સુરેન્દ્રનગરની તોફાની સાંજ ! ભયાનક વંટોળ દેખાતા લોકોમાં ભયનો માહોલ, 18 વીજ થાંભલા પડવાને કારણે વીજળી થઇ ગુલ

સુરેન્દ્રનગરમાં ભયાનક વંટોળિયો જોઈને લોકો ચીસો પાડવા લાગ્યા, ડરામણો માહોલ જુઓ

તમે ક્યારેક વિદેશના ભયનાક વંટોળ જોયા હશે…આવું જ એક દ્રશ્ય ગઇકાલના રોજ સાંજે સુરેન્દ્રનગરના પંથકમાં જોવા મળ્યુ હતુ. અનોખુ વંટોળિયુ દેખાતા લોકોમાં કૂતુહલ સર્જાયુ હતુ અને આ સાથે ભયનો ફફડાટ પણ જોવા મળ્યો હતો. આ દ્રશ્ય લખતર તાલુકામાં જોવા મળ્યુ હતુ. લખતરના વિરમગામ બાજુના રોડ પર આવેલ ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડા અને વરસાદે તબાહી મચાવી દીધી છે, જેને કારણે 18 જેટલા વીજ થાંભલા પડ્યા હતા અને વીજળી ગુલ થઇ હતી. ગ્રામ્ય વિસ્તારના કેટલાક કાચા ઘર અને દુકાનોને પણ નુકશાન થયુ છે.

તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવામાં આવી છે.  જણાવી દઇએ કે, લખતરના વિઠ્ઠલગઢના જ્યોતિપરા ગામના આસપાસના વિસ્તારમાં મોટુ વંટોળ જોવા મળ્યુ હતુ. આકાશમાં સફેદ વાદળનો ગોળો ફરતો ફરતો જમીન પર ત્રાટક્યો હતો. જો કે, આ દરમિયાન લોકોએ આ દ્રશ્યને પોતાના મોબાઇલમાં કેદ કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, વરસતા વરસાદ વચ્ચે આ દ્રશ્ય સર્જાયુ હતુ. આ વંટોળને પગલે જ્યોતિપરા ગામ ખાતે કેટલાક કાચા મકાનના છાપરા ઉડી જવા પામ્યા હતા. વંટોળને પગલે વીજપોલ પણ ધરાશાયી થયા હતા.

જો કે, આ વંટોળથી લોકોમાં કૂતુહલ તો સર્જાયુ પરંતુ સાથે સાથે ડરનો પણ માહોલ જોવા મળ્યો હતો. મંગળવારના રોજની વરસાદની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં ગણતરીના તાલુકામાં હળવો વરસાદ નોંધાયો હતો. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજી તો વરસાદી ઝાપટા જ થયા છે. મેઘ મહેર ન થવાને કારણે ખેડૂતો પણ ચિંતામાં મૂકાઇ ગયા છે. વરસાદની હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો, બુધવારે એટલે કે આજે વલસાડમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ સિવાય સુરત, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી તેમજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ અને અરવલ્લી તેમજ પંચમહાલ, અને મહીસાગરમાં પણ વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો, અમરેલી, રાજકોટ અને ગીર સોમનાથ સહિત ભાવનગર, જૂનાગઢ અને દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલ એટલે કે ગુરુવારની વાત કરીએ તો, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

Shah Jina