સુરતની વધુ એક લેડી ડોન ભાવલી ! જાહેરમાં ચપ્પુ વડે મારામારી કરનારી ભાવિષાને પોલિસે ઝડપી લીધી

ગુજરાતમાંથી ઘણીવાર જાહેરમાં હથિયાર સાથે મારામારીના વીડિયો વાયરલ થાય છે અને તે સામે આવ્યા બાદ પોલિસ એક્શનમાં પણ આવતી હોય છે અને આરોપી પર કાર્યવાહી હાથ ધરતી હોય છે. ત્યારે હાલમાં જ સુરતમાંથી એક જાહેરમાં મારામારી થઇ હોવાની ઘટના સામે આવી.

કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સત્યનારાયણ સોસાયટી પાસે આવેલ નાલંદા સ્કૂલ સામે જાહેરમાં મારામારી તેમજ ચપ્પુ લઈને ફરતી યુવતીનો વીડિયો વાયરલ થયો હતો.તે બાદ કાપોદ્રા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી અને લેડી ડોન બનવાના સપના જોતી ભાવલી ઉર્ફે ભાવિષાને તેના સાગરીત રામુ સાથે ઝડપી પાડી. સુરતમાં ઘણીવાર અસામાજીક તત્વોનો આતંક જોવા મળતો હોય છે અને હથિયાર બતાવી લોકો સામે રોફ પણ કેટલાક લોકો જમાવતા હોય છે.

ત્યારે આવી ઘટનામાં ઘણીવાર લોકો પાસેથી રૂપિયા પણ પડાવવામાં આવતા હોય છે. બે દિવસ પહેલા નાલંદા સ્કૂલ પાસે જાહેર રોડ પર મારામારી થઈ હતી અને વીડિયોમાં જોવા પ્રમાણે એક યુવતી હાથમાં ચપ્પુ લઈ ફરતી દેખાઈ હતી.ત્યારે સીસીટીવી સામે આવ્યા બાદ કાપોદ્રા પોલીસ જાતે જ ફરિયાદી બની અને તાત્કાલિક એક્શનમાં આવી. તે બાદ સીસીટીવી ફુટેજ ખંગાળી ભાવલી અને તેના સાગરિત રાહુલ ઉર્ફે રામુ બાડાની ધરપકડ કરી.

જણાવી દઇએ કે, આ પહેલા પણ દમણમાં આ માથાભારે યુવતીએ બબાલ કરી હતી અને ત્યારે તેની પર 307નો ગુનો પણ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, સુરતના વરાછા વિસ્તારમાં આગાઉ પણ એક લેડી દ્વારા ડોન બનવાની લાલસામાં સરેઆમ તલવાર લઈને ફરતી અને આ સાથે લોકોને ડરાવી ધમકાવી રૂપિયા પણ પડાવતી.ત્યારે હવે ફરી એક યુવતિ જે લેડી ડોન બનવાના સપના જોતી હતી તેની પોલિસે ધરપકડ કરી તેને જેલ હવાલે મોકલી છે.

ભાવલીને લેડી ડોન બનવાનો ચસ્કો લાગ્યો હોવાથી તે લોકોને ડરાવવા ધમકાવવા હાથમાં હથિયાર લઈ ખુલ્લેઆમ ફરતી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કર્યા બાદ બંનેની ક્રાઇમ કુંડલી તપાસમાં તેમના પર દમણમાં હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યુ. આ કેસમાં બંને વોન્ટેડ હતા.

Shah Jina