લેખકની કલમે

કુતરાનો માનવપ્રેમ – અબોલ જીવને પરિવારનો હિસ્સો ગણીને પોતાના દીકરા જેવો વહાલ કરતાં જમનાબાની વાત…..વાંચો તમારી અંદરની પણ માનવતા સૂતી હશે તો જાગી જશે !!!

કુતરાનો માનવપ્રેમ… (સત્ય ઘટના પર આધારિત વાર્તા)
“રાતીયાને ખવડાવ્યું…?”
“રોટલીનો ભૂકો કરી એમાં ઘી અને ગોળ નાખી ચૂરમું બનાવી એની સામે વાટકો મુક્યો પણ ઘર સામે જોઈ ખાલી સૂંઘી એ ઉદાસ થઈ બેસી રહ્યો. એને ભાવતું ચૂરમું આજે પણ એને ના ખાધું…”

“આપણા ઘરે રોજ ખાવા આવતો આ રાતીયો આજે પાંચમા દા’ડે પણ ખાતો નથી, એ ખાવાનું શરૂ કરી દે તો સારું…”

“સાચી વાત છે તમારી… આ પાંચ દા’ડા માં તો એનું શરીર કેવું લેવાઈ ગયું છે અને રોઈ રોઈને એની આંખો જોડે કાળા ડાઘ પણ પડી ગયા છે…”

“હે ભગવાન… રાતીયાને શાન આપ અને એ દુઃખ ને જીરવી ખાવાનું ચાલુ કરે એવી દયા કર…”

મુંડન કરાવેલ માથા પર બાંધેલા રૂમાલને ઉકેલતાં ઉકેલતાં ધરમસી એ એની ઘરવાળી કોકિલા ને રાતીયા વિશે પૂછ્યું અને કોકિલા એ રાતીયાના ભોજન ત્યાગની વાત દુઃખ સાથે જણાવી…

રાતીયાના પાંચ પાંચ દિવસથી કઈ ન ખાવાના કારણે એનું શરીર લેવાતું જતું હતું એ જોઈ બેઉ માણસ ખૂબ ઉચાટમાં હતા.
“અરે ઓ રાતીયા… તને કઈ રીતે સમજાવીએ કે તને સગા દીકરાની જેમ વ્હાલ કરનાર તારી મા સમાન જમનાબા હવે કદી પાછા આવવાના નથી…” ચિંતાગ્રસ્ત અવાજે આંગણામાં ઉદાસ બેઠેલા રાતીયા ના માથા પર હાથ ફેરવતા ફેરવતા ધરમસી બોલ્યો.

ખાટલાની પાંગત પાસે બેઠેલી કોકિલા પણ આંખમાં આંસુ સાથે ફરી ચૂરમાનો વાટકો રાતીયા સામે ધરતા બોલી…”એય રાતીયા, ખાઇલે બેટા… કેટલા દિવસ આમ ચાલશે… તને ખવડાવનારી તો સ્વર્ગે સિધાવી ગઈ… જીદ છોડી ને થોડું તો ખાઇલે બેટા…!!!”

પણ તેમ છતાં રાતીયા એ વાટકા સામે જોયું પણ નહીં. ધરમસી અને કોકિલા આ જોઈ ચોધાર આંસુએ ડુસકા ભરવા લાગ્યા. રાતીયો પણ ત્યાંથી ઉઠી ખૂણામાં જઇ ટૂંટિયું વાળી રોતા રોતા સુવાનો પ્રયત્ન કરવા લાગ્યો…
વાત એમ હતી કે ધરમસી ની મા જમનાબેન નો જીવ ખૂબ દયાળુ હતો. પાંચ વર્ષ પહેલાં શેરીમાં એક કૂતરી વિયાણી અને સમાચાર મળતાજ જમનાબા નાના છોકરાની જેમ એ જોવા ગયેલા સાથે ચોખ્ખા ઘી નો શીરો બનાવી એના માટે લઈ ગયા હતા અને ખૂબ પ્રેમથી એ સુવાવડી કૂતરીને ભરપેટ શિરો ખવડાવ્યો હતો. અને સતત સાત દિવસ આમજ રોજ શીરો ખવડાવતા રહ્યા. આમ કુતરીની સુવાવડ જમનાબા એ સાચવી લીધી હતી…

“સાવ ડફોળ અને ગાંડી છે આ જમના. આમ વળી કૂતરાને તો હેવાયા કરાતા હશે…!!! એમને તો ધોકાથીજ છેટા રખાય…” ગામના બીજા બૈરાઓના મોઢે જમનાબા આવું સાંભળતા પણ કોઈની પરવાહ કર્યા વિના સેવા ચાલુ રાખતા અને કહેતા… “આ ભચારા મૂંગા જીવ એતો પરભુ નું જ રૂપ ગણાય. પરભુ એ આપણને આટ આટલું ખાવા પીવા આપ્યું છે માણહ જાત ની ફરજ સે કે એમાંથી આ અબોલ જીવુંનુય ધ્યાન રાખીએ… આ બચારા ચ્યો કમાવા ધમાવા જાય…!!!” અને જીવદયા નો ઉચ્ચ સંદેશ આપતા આગળ પણ કહેતા કે… “આપણી પોતાની સોડી ની હુવાવડ હોય તો આપણે એને શીરો ખવડાવી શુ નથી હાચવતાં… આમને બચારા ને આપણા સિવાય કોણ હાચવે…!” જમનાબા તરફથી આવો પ્રત્યુતર મળતા સૌ એમની મસ્કરી કરી ત્યાંથી ચાલતા થતા…
જમનાબા રોજ કૂતરીને ખવડાવવા જાય. સાથે બે પાંચ છોકરાં પણ હોય. નાના છોકરાની જેમ જમનાબા એ એ છોકરાઓને કહી પણ દીધેલું કે…”અલ્યા સાંભળો…આ રાતીયું ગલુડિયું મારું હો…તમારે બીજા લેવા હોય તો લઇ લ્યો… પણ આ રાતીયું તો હું કોઈને નઈ આપું…”

જમનાબા ની આવી વાત સાંભળી છોકરાં ઓ મજાક પણ કરતા કહેતા કે…”બા… તો તો તમે આ રાતીયાના લગન પણ કરાવશો ને… કોઈ રૂપાળી રાતડી ગોતજો હો…”
રોજે રોજની આવી મજાક મસ્તી અને ગલુડિયા સાથે રમવામાં ને રમવામાં મહિનાઓ અને વર્ષો વીતતા ગયા અને ગલુડિયા મોટા થઈ ગયા. જમનાબાનું રાતીયું ગલુડિયું હવે “રાતીયો” થઈ ગયો. આખા ગામમાં “જમનાબા નો રાતીયો” એ નામે જ એ ઓળખાવા લાગ્યો. ખૂબ રૂપાળો અને હુષ્ટપુષ્ટ, આખા શરીરે સોનેરી રૂંવાટી થી શોભતો “જમનાબા નો રાતીયો” અડગ કદમે જાણે ધરણી ધ્રુજાવતો શેરીમાં નીકળતો ત્યારે એની એન્ટ્રી કોઈ ફિલ્મના નાયકથી સહેજ પણ કમ લાગતી ન હતી… એવો અલગજ એનો વટ હતો. એ હુષ્ટપુષ્ટ હોયજ ને કારણ ત્રણેય ટાઈમ જમનાબા એને જોડે બેસાડી પ્રેમથી ખવડાવતા જે હતા… રાતીયાને પણ જમનાબા હારે એવો હેડો થઈ ગયેલો કે એમના સિવાય બીજા કોઈના હાથે ખાવાનું બોટે પણ નઈ. ક્યારેક ક્યારેક મસ્તીએ ચડે તો જમનાબના ખોળામાં જ સુઈ જવાનું નાટક કરે…આગળના પગથી તાળી આપે… જમનાબા ના એક અવાજે દોડે, ઉભો રહે, ઠેકે, બેસી જાય…
એક અબોલ જીવ રાતીયા અને જમનાબા ના સંબંધ અને વિશુદ્ધ સ્નેહના પાંચ વર્ષ વીતી ચુક્યા હતા. એક રાત્રે રાતીયાને ખૂબ લાડથી એને ભાવતો ચૂરમાનો લાડવો ખવડાવી આંગણામાં પોતાના ખાટલા નીચે સુવડાવી જમનાબા એ પણ ખાટલે આડી પાગથી કરી અને સવારે એ ઊઠ્યાંજ નહિ, સિધાવી ગયા સ્વર્ગલોક… એમને નખમાંય રોગ ન હતો . કદાચ સુવાવડી કૂતરીને શીરો ખવડાવવાના કે અબોલ જીવ પ્રત્યે દયા રૂપી પુણ્ય ના પ્રભાવે એમનું આવું સુખરૂપ મોત થયું હશે એવું માની શકાય…

આજે એમના મૃત્યુને છ સાત દિવસ વીતી ચુક્યા હતા. રાતીયો રોજ એમના આંગણે આવે છે. પોતાની મા સમાન જમનાબા ને શોધવા આખું ઘર ખૂંદી વળે છે અને જમનાબા ના ફોટા સામે જ ઉદાસ થઈ બેસી જાય છે. જમનાબાની પુત્રવધુ કોકિલા એને ચૂરમું ખવડાવવાનો પ્રયત્ન કરે છે પણ એ ખાતો નથી. જમનાબા સિવાય કોઈના હાથે ન ખાવાની જાણે એ કસમ લઈને બેઠો છે. તાજો માજો અને રૂપાળો રાતીયો આ છ સાત દા’ડા માં તો જમનાબાની યાદમાં હોહવાઈ હોહવાઈ ને જાણે હાડપિંજર થઈ ગયો છે. ચરબીના થર જામેલા એના શરીર પર આજે પાંસળીઓ સ્પષ્ટ ગણી શકાય એવી નિસ્તેજ હાલત થઈ ગઈ છે એની. માણસ હોયતો પોક મૂકી રડીને પોતાનું દુઃખ વ્યક્ત કરી હળવું કરી શકે પણ આ રાતીયો તો મૂંગુ જીવ જમનાબા ની જુદાઈનું દુઃખ એને તો અંદરજ ઉતારવાનું હતું. રોઈ રોઈને એની સોનેરી રૂંવાટી થી શોભિત આંખો ઉપર કાળા મેસ કુંડાળા થઈ ગયા છે…
પેટમાં અનાજનો એક દાણો પણ મુક્યાં વિનાનો સાત સાત દા’ડા ની લાંઘણ કરી એ રાતે આંગણામાં રાતીયો ત્યાંજ સુઈ ગયો જ્યાં છેલ્લી વખત જમનાબા એ એને ખૂબ પ્યારથી ચૂરમું ખવડાવ્યું હતું. અને સૂર્યોદય થયો પણ રાતીયાના જીવનનો થઈ ચૂક્યો હતો સૂર્યાસ્ત… પહોંચી ગયો એનો આત્મા ત્યાં, જ્યાં જમનાબા સાત દિવસ પહેલા પહોંચી ચુક્યા હતા…

રાતીયાના મોતના સમાચાર આખા ગામમાં વાયુવેગે પ્રસરી ગયા અને સૌ કહેવા લાગ્યા કે…”આ રાતીયો ચોક્કસ જ્યાં ભવમાં જમનાડોશી નો પેટનો જણ્યો હશે…”

લેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)
Author:
GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.