કૌશલ બારડ જ્યોતિષ શાસ્ત્ર

લાભપાંચમે ખાલી આટલું કામ કરીને આખા વર્ષ માટે સમૃદ્ધિનું ભાતું બાંધી લેજો!

દિવાળીનું મહાપર્વ એક રીતે જોતા કારતક મહિનાની પાંચમના દિવસે પૂરું થાય છે. દિવાળીમાં બંધ થયેલાં ધંધાપાણી આ દિવસથી ફરી ખૂલે છે. વેપારીઓ ખેડૂતોનો માલ આ દિવસથી ખરીદવાનો શરૂ કરે છે. ધંધા-વેપારનું મુહૂર્ત કરવામાં આવે છે. આ તહેવાર એટલે લાભ પાંચમ!

Image Source

આપણે ગુજરાતમાં લાભ પાંચમનું જેવું મહત્ત્વ છે એવું ભારતમાં બીજે ક્યાંય નથી. મૂળે આપણો વેપારી સ્વભાવ જ આનું કારણ છે. લાભ પાંચમને ‘સૌભાગ્ય પંચમી’ કે ‘શ્રીપંચમી’ પણ કહેવાય છે. અહીં ટૂંકમાં લાભ પાંચમને દિવસે કરવામાં આવતાં એ બધાં કામ જણાવીશું, જેને લઈને વર્ષ આખું શુભ જાય છે.

આજના દિવસે લક્ષ્મીજી, ગણેશજી અને શિવ-ભવાનીનું પૂજન કરવાનો રિવાજ છે.

Image Source

કનકધારા સ્ત્રોતનો પાઠ અવશ્ય કરો:
લક્ષ્મીજીનું પૂજન કરવું આવશ્યક છે. લક્ષ્મી છે તો બધું છે! પૈસા હાથનો મેલ બીજા માટે હશે પણ આપણે ગુજરાતીઓ માટે એવું નથી. આપણે પૈસાને પૂજ્યો છે અને પૂજવાના જ છીએ. લક્ષ્મી હશે તો કલ્યાણ થશે. એના વગર કોઈ ભાવ પૂછવાનું નથી કે નથી કોઈ શુભ કામ થવાનું એ વાતનો ખીલો ઠોકી રાખવો.

લાભ પાંચમના દિવસે મહાલક્ષ્મીને પુષ્પ અર્પણ કરવું. પ્રખ્યાત અને ફળદાયી એવા ‘કનકધારા સ્ત્રોત’નો પાઠ કરવો જરૂરી છે. આનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. જો બને તો, ‘શ્રીમહાલક્ષ્મ્યષ્ટક્મ્’ સ્ત્રોત પણ વાંચવું. એ પણ ઉત્તમ રહેશે.

Image Source

“ૐ મહાલક્ષ્મ્યૈ નમ:”
આ મંત્રનો જાપ તો વગર ભૂલ્યે કરવો. માતાને રીઝવવા માટે આ મંત્ર શ્રેષ્ઠ છે. કંઈ ના આવડે તો આટલું તો બોલી જ લેવું! એકથી વધારે વાર આ મંત્રનો જાપ જરૂરથી કરવો.

શ્રીફળનો આવી રીતના ઉપયોગ કરો:
લાભ પાંચમનો દિવસ વેપારધંધા કે કોઈ નવું કાર્ય કરવા માટે ઉત્તમ છે. આજે ‘એકાક્ષી શ્રીફળ’ની સ્થાપના કરવી જોઈએ. આ શ્રીફળની પૂજા કરવી. બાદમાં દુકાને, ધંધાસ્થાને કે પૂજાનાં સ્થાને આ નારિયેળને મૂકવાથી આખું વર્ષ ધનલાભ થાય છે.

Image Source

આ ઉપરાંત, લાભપાંચમના દિવસે શ્રીયંત્રનું પણ પૂજન કરવામાં આવે છે. લક્ષ્મીજીની પૂજા માટે લોકો ગાયનું પણ પૂજન કરે છે. ભૈરવદાદાની પણ પૂજા કરવામાં આવે છે.

Image Source

વગર જોયું મુહૂર્ત :
‘પૂનમનો પડવો, અમાસની બીજ; વણજોયાં મુહૂર્ત તેરસ ને ત્રીજ!’

આ કહેવતમાં હોળી પછીનો પડલો, ભાઇબીજ, અષાઢીબીજ, ધનતેરસ અને અખાત્રીજને વગર જોયાં મુહૂર્ત કહેવાયાં છે. આટલા દિવસોમાં કરવાના કાર્યારંભમાં મુહૂર્ત જોવાની આવશ્યકતા હોતી નથી. એવી જ રીતે લાભ પાંચમનો દિવસ પણ આટલો જ શુભ છે. નવો ધંધો ખોલવો હોય કે નવું કામ આરંભ કરવું હોય તો લાભ પાંચમ ઉત્તમ છે. યા હોમ કરીને પડો, ફત્તેહ છે આગે!