લેડી સિંઘમના નામથી મશહૂર જુનમોની રાભાનું રોડ અકસ્માતમાં મોત, પરિવારે લગાવ્યો હત્યાનો આરોપ

Junmoni Rabha Accident: અનેક વિવાદોમાં ફસાયેલી આસામ પોલીસની એક મહિલા સબ-ઇન્સ્પેક્ટરનું મંગળવારે વહેલી સવારે એક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના નાગાંવ જિલ્લાના કાલિયાબોર સબ-ડિવિઝનના જખાલાબંધા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સરુભુગિયા ગામમાં બની હતી.

મહિલા પોલીસ અધિકારીની કાર કન્ટેનર ટ્રક સાથે અથડાતા તેનું મોત થયું હતું. અકસ્માત સમયે તે તેની ખાનગી કારમાં સવાર હતી અને તેણે પોલીસનો યુનિફોર્મ પણ પહેર્યો નહોતો.જખાલબંધા પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું કે અકસ્માતની જાણ લગભગ 2.30 વાગ્યે થઈ હતી,

 

ત્યારબાદ પોલીસની પેટ્રોલિંગ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તેને હોસ્પિટલ લઈ ગઈ પણ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી. ઉત્તર પ્રદેશ તરફથી આવી રહેલી કન્ટેનર ટ્રક પોલીસે કબજે કરી છે. જો કે, અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. નાગાંવના પોલીસ અધિક્ષક પરિસ્થિતિનો તાગ મેળવવા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસને કોઈ જાણ નથી કે મહિલા પોલીસ અધિકારી કોઈ પણ સુરક્ષા વગર અને સાદા કપડામાં પોતાની ખાનગી કારમાં એકલી આસામ તરફ કેમ જઈ રહી હતી.

સાથે જ તેમના પરિવારને પણ આ મુલાકાત અંગે કોઈ માહિતી નથી. ગયા વર્ષે જૂનમાં, તેની તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સાથે કથિત ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેણે તેના બોયફ્રેન્ડ સાથેની સગાઈ તોડી નાખી હતી. માજુલી જિલ્લાની એક અદાલતે તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી હતી અને પછી તેને સસ્પેન્ડ કરી દેવાઇ હતી અને તેનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું હતું. જો કે, તે પછીથી પોલીસ સેવામાં પાછી આવી હતી.

ગયા વર્ષે જાન્યુઆરીમાં બિહપુરિયા મતવિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP) ધારાસભ્ય અમિયા કુમાર ભુઈંયા સાથેની તેમની ટેલિફોનિક વાતચીત લીક થયા બાદ તેણે વિવાદનો સામનો કરવો પડ્યો હતો. આસામ પોલીસ સબ ઈન્સ્પેક્ટર જુનમોની રાભાના મોતને રહસ્યમય ગણાવતા પરિવારે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. તેના ભાઇએ કહ્યું કે, મારી બહેને ગુવાહાટીમાં ઘર છોડ્યું અને અમને કહ્યું કે તે તેની સહકર્મી આભા સાથે જશે,

પરંતુ પછીથી અમને ખબર પડી કે તે એકલી જઈ રહી છે. આભાએ દાવો કર્યો હતો કે તે જુનમોની સાથે નહોતી જઈ રહી. જૂનમોની વિરુદ્ધ સોમવારે ઉત્તર લખીમપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદીએ એફઆઈઆરમાં આરોપ મૂક્યો હતો કે 6 મેના રોજ નાગાંવમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે તૈનાત જુનમોનીએ કથિત રીતે તેના પુત્ર પર કોઈ કારણ વગર શારીરિક હુમલો કર્યો હતો.

કેટલાક દસ્તાવેજો અને ઘરેણા સાથે 80,000 રૂપિયા રોકડા પણ લઈ ગઇ હતી. ફરિયાદીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેના પુત્રને ઘસીટવામાં આવ્યો અને તેને છોડવા માટે રૂપિયા 6 લાખ લઈને આવવાનું કહ્યું. આસામના ડીજીપી જીપી સિંહે સીઆઈડીને સબ ઈન્સ્પેક્ટર જુનમોની રાભાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સિવાય સોમવારે લખીમપુર જિલ્લામાં ખંડણી સહિત વિવિધ આરોપો પર નોંધાયેલા કેસની તપાસ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

Shah Jina