ફરીવાર લઠ્ઠાકાંડથી ગુજરાતમાં મોતનો માતમ, 10,15,18 નહિ પણ આટલા બધા લોકોના મોત, પરિવારનું હૈયાફાટ રુદન

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ રહી ગઈ છે, ઠેર ઠેર અંગ્રેજી અને દેશી દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે અને લોકો પી પણ રહ્યા છે. થોડા વર્ષો પહેલા ગુજરાતમાંથી લઠ્ઠાકાંડ પણ સામે આવ્યો હતો, જેમાં લઠ્ઠો પી અને ઘણા લોકો મોતને પણ ભેટ્યા હતા, ત્યારે હવે ફરી એકવાર અમદાવાદ અને બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ સામે આવ્યો છે જેમાં અત્યાર સુધી 20 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.

બોટાદ અને અમદાવાદ જિલ્લાના કથિત લઠ્ઠાકાંડમાં 32 જેટલા લોકોની હાલત હાલ ગંભીર છે અને તેમની ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી છે. આ લઠ્ઠાકાંડની તપાસમાં અમદાવાદ, ભાવનગર, બોટાદ અને અમરેલી એમ 4 જિલ્લાની પોલીસ પણ લાગી ગઈ છે. આ મુદ્દે SITની પણ રચના કરવામાં આવી છે.

સામે આવેલા મોતના આંકડામાં બરવાળા તાલુકાના રોજીદ ગામના 6 લોકો, ઉંચડી ગામ અને ચંદરવા ગામના 2-2 લોકો, ધંધૂકાના આકરુ ગામ અને અણીયાળી ગામના 3-3 લોકો, રાણપુર તાલુકાના દેવગણા ગામના 2 લોકોના મોત થયા છે. ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા 32 લોકોમાંથી 4 લોકોની હાલત ખુબ જ ગંભીર જણાવવામાં આવી રહી છે. મોતનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ત્યારે આ સમગ્ર મામલામાં મિથેનોલ સપ્લાય કરનારા બે લોકોની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે. આ મામલામાં અમદાવાદના લાંભા પાસેથી રાજુ નામના વ્યક્તિની એટીએસ દ્વારા અને પીપળજથી જયેશ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હાલ આ બંનેની ધરપકડ બાદ તેમની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઘણા ગામની અંદર દારૂના ભઠ્ઠા પણ ધમધમે છે અને તેમાં ઝેરી દારૂ પણ બનતો હોય છે, ઘણા લોકો આવા ઝેરી દારૂના કારણે મોતને પણ ભેટતા હોય છે, ત્યારે હવે આ મુદ્દે રાજકારણ પણ ચાલી રહ્યું છે અને ઘણા રાજકીય નેતાઓ આ મુદ્દે સરકારને પણ ઘેરી રહ્યા છે. તો ગ્રામપંચાયતો દ્વારા પણ ગામની અંદર દારૂબંદી કરવા માટેની રજુઆત કરવામાં આવી રહી છે.

Niraj Patel