવાનો તહેવાર. આ વર્ષે 14 નવેમ્બરના રોજ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે. હિન્દુ વેદધર્મ ત્રણ શક્તિઓને મુખ્ય માને છે : મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાળી. લક્ષ્મીજીની કૃપા કાયમ માટે બનાવી રાખવાનો મોકો દિવાળી જેવો બીજો નથી.

આથી, લક્ષ્મીજીનું પૂજન તો દરેક ભાવિકે કરવું જ જોઈએ. પણ હાં, એમાં અમુક ચીજોનું ખાસ ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. આજે એ બાબતો વિશે ટૂંકાણમાં અહીં ચર્ચા કરવી છે, કે કઈ-કઈ વસ્તુઓ લક્ષ્મીપૂજન વખતે એકઠી કરીને રાખવી જરૂરી છે.
વર્ષાંતે વેપારીઓ સહિત મોટાભાગના લોકો વહેવારની સમાપ્તિ કરી આખા વર્ષનું સરવૈયું માંડતા હોય છે.એ સાથે જ ચોપડાપૂજન સહિત માતા લક્ષ્મીજીનું પૂજન પણ કરવામાં આવે છે. કેટલીક બાબતો એવી છે જે લક્ષ્મીપૂજન વખતે ખ્યાલ હોવી જરૂરી છે :

(1) લક્ષ્મીપૂજન પ્રદોષકાળમાં અર્થાત્ સાંજના સમયે જ કરવું જોઈએ. પૂજન કરવાની શરૂઆત કરતા પહેલા બધી જ જરૂરી સામગ્રીઓ ધ્યાનથી એકઠી કરી લેવી જોઈએ.
(2) લક્ષ્મીપૂજન વખતે લોટની મદદથી નવગ્રહ તૈયાર કરવાના હોય છે. આ માટે તમે ત્રાંસ કે ચોકીનો ઉપયોગ કરી શકો, જેમાં લોટના નવગ્રહ બનાવીને મૂકી શકાય.

(3) પિત્તળનો કળશ લઈ તેમાં દૂધ, દહીં, મધ, ગંગાજળ ઇત્યાદિ વસ્તુઓ ભરીને ઉપર લાલ કપડું બાંધી દેવું. પછી આ કળશ પર નાળિયેર રાખવું.
આમ, આટલી પાયાની અને મહત્ત્વની બાબતો ચોકસાઇપૂર્વક તપાસી, અનુસરીને લક્ષ્મીપૂજન કરવું જોઈએ. કહેવાય છે, કે દિવાળીના દિવસે સમુદ્રમંથનમાંથી લક્ષ્મીજી બહાર આવ્યાં હતાં. આથી આ દિવસે લક્ષ્મીજીની આરાધના કરવામાં આવે છે. આ ઉપરાંત, વધારે એક કથા બલિરાજા સાથે પણ જોડાયેલી છે.