દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“લાગણીઓનું એટીએમ” – એવું એટીએમ કે એ જેમ વપરાય એમ એમાં બેલેન્સ વધતું જાય છે… વાંચો મુકેશ સોજીત્રાની કલમે

કલરવ પંખીઓના કલરવથી જાગ્યો. હોસ્ટેલમાં તે લગભગ એકલો જ હતો. ધોરણ બાર સીબીએસસીની પરિક્ષાઓ પૂર્ણ થઇ ગયા પછી બે કે ત્રણ દિવસમાં સતત ધમધમતી હોસ્ટેલ લગભગ ખાલી થઇ ગઈ હતી. બસો જેટલા વિધાર્થીઓને પોતપોતાના વાલીઓ આવીને તેડી ગયા હતા! પાઈન વ્યુ સ્કુલની બાજુમાં જ આવેલી એક ઓલ્ડ ટેહરી હોસ્ટેલમાં એ રહેતો હતો. જમણી બાજુ દુન સ્પોર્ટ્સ એકેડેમી હતી તેની વિરુદ્ધ દિશામાં યુનિવર્સલ ફીશ એક્વેરિયમ આવેલું હતું. તેની પછી એચ ડી એફ સી બેંક, બાજુમાં જ બલ્લુપુર ફલાય ઓવર, અને કલબ રેસ્ટોરન્ટ!! એચ ડી એફ સી બેન્કની બાજુમાં જ એક ત્રાંસો રસ્તો જતો હતો એ શહીદ કાશ્મીરસિંઘ રોડ કહેવાતો હતો જે આગળ જતા સિનર્જી ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયંસ અને હોટેલ ગોલ્ડ સ્ટોન કમ્ફર્ટ પાસે થઈને કૌલાગઢ માર્ગને મળી જતો હતો.

આમ તો છેલ્લા ચાર વરસથી એ દહેરાદુન બહાર ક્યાય ગયો નહોતો. હા એક વખત પોતાના સહાધ્યાયીઓના ખુબ જ આગ્રહને કારણે મસુરી સુધી પીકનીકમાં ગયો હતો. કલરવના રૂમમેટસ.. અલ્પ, શ્વેતલ અને આયુષ ઘણીવાર એને કહેતા. “યાર તું અહિયાં ટુરિસ્ટ ગાઈડ બની જા ને તો પણ સારું કમાઈ શકે એમ છે. દહેરાદુનની એક એક હિલ્સ,એક એક બજાર અને એક એક ખીણથી તું જેટલો વાકેફ છો એટલા તો દહેરાદૂનના મૂળ નિવાસી પણ નહિ હોય!!”

Image Source

અને વાત પણ સાચી હતી. દહેરાદુનના ગોપીવાલાથી લઈને છેક પીઠ્ઠુંવાલા સુધીનો તમામ વિસ્તાર કલરવ પગે ચાલીને ફરી વળ્યો હતો. દહેરાદુનના સ્ટ્રીટ ફૂડ થી લઈને ત્યાં આવેલા મોટા આઠ રેસ્ટોરન્ટથી એ સુપેરે વાકેફ હતો. વરસમાં પડતા બે વેકેશનમાં એ “એક્સ્પ્લોર દેહરાદુન” અંતર્ગત આખું સીટી ઘૂમી વળતો.અલગ અલગ પોઈન્ટ્સ પરથી એ સુર્યાસ્ત અને સૂર્યોદયના ચિત્રો દોરતો. દરેક જગ્યાની ખાસિયત પોતાની નોટબુકમાં ટપકાવી લે તો..શનિ રવિની રજામાં એ પાસપોર્ટ અને વિઝા ઓફીસ પહોંચી જતો. વિદેશી ટુરિસ્ટ ગોતી લેતો. તેમની સાથે રખડીને એ આખું દહેરાદુન બતાવતો. અંગ્રેજી તો એનું પાવરફુલ હતું પણ હવે તે ભાગ્યું તૂટ્યું ફ્રેંચ અને જર્મન પણ બોલી લેતો. ટુરિસ્ટ પાસેથી ઘણીવાર ડોલર્સમાં એને મોટી રકમ પણ મળતી હતી. એચડીએફસી બેંકમાં એનું ખાતું હતું ત્યાં એ રકમ જમા કરાવતો. ખાવાનો અને સિટીમાં એક ફરવાનો શોખ હતો. બાકી અભ્યાસ અને વાંચન!!

કલરવ જયારે પાંચ વરસનો હતો ત્યારે એના માતા પિતા એને સારા શિક્ષણ ના હેતુસર અહી મૂકી ગયા હતા. માતા અને પિતા દિલ્હીમાં ઓફિસર હતા અને પોશ વિસ્તાર કરોલ બાગમાં રહેતા હતા. કલરવ એ વખતે ના સમજ હતો. પણ માતા પિતાથી દૂર રહેનાર બાળક બહુ ઝડપથી પુખ્ત બની જતું હોય છે એમ કલરવ જયારે સાતમાં ધોરણમાં આવ્યો ત્યારે એ જાણી ગયો હતો કે માતા પિતા ભલે સાથે રહેતા હોય પણ સાથે જીવતા નહોતા. હવે તો એની ઉપેક્ષા થતી હતી. પહેલા પરિવારમાં જે આનંદ હતો. જે એક ખુશી હતી એ દેખાતી નહોતી. વેકેશનમાં મહિનો કલરવ ઘરે જાય ત્યારે વાતાવરણ એકદમ તંગ રહેતું. આજુબાજુના ઘર વાળા પણ કલરવને દયાની નજરે જોતા હતા. એ રસ્તામાં જયારે નીકળતો પોતાના ઘરેથી ત્યારે બાજુમાં આવેલ મકાનના શિલા આંટી એના માથા પર હાથ ફેરવતા. પોતાના ઘરે લઇ જતાં. બધા કલરવને વ્હાલની નજરે જોતા. કલરવ ધીમે ધીમે બધું જ સમજવા લાગ્યો હતો. પોતાની મમ્મી અવંતિકા અને પાપા દીવ્યેશે અલગ અલગ રસ્તા અપનાવી લીધા હતા. બેયે પોતાના માનીતા પાત્રો શોધી લીધા હતા. ઘરે તો એ એકલો જ હોય. એકાદ નોકર હોય.. ખાવાની અઢળક ચીજો એને બેસ્વાદ લાગતી હતી. એ ધોરણ આઠમા આવ્યો ત્યારે એના માતા પિતા એ જૂનું ઘર વેચીને બે નવા મકાન ખરીદ્યા હતા. જયારે બાળક તમારી સાથે રહેતું હોય ત્યારે જ ઘર કહેવાય બાકી બાળકને એના હાલ પર તરછોડીને તમે મકાન જ ખરીદી શકો ઘર નહિ. મમ્મી પાપા એ મનગમતા પાત્રો સાથે મૈત્રી કરાર કરી લીધા હતા. હવે તેમને હોસ્ટેલમાં મુકવા અને લઇ જવાના વારા થઇ ગયા હતા. નાતાલનું વેકેશન પડે એટલે મમ્મી લેવા આવતી અને ઉનાળાના વેકેશનમાં પાપા લેવા આવતા. પછી તો એ પણ બંધ થઇ ગયું. કલરવ માટે એક અલગ રકમ બેન્કના ખાતામાં મુકાઈ ગઈ હતી. એ રકમ એના અભ્યાસ માટે વાપરવાની હતી. એ રકમ ખૂટે ત્યાં સુધીમાં કલરવ પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને નોકરીએ લાગી જાય એવી વ્યવસ્થા હતી. અંદરથી દુઃખી કલરવ દુઃખને બહાર દેખાડતો નહિ. એને બહુ ઝડપથી સમજાઈ ગયું હતું કે હવે પોતાના સહારે જ એને આગળ વધવાનું હતું. કુટુંબ કે પરિવાર નામનો ડેટા એના જીવનમાં બહુ જલ્દીથી કરપ્ટ થઇ ગયો હતો.

Image Source

અને એટલે જ તે હવે રજાઓમાં અને વેકેશનમાં ક્યાય બહાર જતો નહિ. પગે ચાલીને તે દહેરાદુનની સાંકડી અને ઢોળાવ વાળી ગલીઓ ઘૂમી વળતો. ભણવાની સાથે સાથે ટુરિસ્ટ ગાઇડનું કામ પણ તે કરતો. ફેસબુક પર પોસ્ટ મુકતો. આજ કામ એને ગમતું. ધીમે ધીમે તે વિદેશી ટુરિસ્ટમાં લોકપ્રિય થઇ ગયો હતો. આ એનું છેલ્લું ધોરણ હતું. બસ આગળ અભ્યાસ કરવા એ માંગતો જ નહોતો. પોતાની બચત અને માતા પિતા તરફથી મળેલ એ ચોક્કસ રકમથી એક નાનકડું મકાન લઈને એ ફુલટાઈમ ટુરિસ્ટ ગાઈડ બનવા જઈ રહ્યો હતો.

પોતાના ફેસબુક એકાઉન્ટમાં એ પોતાના માતા પિતા સાથે કનેક્ટેડ હતો. માતાની નવા પતિ સાથેની તસ્વીરો આવતી. પિતાની નવી માતા સાથેની તસ્વીરો આવતી એ જોતો. આંખમાંથી આંસુ નીકળી જતા અભ્યાસક્રમમાં આવતા પાઠોમાં આદર્શ માતા અને પિતાના વર્ણનો વાંચીને એ નિરાશામાં સરી પડતો!! ફેસબુકમાં એને ઘણા બધા મિત્રો મળ્યા હતા. એમાં એક મોટી ઉમરના ગુજરાતી મિત્ર થઇ ગયા હતા. એ સવાર સાંજ એને મેસેજ કરતા!!
“ હાઈ યંગ મેન ગુડ મોર્નિંગ” “ગુડ નાઈટ”

Image Source

નામ એનું વી ડી ઓઝા હતું. કલરવ સાથે એની મિત્રતા બરાબરની થઇ ગઈ હતી. નંબરોની આપલે થઇ. વોટસએપ પર વાતો શરુ થઇ. અને હવે તો બે ત્રણ દિવસે એના કોલ પણ આવતા. કલરવને મજા આવતી. દસમાં ધોરણની પરીક્ષા પૂરી થઇ અને વેકેશન પડ્યું ત્યારે વી ડી ઓઝા દહેરાદુન આવ્યા. સીતેર વરસની ઉમર હતી લગભગ. કલરવ એનો ટુરિસ્ટ ગાઈડ બન્યો. બપોરે એ સાથે જમ્યા. પછી વીડી ઓઝા બોલ્યા.

“ હું અઠવાડિયું રોકાવાનો છું. તારે મને આખું દહેરાદુન બતાવવાનું છે બોલ ફી કેટલી થશે”
“ દાદા તમારી પાસેથી શું લેવાનું હોય કશું જ નહિ” કલરવ બોલ્યો.
“એમ નહિ.. જો તું રકમ નહિ લે તો હું આજ સાંજે જ પાછો જતો રહીશ.. માટે તું તારી ફી કહી દે.. અહિયાં દહેરાદુનમાં ગાઈડના જે ભાવ ચાલતા હોય કહી દે” વીડી ઓઝા બોલ્યા.
ખુબ લાંબી રકઝક ચાલી અને પછી કલરવ બોલ્યો.
“તમે જે આપો એ લઇ લઈશ..”

“પાકુને હું આપું એ લઇ જ લેવાનું પાકું” અને કલરવના હાથ પર તાળી આપીને વીડી ઓઝા કલરવને ભેટી પડ્યા. ખુબ લાંબા સમયે કલરવને કોઈ આ રીતે ભેટતું હતું.
અને પછીના દસ દિવસ કલરવ અને વીડી ઓઝા માટે સુખના સુરજ જેવા હતા. દસ દિવસમાં આખું દહેરાદુન કલરવે વીડી પટેલને બતાવી દીધું. દરેક પોઈન્ટ બતાવ્યા. દહેરાદૂનના પ્રાચીન મંદિરો બતાવ્યા. અંગ્રેજ વખતનો ઈતિહાસ પણ બતાવ્યો. આજુ બાજુના જંગલોમાં ટ્રેકિંગ પણ કર્યું. દહેરાદુનની ખ્યાતનામ હોટેલમાં વીડી ઓઝા અને કલરવ સાથે ભોજન લેતા. જતી વખતે કલરવના હાથમાં રોકડા દસ હજાર રૂપિયા આપ્યા અને એક એટીએમ કાર્ડ આપ્યું અને વીડી ઓઝા બોલ્યા.

Image Source

“ આ દસ હજાર તારી ટીપ્સ છે. અને આ કાર્ડમાં ઘણી બધી રકમ છે. મારી પત્નીના નામનું કાર્ડ છે. એ શિક્ષિકા હતી. નિવૃત થઇ ત્યારે જેટલી રકમ આવી એ બધી આ ખાતામાં જ છે. હું પણ તલાટી મંત્રી હતો. ઈશ્વરે સંતાન આપ્યું નથી. તને હું સંતાન જ ગણું છું. કદાચ તને આ લાગણીવેડા નહીં ગમે તું અહી કોન્વેન્ટમાં ભણે છો એટલે કદાચ પણ દિલથી આનો સ્વીકાર કરજે. આ બધી તારી રકમ છે. તે મને વચન આપ્યું હતું કે હું આપીશ એ તારે લઇ લેવાનું. એટલે કોઈ દલીલ કર્યા વગર આ લઇ લે.. આ પાસવર્ડ છે એટીએમનો” કલરવ આભો જ બની ગયો. એ વીડી ઓઝા ને ભેટી પડ્યો. જતા જતા વીડી ઓઝાએ એને પોતાના ઘરનું પણ સરનામું આપ્યું. બીજા દિવસે કલરવે એ એટીએમ કાર્ડનું બેલેન્સ ચેક કર્યું.એની આંખો પહોળી થઈ ગઈ! સોળ લાખ કરતા વધારે રકમ એમાં જમા બતાવતી હતી.

એટીએમ કાર્ડમાંથી થોડીક રકમ ઉપાડીને એણે એક કેમેરો ખરીદ્યો. બસ પછી એ શનિ રવિની રજાઓમાં દહેરાદુનમાં અલગ અલગ જગ્યાએ ઘુમતો તસ્વીરો લેતો અને એ બધી તસ્વીરો વીડી ઓઝાને વોટ્સએપમાં મોકલતો. એકલતાનો એક માત્ર સહારો વીડી ઓઝા જ હતા કલરવ માટે. ફોન પર હવે લાંબી લાંબી વાતો થતી. કલરવે પોતાના મા બાપની તમામ વાતો વીડી ઓઝા ને કહી હતી. જવાબમાં વીડી ઓઝા એને આશ્વાસન આપતા કે.

“યંગ બોય એ હવે બધું ભૂલી જવાનું!! આપણી તકલીફ એ છે કે જે આપણે ભૂલવાનું હોય છે એ યાદ રાખીએ છીએ અને યાદ રાખવાનું ભૂલી જઈએ છીએ. તું તારા રૂમની બારી ખોલ.. ડાબી બાજુ એ જો કેવો સરસ મજાનો ધોધ છે!! એ ધોધનું પાણી જો એ નીચે જાય છે.. એ કદી ઉપરની બાજુ ન આવે.. અમારી બાજુ એક કહેવત છે કે નેવાના પાણી કદી મોભે ન ચડે એવી વાત છે.. મમ્મી કે પાપા ને કોઈને દોષ ના દેવો એમ હું માનું છું. આ તો આપણા મનુષ્યમાં આવી વ્યવસ્થા છે બાકી પ્રકૃતિમાં ઘણાય જીવ એવા છે કે જન્મ આપ્યા પછી એના સંતાનોની સામું પણ જોતા નથી. સહુ સહુની રીતે જીવે છે.”

Image Source

ગમે તે હોય કલરવને વીડી ઓઝાની એક એક વાતો ગમતી હતી. અને હવે તો વેકેશન હતું. કલરવ ઈચ્છતો હતો કે એ એકાદ મહિનો વીડી ઓઝાને પોતાની સાથે બોલાવી લે તો કેવી મજા આવે. સાથે એમના પત્ની આવે તો પણ કેવું સારું.. એમણે આપેલા એટીએમ કાર્ડમાં “રમાબેન પટેલ” એવું નામ હતું. ઘણી વખત કલરવ એમને રમાબેન વિષે પ્રશ્નો પૂછતો પણ વીડી બહુ ઓછા જવાબ આપતા.

કલરવ નાહીને બહાર નીકળવાની તૈયારીમાં જ હતો ત્યાંજ હોસ્ટેલના રેકટર ઓપી માથુર આવ્યા. ઓપી માથુરને કલરવની પરિસ્થિતિનો ખ્યાલ હતો. આવીને ઓપી માથુર બોલી ઉઠ્યા.
“તને કશી જ ખબર નથી??? કોઈ સમાચાર તને મળ્યા નથી?? ક્યાં છે તારો મોબાઈલ”??
“મોબાઈલ તો ચાર્જમાં છે અને સ્વિચ્ડ ઓફ છે શું બન્યું છે એ મને કહો???”

“ તારા પિતાજીનું એક્સીડેન્ટ થયું છે.. ઘટના સ્થળે જ મોત થયું છે.. ખુબ જ નશામાં હતા એમ પોલીસનું કહેવું છે. ઘટના રાત્રીના બે કલાકે બની છે.. સમાચાર ચેનલો વાતને મસાલો ભરી ભરીને રજુ કરી રહી છે અકસ્માતના સમયે કારમાં બે સ્ત્રીઓ પણ હતી પણ એને કશું જ નથી થયું. એ ઘટનાસ્થળે થી ફરાર થઈ ગઈ છે. પત્રકારો તારા પાપાના રંગીન સ્વભાવ વિષે બેફામ લખે છે. તારી મમ્મી વિષે પણ લખ્યું છે અને હમણા જ મને એક કોલ આવ્યો.. એ ગીધડાઓને એ પણ ખબર પડી કે મરનારનો એક પુત્ર દહેરાદુન ભણે છે. એ તારો ઈન્ટરવ્યું લેવા માંગે છે બોલ!! ચાલ ટીવી જોઈ લે એટલે તને ખબર પડે” ઓપી માથુરે આટલું કહ્યું અને કલરવે તેનો મોબાઈલ ચાર્જીંગમાંથી લીધો અને તેની સાથે નીચે આવેલા કાર્યાલયમાં ગયો. ત્યાં ટીવી શરુ હતું અને બ્રેકીંગ ન્યુઝ આવી રહ્યા હતા.

Image Source

“ દિલ્હીના પડપડગંજ ફ્લાય ઓવર પાસેની ઘટના!! દિવ્યેશ પટેલની ફોર્ચ્યુંનર કાર ફ્લાયઓવરના પિલર સાથે અથડાઈ!! ઘટના સ્થળે જ દિવ્યેશ પટેલનું મોત!! કારમાં થી બે સ્કોચની બોટલ તૂટેલી હાલતમાં મળી આવી છે!! નજરે જોયેલા માણસનું કહેવું છે અકસ્માત સમયે કારમાં બે સ્ત્રીઓ પણ હતી તેને ખાસ કશી ઈજા નથી થઇ પણ અકસ્માત બાદ બને સ્ત્રીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટી હોવાનું કહેવાય છે. દિવ્યેશ પટેલ એક જાણીતી કન્સ્ટ્રકશન કંપની “રાઈઝીંગ સાઈટ” માં મોટા હોદા પર હતા. તેમણે પોતાની પત્નીથી છૂટાછેડા લીધેલ હતા અને કંપનીમાં જ કામ કરતી એક સ્ત્રી સાથે એણે લગ્ન કર્યા હતા. જાણકાર સુત્રોનું કહેવું છે કે એની બીજી પત્ની ત્રણ માસ પહેલા બીજા કોઈની સાથે લગ્ન કરીને ન્યુજીલેન્ડ સેટલ થઇ ગઈ છે. દિવ્યેશ પટેલ ખુબ જ માનસિક તણાવમાં હતા. એમની આગલી પત્ની અવંતિકાનો કોન્ટેક કરતાં અવંતિકાના નવા હસબંડે કશું જ કહેવાનો ઇનકાર કરી દીધો છે. હાલમાં દિવ્યેશ પટેલને હોસ્પિટલમાં રખાયા છે બાર વાગ્યે તેમનો અંતિમસંસ્કાર કરવામાં આવશે”

કલરવને આ સાંભળીને ના તો કશું દુઃખ થયું કે ન તો આઘાત લાગ્યો. હા એના મનમાં મથામણ શરુ થઇ ગઈ હતી. એને ન તો પાપા તરફથી સ્નેહ મળ્યો હતો કે ના તો મમ્મી તરફથી વાત્સલ્ય!! એનું જીવન આખું જાણે લાગણીવિહીન થઇ ગયું હતું.

“ હું ઈચ્છું છું કે તું થોડા દિવસ મારે ત્યાં મારા વતનમાં રહે આ બધાથી દૂર!!” આજે બપોરે જ હું તને મારી મોટરમાં ચંબા લઇ જાવ!! ત્યાં એકદમ તને અનુકુળ વાતાવરણ છે!! તને ત્યાં ફોટોગ્રાફી કરવાની પણ મજા આવશે” ઓપી માથુર કલરવની માનસિક સ્થિતિ સમજતા હતા. એ આ નાનકડા છોકરાને નાનપણ થી જ ઓળખતા હતા. માતા પિતાને કારણે છોકરાનું જીવન બરબાદ થયું છે તે જાણતા હતા. છેલ્લે છેલ્લે એણે દીવ્યેશને કહ્યું પણ હતું જયારે દિવ્યેશ કલરવને છેલ્લી વાર મળવા આ હોસ્ટેલમાં આવ્યો હતો!!

“મિસ્ટર દિવ્યેશ સાંભળ્યું છે કે તમે દિલ્હીમાં હાઈ રાઈઝ ઇમારતો ડેવલપ કરો છો. એવી ઇમારતો કે જેને દસ રીક્ટર સ્કેલનો ધરતીકંપ આવે તો પણ એક કાંકરી ન ખરે!! તમે એના માસ્ટર ગણાવ છો!! આ વાત સાચી છે મિસ્ટર દિવ્યેશ” જવાબમાં દીવ્યેશે હા પાડી હતી અને એ પણ ગર્વથી અને પછી ઓપી માથુરે કહ્યું એ દીવ્યેશની ધારણા બહારનું હતું!!

“ સરસ તમારું આટલું સારું કામ જોઇને મને તમારી દયા આવે છે!! મારી સામે ઉભેલો માણસ ગગનચુંબી ઇમારતો તો બનાવી શકે છે પણ વાત્સલ્યનું એક ઘર નથી બનાવી શકતો! આ કલરવ ને જોઇને મને એમ થાય છે કે જો તમારામાં સાચવવાની તેવડ ન હોય તો સંતાન પેદા કરવાનો તમને કોઈ જ અધિકાર નથી. તમારા બનેના ઝગડામાં આ કુમળું બાળક ચગદાઈ રહ્યું છે એનો તમને ખ્યાલ છે. તમે બને એ તમારા શરીરના સુખનો જ ખ્યાલ રાખ્યો. પણ આ બાળકના માટે તમે કશું જ ના કરી શક્યા. સામે ઝુંપડપટ્ટીના બાળકો ની સ્થિતિ આ કલરવ કરતા સારી છે. તમે ભલે તમારી જાતને દિલ્હીના એક શ્રેષ્ઠ સિવિલ એન્જીનીયરની માનતા હો પણ મારી નજરમાં તમે સાવ નીચલી કક્ષામાં છો!! આ કલરવની સામું તો જુઓ દિવ્યેશ” અને કટાણું મોઢું કરીને દિવ્યેશ પોતાની ફોર્ચ્યુંનર કારમાં ચાલી ગયેલો!!

Image Source

કલરવના ના મોબાઈલમાં રીંગ વાગી. વીડી ઓઝાનો ફોન હતો. કાર્યાલયમાંથી બહાર નીકળીને કલરવે વાત શરુ કરી. ઓપી માથુર તેને વાતચીત કરતા જોઈ રહ્યા. મોબાઈલ પર કલરવ ધ્રુસકેને ધ્રુસકે રડી રહ્યો હતો. ઘણી વાર રડ્યા પછી આવીને એણે કહ્યું.

“હું અમદાવાદ જાવ છું. મારા એક મોટી ઉમરના મિત્ર છે.. તમને યાદ હોય તો બે વરસ પહેલા અહી આવ્યા હતા અને દસ દિવસ હું એમનો ટુરિસ્ટ ગાઈડ હતો એ વીડી ઓઝા ને મેં આખી વાત કરી. તમારે ત્યાં ફરી કોઈક વાર આવીશ. આમેય બારમાનું પરિણામ આવવાને હજુ વાર છે. પરિણામ આવશે ત્યારે હું તમને મળીશ હવે કદાચ અહીની કોલેજમાં જ એડમીશન લઈશ. ત્યાં સુધી હું અમદાવાદ રહીશ. વીડી ઓઝાને મારા પ્રત્યે ખુબ જ લાગણી છે! ઓપી માથુરે કલરવને બાહોમાં લીધો. વાત્સલયથી માથે હાથ ફેરવ્યો!! અને અર્ધા કલાકમાં જ એક વોલ્વો બસમાં કલરવ પોતાની એક બેગ અને એક થેલા સાથે દિલ્હી તરફ રવાના થયો!!

દિલ્હીથી એક રાતની ટ્રેનમાં જનરલ કલાસમાં અમદાવાદ તરફ રવાના થયો. બુકિંગ તો શક્ય નહોતું. વીડી ઓઝા સાથે એણે ત્રણેક વાર વાત કરી લીધી હતી. વીડી ઓઝાએ એને કહ્યું હતું કે અમદાવાદ કાળુપુર રેલવે સ્ટેશને એ એમને લેવા પણ આવશે. ખુબજ સધિયારો અને લાગણીભર્યા શબ્દોથી કલરવને એણે પુરતું આશ્વાસન આપ્યું હતું. વળી ગાડીમાં જનરલ ડબ્બામાં કોઈ ગુજરાતી મુસાફર છે કે નહિ એની પણ પૂછપરછ કરી હતી. એક દંપતી અમદાવાદનું હતું. જે હરિદ્વારથી આવતું હતું. કલરવે એની સાથે વાત કરાવી દીધી. પેલું દંપતી પણ કલરવને કોઈ ચિંતા ન કરવી!! તું નિરાંતે સૂઈજા એવું કહ્યું હતું. સાવ અજાણ્યા માણસોની પોતાના તરફની લાગણી જોઇને કલરવને નવાઈ લાગતી હતી.
બીજા દિવસે લગભગ સવારના અગીઅર વાગ્યે ટ્રેન કાળુપુર રેલવે સ્ટેશન પર આવી. પ્લેટફોર્મ નંબર ચાર પર કલરવે જોયું તો વીડી ઓઝા ખુશ ખુશાલ ચહેરે ઉભા હતા. આમ તો વહેલી સવારથી જ એ કલરવ સાથે મોબાઈલ દ્વારા સંપર્કમાં જ હતા. વાદળી કફની અને સફેદ ઝભ્ભામાં વીડી ઓઝા એકીટસે ટ્રેન ની રાહ જોઈ રહ્યા હતા. કલરવ ઉતર્યો અને વીડી ઓઝાને ભેટી પડ્યો. કલરવનો સામાન એણે પરાણે ઊંચકી લીધો સ્ટેશનની બહાર પાર્ક કરેલી કારમાં બને ગોઠવાયા.

Image Source

“ચાલ હું તને પહેલા કાંકરિયા લઇ જાવ ત્યાંથી આપણે ઘરે જઈશું” કહીને વીડી ઓઝાએ કારને કાંકરિયા બાજુ ચલાવી. કાંકરિયા પહોંચી ને કહ્યું. “અત્યારે આપણે હળવો નાસ્તો કરી લઈએ ભોજન ઘરે જઈને કરીશું.” બે મસ્કા બન અને થમ્સ અપ લઈને એક ઝાડ નીચે એ બેઠાં!! એકદમ શાંત વાતાવરણ હતું. નાસ્તાને ન્યાય આપીને વીડી ઓઝા બોલ્યા!!
“બેટા કલરવ હું તારે ત્યાં આવ્યો ત્યારે એક વાત તે માની હતી. આજે તારે એક બીજું વચન આપવાનું છે” કલરવે જોયું કે વીડી ઓઝાની આંખમાં વાત્સલ્યની સાથે સાથે એક ઘેરી ગમગીની પણ છે. વીડી ઓઝા પોતાની સાથે લાવેલ એક નાનકડી થેલીમાંથી એક આલ્બમ કાઢ્યું. આલ્બમ કલરવના હાથમાં આપ્યું અને ચોંકી ગયો. પોતાના પિતા સાથે વીડી ઓઝા ઉભા હતા. પોતાના પિતાના ઘણા ફોટાઓ આ આલ્બમમાં હતા. અચાનક જ વીડી ઓઝા રડી પડ્યા. કલરવને બાથમાં લઈને કહ્યું.

“ હું તારો દાદો છું બેટા સગો દાદો.. દિવ્યેશ મારો એકનો એક દીકરો હતો.” કલરવ પણ આંખમાં આંસુ સાથે દાદાજીના વ્હાલમાં વરસી રહ્યો હતો. થોડીવાર પછી સ્વસ્થ થયા પછી વીડી ઓઝાએ આગળ ચલાવ્યું.

“વી ડી ઓઝા મારું ફેસબુકનું ખોટી આઈ ડી છે.. મારું સાચું નામ ઝવેરભાઈ એન પટેલ છે!! દિવ્યેશ મારો એકનો એક દીકરો. રમા મારી પત્ની એ શિક્ષિકા અને હું તલાટી મંત્રી હતો એમાંથી પ્રમોશન મળ્યું અને સર્કલ થયેલો. ઘણા પૈસા બનાવ્યા. બાર સાયન્સમાં દિવ્યેશ આવ્યો ત્યારે તારા જેવો જ હતો. ટકાવારી ઓછી પડી મેં એને ઉદેપુર મોકલ્યો સિવિલ એન્જીનીયર કરવા માટે ત્યાં એની સાથે ભણતી અવન્તિકા સાથે એ પ્રેમમાં પડ્યો.ડીગ્રી પૂરી થઇ અને એ બને પરણી ગયા. અમને એનો ય વાંધો નહોતો. એ લોકો ને દિલ્હીમાં જોબ મળી ગઈ. અમે ખુબ જ ખુશ હતા. દેત્રોજ બાજુ મેં ઘણી જમીન પણ રાખેલી એ વખતે કઈ અમદાવાદનો વિકાસ નહિ એટલે સસ્તા ભાવે જમીન મળતી ગઈ અને હું રાખતો ગયેલો. દિવ્યેશ અને અવંતિકા અમદાવાદ આવ્યા. અહીંથી બધું જ વેચીને દીકરા સાથે દિલ્હીમાં સેટલ થવું એમ મેં અને રમાએ નક્કી કરી નાંખેલું. ત્યાં નોઇડા બાજુ જમીન લઈને ઘરનું કન્સ્ટ્રકશનનો બિજનેશ કરવો એમ દિવ્યેશ કહેતો હતો. પણ એક રાતે રમા અગાશીમાં પુત્ર વધુ ની વાત સાંભળી ગઈ અને એની પગતળેથી જમીન સરકી ગઈ. સવારે રમાએ મને વાત કરી. આપણે અહી વેચવામાં ઉતાવળ નથી કરવી. દીકરો હવે આપણો નથી એ આખેઆખો અવંતિકાનો છે એ પણ વાંધો નહિ. એ લોકો અહીની સંપતી મળી જાય પછી પણ આપણને ત્યાં ભેગા નથી રાખવાના. મારું મન કહે છે કે તમે આ બાબતમાં ઉતાવળ ના કરતાં. કાલે મેં એમની આખી વાત સાંભળી. રમા જે કહે એ સાચું જ પડતું એટલે મેં એકાદ વરસનો સમય માંગ્યો. અને અવન્તિકા મન ફાવે એવું બોલી. જાણે કેમ એનો કાયદેસરનો હક હોય!! એ દીવ્યેશને તો ખીજાતી હતી પણ રમાને પણ ખીજાણી!! એક વહુ કે જેણે સાસરિયામાં આવીને કોઈ કામ જ નહોતું કર્યું એ રમાને ઘચકાવે એ હું સહન ના કરી શક્યો. દિવ્યેશ પણ એનો પક્ષ લેતો હતો.

Image Source

અને વાત સાચી નીકળી એ લોકોએ ધમકી મારી કે બધું વેચી નાંખો નહીતર જોયા જેવી થશે. હું તલાટી મંત્રી હતો ગામેગામના માથાભારે સરપંચો અને અધિકારીઓને સાચવી લેતો એ મારા છોકરાની ધમકીથી ડરી જાવ. મેં એમને તગેડી મુક્યા અને કહ્યું કે આ મિલકત મારી છે એમાંથી તારો કોઈ જ હક નથી બનતો કે એ હવે તને મળે. છાપામાં નોટીસ પણ મેં આપી દીધી. એ બને ને ઘરની બહાર કાઢી મુક્યા. મને એમ હતું કે થોડો સમય પછી એ લોકો કદાચ માફી માંગી લે તો થોડીક જમીન વેચીને એને અમુક રકમ આપવી. પણ એ લોકો ગયા એ ગયા!! આશરે નવ વરસ પહેલા ફેસબુક દ્વારા મે દીવ્યેશને શોધી કાઢ્યો. તારો ફોટો પણ મેં ફેસબુક પર પહેલી વાર જોયો!! દાદા ને સહુથી વધારે ખુશી એના પૌત્રને જોઇને થતી હોય છે. મેં વીડી ઓઝાનું ફેક આઈ ડી બનાવ્યું અને દીવ્યેશ ની ગતિવિધિ થી વાકેફ રહેતો. તારી સાથે તો હું પછી કનેક્ટેડ થયો પણ એક દિવસ એવો નહિ ગયો હોય કે મેં તને યાદ ન કર્યો હોય!! ફેસબુક દ્વારા જ મને અવન્તિકા અને દિવ્યેશ જુદા પડ્યા એના સમાચાર મળ્યા. તે પણ મને તારા મમ્મી પાપા વિષે કહ્યું. હું તને કશું પૂછતો નહોતો તું જે કઈ સામેથી બતાવે એ સ્વીકારી લેતો મને ડર હતો કે તું પણ કોન્ટેક્ટ નહિ રાખે તો. બસ રમાના કહેવાથી હું ત્યાં આવ્યો હતો અને રમાનું એટી એમ કાર્ડ તને આપી દીધું. દીવ્યેશમાં મને રસ નહોતો મને હવે તારામાં રસ હતો. આખરે અમારા ખાનદાનનો તું છેલ્લો વારસ ને.. દિવ્યેશના મોતના સમાચાર મેં એમની આઈડી પર જ સવારે સાંભળ્યા.એમના મિત્રો એમને આઈ ડી પર જ શ્રદ્ધાંજલિ આપતા હતા. હું તને ફોન લગાવતો હતો પણ લાગતો નહોતો છેલ્લે તને ફોન લાગ્યો અને તે મને બધી વાત કરી. રમાને ફક્ત એટલી જ ખબર છે કલરવ દહેરાદુનમાં ભણે છે. દિવ્યેશ અને અવન્તિકા અલગ અલગ રહે છે. બને સુખી છે!! બસ તને કે વિનંતી છે કે દિવ્યેશ આ દુનિયામાં નથી એ તારે તારી દાદીને નથી કહેવાનું!! એ આઘાત સહન નહિ કરી શકે!! માં સાથે દીકરાને ગમે તેટલો ઝગડો થયો હોય પણ માં ની પહેલા આ દુનિયામાંથી દીકરો વિદાય લે તો કોઈ પણ મા હોય એનું કાળજું કઠણ હોય તો પણ એ સહન કરવું અઘરું બની જાય છે!! બસ તારે એમ જ કહેવાનું કે મમ્મી અને પાપા એક બીજાની દુનિયામાં મસ્ત છે. બે ય અલગ રહે છે હું પણ અલગ છું. મારે એમની સાથે કોઈ કોન્ટેક નથી” ઝવેરભાઈ એ વાત પૂરી કરી દિવ્યેશ પોતાના દાદાની સામે જોઈ રહ્યો.

થોડી વાર પછી દાદા અને તેમનો પૌત્ર કારમાં ગોઠવાયા દેત્રોજ બાજુ કાર ચાલી. એક આલીશાન ફાર્મ હાઉસ પાસે કાર ઉભી રહી. મકાનની ઉપર “કલરવ” લખેલું હતું.
“તને મળવા આવ્યો હતોને દહેરાદુન પછી આ ઘરનું નામ બદલી નાંખ્યું” ઝવેરભાઈ બોલ્યા.
દરવાજે જ રમાબેન ઉભા હતા.

“આવી ગયો મારો દીકરો” કહીને ચોધાર આંસુએ રમાબેન કલરવને ભેટી પડ્યા. બપોરે પરિવારે સાથે ભોજન લીધું. રમાબેને પોતાના હાથે કલરવને જમાડ્યો. અને પછી કલરવ સુતો. પડખે ઝવેરભાઈ અને રમાબેન બેસીને પોતાના વારસને જોઈ રહ્યા હતા. ઘરમાં વરસોથી સંઘરાયેલ વાત્સલ્યનું ઝરણું કલરવને નવડાવી રહ્યું હતું. મહિના દિવસમાં મહેસુલી રીતે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને તમામ સંપતી દાદા એ પૌત્રને નામ ચડાવી દીધી હતી.

Image Source

દોઢેક મહિના પછી કલરવ પોતાના બારમાં ધોરણનું રીઝલ્ટ લેવા દહેરાદુન ગયો એ પાસ થઇ ગયો હતો. ઓપી માથુરે તેને ભવિષ્યની યોજના વિષે કહ્યું ત્યારે કલરવ બોલ્યો.
“મારા દાદા દાદીએ આપેલ લાગણીનું એટીએમ વાપરવાનું બાકી છે હજુ.. મારા ઝવેર દાદા માટે મારે એનો દિવ્યેશ બનવાનું બાકી છે. એમની જમીન જાયદાદ સાચવવાની બાકી છે ખાસ કરીને મારા રમાદાદીની ઈચ્છા હતી કે મારા પાપાનો એ સબંધ ગોતે, રૂડી જાન જોડે એના સંતાનોને હીંચકાવે!! મારા પાપાએ તો એ ઈચ્છા પૂરી ના કરી. બાપે જે કામ અધૂરું મુક્યું એ હવે આ એનો પુત્ર પૂરું કરશે. મેં મારા દાદા અને દાદીને કહી દીધું કે તમે હવે મારો સંબંધ ગોતવા માંડો.. બે વરસમાં મને પરણાવી દ્યો!!તમે આપેલ લાગણીનું એટીએમ આ ઘરમાં સદાયને માટે વપરાતું રહેશે!!” આટલું કહીને કલરવ ઓપી માથુરને અને પોતાના સહાધ્યાયી મિત્રોને અમદાવાદ આવવાનું આમંત્રણ આપીને ચાલી નીકળ્યો!!
કોઈ પણ બેન્કનું એટીએમ હોય જેમ વપરાય એમ એમાં બેલેન્સ ઓછુ થતું જાય છે!! પણ લાગણીનું એટીએમ એ એક એવું એટીએમ છે કે એ જેમ વપરાય એમાં એમાં બેલેન્સ વધતું જાય છે. દરેકના જીવનમાં આવું એક એટીએમ તો હોય જ!! શક્ય છે કે આપણને તેનો ખ્યાલ ન પણ હોય!!

લેખક :- મુકેશ સોજીત્રા
૪૨ , “હાશ” , શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ
મુ.પો ઢસા ગામ તા . ગઢડા જી . બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks