દિલધડક સ્ટોરી લવ-સ્ટોરી લેખકની કલમે

વિદેશ જતા પ્રેમીની એક હૃદયસ્પર્શી વાર્તા, “કુસુમ”- વાર્તા એક અલગ ચાહતની

સવારનો સમય હતો, ત્યારે મુકુંદે કહ્યું, મમ્મી મને વિઝા મળી ગયા છે. મુકુંદની આ વાતથી આખા ઘરમાં ખુશીની એક લહેર પ્રસરી ગઈ, પણ મુકુંદના મમ્મી ખુશ નહોતા, કેમ કે દીકરો પેરિસ જવાનો હતો. મુકુંદે કહ્યું, મમ્મી કેમ ખુશ નથી ? મુકુંદના મમ્મી બોલ્યા, બેટા તું મુંબઈ જાય તોય અમને તારી ચિંતા થાય અને આ તો ઠેઠ પેરિસ છે ! મુકુંદ હસતા હસતા કહ્યું, મમ્મી હું ત્યાં કામ કરવા જાઉં છું, ભણવા નહીં, એટલે થોડા સમય પછી તમને પણ ત્યાં જ બોલાવી લઈશ. મુકુંદના મમ્મીએ કહ્યું, ના હો…અમને ના ફાવે એ પરદેશમાં. મુકુંદના પપ્પા બોલ્યા, મને તો બહુ ફાવે પરદેશમાં, તારી મમ્મીને લઇ જાય કે નહીં પણ મને જરૂર લઇ જજે, એ કોઈ જાતની મગજમારી નહીં, કોઈ ઓળખે નહીં ને સમાજના કોઈ વ્યવહાર નહી મુકુંદના મમ્મીએ કહ્યું, હા તમે ને તમારો દીકરો રેજો પેરિસમાં ને પેલા ટાવર ઉપર રોજ ભોજન કરજો. મુકુંદના મમ્મીની આ વાતથી ઘરમાં બધા હસવા લાગ્યા ને ત્યારે જ મમ્મીએ ગંભીર અને ધીમા અવાજમાં મુકુંદને કહ્યું, બેટા લગ્ન કરી લીધા હોત તો બેઉ માણસ ત્યાં જાત ને! મુકુંદ બોલ્યો, મમ્મી લગન તો આવતા વર્ષે કરી લઈશ, પેલા ત્યાં સેટ તો થઇ જાઉં! મુકુંદના મમ્મીએ કહ્યું, સારું બેટા તો એમ રાખ, અને તારે જે પેકીંગ ને બધું કરવાનું છે એ જટ કરવા લાગજે. મુકુંદે કહ્યું, હા મમ્મી હજુ તો એક મહિનો છે ને ! મમ્મીની લગ્નની વાતથી મુકુંદના ચહેરાનું સ્મિત જાણે ઉતરી ગયું. મુકુંદ એના રૂમમાં ગયો અને જોરજોરથી રડવા લાગ્યો.

Image Source

મુકુંદની આંખ ખુલી અને જોયું તો એ રડતાં રડતાં જ સુઈ ગયો હતો. જમ્યા બાદ તે વિચારવા લાગ્યો અને પોતાની જાતથી સવાલ પૂછ્યો કે તે એકલો વિદેશ શા માટે જાય છે ? મુકુંદની ગર્લફ્રેન્ડ કુસુમ મુકુંદને ખૂબ ચાહતી હતી પણ જયારે એને ખબર પડી કે મુકુંદને પેરિસમાં નોકરી લાગી છે અને તે એકલો જ જશે ત્યારે એને કહ્યું કે તું પેરિસ જા આપણે દરરોજ ફોન પર વાત કરીશું. મુકુંદને હવે ખ્યાલ આવ્યો કે એની મમ્મીને આટલું દુઃખ થાય છે તો કુસુમ તો એની પ્રેમિકા છે, એને કેટલું દુઃખ લાગશે જ્યારે એ આ દેશ છોડીને એકલો પેરિસ જતો રહેશે. આ વિચારે મુકુંદના મનને અસ્તવ્યસ્ત કરી દીધું. મુકુંદે મોબાઈલ હાથમાં લીધો અને કુસુમને કોલ કર્યો, પણ કુસુમનો ફોન સ્વીચઓફ હતો. ચિંતા જાણે મુકુંદના ગળે વળગી ગઈ હતી. મુકુંદના મનમાં હજારો પ્રશ્નો હતા, કોને ફોન કરું ? કુસુમનો કોન્ટેક્ટ કઈ રીતે કરું? ત્રણ દિવસ પહેલા કુસુમ અને મુકુંદની ફોન પર વાત થઇ હતી પણ હવે મુકુંદને લાગતું હતું કે એ હવે એની હદથી બહાર છે! મુકુંદ ગયા મહિને વડોદરાથી મુંબઈ ગયો હતો અને એક મહિના સુધી તો એ બંને મળ્યા જ નહોતા અને હવે શું થશે એનો આભાસ ખુદ મુકુંદને પણ નહોતો. મુકુંદને હવે ખ્યાલ આવ્યો કે કુસુમ એને કેટલો પ્રેમ કરતી હતી. મુકુંદે ફટાફટ એના મિત્ર રાઘવને કોલ કર્યો અને કુસુમ વિશે પૂછ્યું, પણ રાઘવને પણ અંદાજ નહોતો કે કુસુમ ક્યાં હતી! કુસુમના મમ્મી-પપ્પા નાસિક રહેતા અને એ ભણવા માટે વડોદરા આવી હતી. મુકુંદ બાઈક લઈને કુસુમના પેઈંગ ગેસ્ટ પર ગયો અને ત્યાં કુસુમની મિત્ર રાજનીએ કહ્યું કે કુસુમ તો નાસિક ગઈ છે! આ સાંભળતા જ મુકુંદનો ડર વધતો ગયો, એને ડર હતો કે ક્યાંક કુસુમના મમ્મી-પપ્પા એના લગ્ન બીજે ના કરાવી દે! મુકુંદ આશા વિહોણો થઈને ઘરે આવ્યો અને ઘરમાં બધા પૂછવા લાગ્યા કે કેમ તું નિરાશ છે. મુકુંદ કંઈ જ ન બોલ્યો અને ચુપચાપ પોતાના રૂમમાં ચાલ્યો ગયો.

Image Source

આમ ને આમ પંદર દિવસ વીતી ગયા પણ કુસુમનો કોઈ સંપર્ક ન થયો. એક દિવસ કુસુમ ફેસબૂક પર ઓનલાઇન દેખાઈ અને મુકુંદે તેને મેસેજ કર્યો પણ કંઈ જ રીપ્લાય ન આવ્યો. ત્યાર પછી તો મુકુંદે ઘણાંય મેસેજ કર્યા પણ કુસુમનો કોઈ જ જવાબ ના આવ્યો. મુકુંદ ઉદાસ હતો, એના મનમાં એક જ વાત ચાલતી હતી કે હું પેરિસ એકલો જઈશ, જે છોકરી મને પોતાની જાત કરતાંય વધારે પ્રેમ કરે છે એને છોડીને જઈશ ? શું કરું…? આવા કેટલાય સવાલો મુકુંદને ઘેરી બેઠા હતા. ત્યારબાદ મુકુંદે નાસિક જવાનું નક્કી કર્યું ને એટલીવારમાં રજનીનો ફોન આવ્યો. રજનીએ કહ્યું, મુકુંદ કુસુમ પી.જી પર આવી છે એનો સમાન લેવા. એણે મને ના પાડી છે તને કહેવાની પણ તું બને એટલી જલદી અહીં આવી જા….આટલું જ સાંભળતા મુકુંદ પૂરપાટ ઝડપે બાઈક હંકારીને કુસુમના પી.જી પર પહોંચ્યો અને થોડા અંદર જઈને એક બારીમાંથી જોયું તો કુસુમ રડતી હતી અને બોલતી હતી, પ્લીઝ રજની તું મને મુકુંદથી મળવાનું ના કે…! એ પેરિસ જવા માટે કેટલો ખુશ છે ને હું એને મળીશ તો કંટ્રોલ નહીં કરી શકું! મુકુંદની આંખો ભરાઈ આવી. કુસુમ એનો સમાન લઈને બહાર નીકળતી હતી ને એટલામાં તો કુસુમની આંખો અને મુકુંદની આંખો એકબીજાથી મળી, બંને એકબીજાને એકીટશે જોતાં હતા ને એટલામાં કુસુમ બોલી, મુકુંદ તું? કુસુમે કંટ્રોલ કરવાનો ઘણો ટ્રાય કર્યો અને એક આંસુનું ટીપું મુકુંદના પગ ઉપર પડ્યું ને એટલીવારમાં તો મુકુંદે કુસુમને બાથ ભરી લીધી.

Image Source

ત્યારે કુસુમ ધ્રુસકે ધ્રુસકે રડી પડી, મુકુંદનો શર્ટ કુસુમની મુઠ્ઠીમાં એવી રીતે બંધ હતો કે જાણે એ એને ક્યાંય જવા દેવા નહોતી માંગતી. આ જોઈને રજનીની આંખમાં પણ ઝળઝળિયાં આવી ગયા. મુકુંદે કુસુમના આંસુ લુછ્યા, કુસુમ કાંઈ જ ના બોલી. મુકુંદ પોતાના આંસુ લૂછીને ધીમેથી બોલ્યો, રજની કુસુમનો સામાન અત્યારે અહીંયા જ રાખ, અમે હમણાં આવીએ છીએ. રજનીએ કુસુમની બેગ અંદર મૂકી અને મુકુંદ કુસુમને બાઈક પર બેસાડીને પોતાના ઘરે લઈ ગયો. કુસુમ કંઈ જ ન બોલી. બેઉ જણ ઘરે પહોંચ્યા, કુસુમ સ્તબ્ધ જ હતી અને એટલામાં મુકુંદના મમ્મી બોલ્યા, અરે તું કુસુમ જ છે ને? કુસુમની આંખો લાલ હતી અને આ પરથી મુકુંદના મમ્મીને અંદાજ આવી ગયો હતો કે કંઈક તો થયું છે. કુસુમે ધીમા અવાજમાં કહ્યું, હા આંટી, તમે કેમ છો? મુકુંદના મમ્મીએ કહ્યું, હું એકદમ મજામાં. ત્રણેય જણ સોફા પર બેઠા અને મુકુંદના પપ્પા અને ભાભી હોલમાં આવ્યા. મુંકુંદના ભાભીએ બંને જણને એકસાથે બેઠેલા જોઈને ઈશારામાં પૂછ્યું પણ મુકુંદે કંઈ જ જવાબ ના આપ્યો. મુકુંદે બોલવાનું શરૂ કર્યું,મમ્મી-પપ્પા અને ભાભી હું આવતા મહિને પેરિસ જવાનો છું અને…મુકુંદ શાંત પડી ગયો અને ફરીથી બોલ્યો, સીધી જ વાત કરું છું, આ કુસુમ છે અને અમે ત્રણ વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ અને અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ..અને અમે લગ્ન પણ કરવા માંગીએ છીએ. કુસુમ મુંકુંદને જોવા લાગી અને ઘરના બધા જ લોકો સ્તબ્ધ થઇ ગયા. મુંકુંદના મમ્મીએ ભાભીને કંઈક ઈશારો કર્યો અને ત્યારે મુકુંદના પપ્પાએ ભાભીને કહ્યું ત્રીજા નંબરના ખાનામાં છે. મુકુંદ અને કુસુમ બંને વિચારતા હતા કે આ લોકો અંદર અંદર શું વાત કરે છે. એટલામાં જ ભાભી અંદરથી મીઠાઈનું બોક્સ લઈને આવ્યા અને મમ્મી બોલ્યા, બેટા અમને ખબર જ હતી કે તું કોઈને પ્રેમ કરે છે, બસ છોકરી જોવી હતી અને આજે જોઈ લીઘી. મુકુંદના મમ્મીએ પહેલી મીઠાઈ કુસુમને ખવડાવી અને કહ્યું, બેટા બધું જ ઠીક છે ચિંતા ના કર…. આટલું કહીને કુસુમના માથા પર હાથ મુક્યો અને કુસુમના ચહેરા પર સુંદર સ્માઈલ આવી ગઈ. કુસુમે મુકુંદની સામે જોયું અને બસ જોતાં રહ્યા. એટલામાં મુકુંદના પપ્પાએ કહ્યું, અરે હવે જોવાનું બંધ કરો અને કુસુમ તું એ તારા ઘરે જટ વાત કરી લે તો સગાઈ કરાવીને આને પેરિસ મૂકીએ. બસ આ સાંભળીને કુસુમ એટલી ખુશ હતી કે જે ક્યારેય નહોતી.
Author: પ્રદીપ પ્રજાપતિ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.