સુરતના ચકચારી ભરેલા ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસની અંદર હત્યારા ફેનિલને બસ હવે થોડા જ સમયમાં કોર્ટ દ્વારા સજા સંભાળવવામાં આવશે. કોર્ટ દ્વારા હત્યારા ફેનિલ ગોયાણીને દોષિત પણ જાહેર કરી દેવામાં આવ્યો છે, ત્યારે ગઇકાલના રોજ કોર્ટની અંદર ગ્રીષ્માના વકીલ અને બચાવપક્ષના વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. ફેનિલને ફાંસીની સજા થાય અને તેને કેપિટલ પનિશમેન્ટ આપવામાં આવે તે માટે જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ધારદાર દલીલો કરી હતી.
તેમણે પોતાની દલીલમાં જણાવ્યું હતું કે માનીલો કે જો આરોપીને ઓછી સજા થાય તો તેની ઉંમર અત્યારે 21 વર્ષની છે અને જયારે તે જેલમાંથી છૂટીને બહાર આવશે ત્યારે તેની ઉંમર 31 કે 35 વર્ષની હશે. જો તે બહાર આવશે તો તેને કાયદાનો ડર નહી રહે અને સમાજમાં પણ લોકો તેનાથી ડરશે. જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે અમારો કેસ માત્ર વીડિયોને આધારિત નથી, આરોપી ક્રિમિનલ માનસિકતા ધરાવતો હતો અને તેને ગણતરીપૂર્વક હત્યા કરી છે.
તેમણે આગળ એવું કહ્યુ હતુ કે, આરોપીએ ઓનલાઇન ફિલ્પકાર્ટ પરથી ચપ્પુ ખરીદવા માટે ઓર્ડર આપ્યો હતો. આ ઓર્ડર કેન્સલ થયો એટલે તેને મોલમાંથી ચપ્પુ ખરીદ્યુ અને બીજું ચપ્પુ તેના મિત્ર પાસેથી ખરીદ્યું. આરોપી હત્યાના દિવસે પણ ગ્રીષ્માને કોલેજમાં શોધવા માટે ગયો હતો. આ બનાવ પહેલા તેને તેની માનીતી ધરમની બહેન ક્રિષ્નાને પણ મેસેજ કરીને જણાવ્યું હતું. ગ્રીષ્માના વકીલે આગળ ઉમેર્યું કે દરેક વાલિયો વાલ્મીકિ નથી બની શકતો. ભય વિના પ્રિત ન થાય. આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવે. માત્ર ગ્રીષ્માની જ હત્યા નહીં, કાકા અને ભાઈ ધ્રુવની પણ હત્યાનો પ્રયાસ કર્યો હતો.
તેમને એમ પણ જણાવ્યું કે આ આરોપી ભવિષ્યમાં પણ સુધરી શકે તેમ નથી. ભૂતકાળમાં તેને ઇનોવા કાર પણ ચોરી કરી હતી. આ ઉપરાંત ગ્રીષ્માની હત્યા કર્યા બાદ સહાનુભૂતિ મેળવવા પોતાને છરીના ઘા માર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, કોર્ટે તેને અંતિમ તક આપી હતી તો ત્યારે તે કઈ બોલ્યો નહિ, તે એમ પણ બોલી શકતો હતો કે મારી ઉંમર નાની છે જેથી મારી ભૂલ થઇ ગઈ. પરંતુ તેનામાં સુધરવાના કોઈ લક્ષણ દેખાતા નથી. તેને કોઈ વાતનો પસ્તાવો નથી અને જો તેને પસ્તાવો હોત તો ગ્રીષ્માના પરિવાર ઉપર હુમલો કરવાને બદલે પોતાના પેટમાં ચપ્પુ મારી લેતો.
આ ઉપરાંત નયન સુખડવાલાએ જણાવ્યુ હતુ કે, ફેનિલના મિત્ર હરીશે લાફા મારીને ફેનિલને કહ્યું કે, આવું ન કરાય. જ્યારે તેના માતાએ કહ્યું કે અમે મરી જઈએ કે શું કરીએ ? તેવું વર્તન તે તેના માતા-પિતા સાથે કરતો હતો. અહીં કોર્ટમાં તેની તબિયત ખરાબ થવાનું કહી પોલીસવાનમાં બેસીને લાડું ખાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ત્યારે કોર્ટે કહ્યું કે તને લક્ઝરી છૂટ આપવામાં નહીં આવે. આ તેનું વર્તન બતાવે છે. ક્રિષ્નાને ફોન કરીને જેલમાંથી કહેતો મારી ફેવરમાં જુબાની આપજે. આવા આરોપીને સમાજના પ્રવાહમાં ભેળવી શકાય તેવો નથી.
ઉલ્લેખનીય છે કે, ગ્રીષ્માના વકીલ દલીલ કરતા કરતા ગળગળા થઈ ગયા હતા અને ગ્રીષ્માનો પરિવાર તો કોર્ટ રૂમમાં રડી પડ્યો હતો.સરકારી વકીલે દલીલ કરતા કહ્યું કે, જો આરોપી ફેનીલને કડક સજા નહીં કરવામાં આવે તો કોઈ સ્ત્રી સલામત નહીં રહી શકે. જણાવી દઇએ કે, 12 ફેબ્રુઆરીના રોજ ફેનિલ ગોયાણીએ ગ્રીષ્માની સરાજાહેરમાં ગળુ કાપી હત્યા નિપજાવી દીધી હતી. આ કેસમાં ઘણા સમયથી ડે ટુ ડે ટ્રાયલ ચાલી રહ્યુ હતુ અને 6 એપ્રિલે કોર્ટમાં દલીલો પૂર્ણ થઇ હતી. ત્યારે એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલને ફાંસીની સજા થાય તેવી માંગ ગ્રીષ્માના પરિવારજનો કરી રહ્યા છે.