અંબાજી માતાજીના દર્શન કરવા નીકળેલા 7 ભક્તોની મૃત્યુ પહેલાની તસવીરો આવી સામે, તસવીરોએ લાવી દીધા આંખોમાં આંસુઓ, જુઓ

થોડા દિવસમાં જ ભાદરવી પૂર્ણિમા આવશે અને લાખો શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી પહોંચી માતાજીના દર્શનનો લ્હાવો લેશે. ત્યારે આ દરમિયાન જ ગત રોજ એક ખુબ જ દુઃખદ દુર્ઘટના સામે આવી હતી. જેમાં કાલોલનો સંઘ ભાદરવી પૂનમે અંબાજી દર્શને નીકળ્યો હતો અને રસ્તામાં તેઓ થોડીવાર થાક ખાવા કેટલાક પદયાત્રીઓ રોડની સાઈડમાં બેઠા હતા તો કેટલાક અંબાજી જવા આગળ વધી રહ્યા હતા.

આ દરમિયાન જ અચાનક એક ઈનોવા કાર પૂરપાટ ઝડપે આવી અને ટોલ બૂથના પિલ્લર સાથે અથડાઈ. જો કે, આ ભયંકર દુર્ઘટનામાં 7 પદયાત્રીઓના કાર સાથે કચડાવાને કારણે મોત થયાં છે તેમજ 9 લોકો ઈજાગ્રસ્ત હતા. આ પદયાત્રીઓના મોતના સમાચારથી કાલોલનું અલાલી ગામ શોકાતુર બન્યું હતું.

હવે જયારે તેમની અંતિમ યાત્રા નીકળી ત્યારે આખું ગામ હીબકે ચઢેલું જોવા મળ્યું હતું. અલાલી ગામના બે યુવકો આ ગોઝારા અકસ્માતમાં મોતને ભેટ્યા હતા. ત્યારે જયારે ગામની અંદર બંને યુવકોના મૃતદેહ લઈને એમ્બ્યુલન્સ આવી ત્યારે ગામની અંદર પણ સુનકાર વ્યાપી ગયો હતો, રડવાના અવાજથી આખું અલાલી ગામ ભાવુક થઇ ગયું હતું.

બંને યુવકોની એક સાથે અંતિમ યાત્રા યોજવામાં આવી હતી. આ પદયાત્રામાં મોતને ભેટેલા બંને યુવકો અપરણિત હતા અને છેલ્લા 10 વર્ષથી અંબાજી ભાદરવી પૂનમે પદયાત્રા કરીને માતાજીના દર્શન કરવા માટે પણ જતા હતા. ત્યારે પદયાત્રા પહેલા એક પત્રિકા પણ તેમને છપાવી હતી, જેમાં લખવામાં આવેલી અંતિમ લાઈન પણ લોકોને ભાવુક કરી રહી છે.

તેમાં લખવામાં આવ્યું હતું કે, “”એટલી સુંદર યાત્રા કરો કે જિંદગીનો અંત મૃત્યુ જ હોય, તો ખૂદ માતાજીને પણ શરમ લાગે કે એની સોનેરી જિંદગી કેમ છીનવી લીધી.”  આ દરમિયાન આ પદયાત્રા સમયની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં અલાલી ગામથી નીકળેલો 100થી વધુ લોકો સંઘ અંબાજી જતા જોવા મળી રહ્યો છે, સાથે જ ઘણા પદયાત્રીઓ રસ્તા ઉપર આરામ કરતા વખતે પણ સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે.

આ પદયાત્રાની અંતિમ તસવીરો જોઈને કોઈનું પણ હૈયું કંપી ઉઠે. હર્ષોલ્લાસથી મા અંબાના દર્શન કરવા જતા આ પદયાત્રીઓએ સપનામાં પણ નહિ વિચાર્યું હોય કે મોત તેમનું આ રીતે પીછો કરતું કરતું આવી જશે. અલાલી ગામેથી નીકળતી આ પદયાત્રામાં રથ સાથે આજુબાજુના બેઢિયા, વાછાવાડ, કાતોલ, દેલોલ, સગનપુરા, ચોરાડુંગરી ગામના સોથી પણ વધુ યુવકો બુધવારે સવારે રથ અને અંબાજી માતાજીની ધજા લઇ પગપાળા નીકળ્યા હતા.

બે દિવસની સફર પછી ગત રોજ સવારે યાત્રા અરવલ્લી જિલ્લાના માલપુર પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે એક ઈનોવા કારે કેટલાક યાત્રાળુઓને કચડી નાખ્યાં. 7 લોકોનો ભોગ લેનારી કારનો ડ્રાઈવર સતત 20 કલાકથી કાર ચાલવી રહ્યો હતો. તે પુણેથી ઉદયપુર જઈ રહ્યો હતો અને ઊંઘ ન મળતાં અચાનક તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેને કારણે કાર સીધી ટોલ બૂથના પિલ્લર સાથે અથડાઈ હતી.

Niraj Patel