દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

ગામડામાં રહેવા માટે થઈને બંને બહેનોએ છોડી દીધી ઊંચી નોકરી, જૈવિક ખેતીથી ગામની તાસીર બદલી નાખી

આજના યુગમાં દરેક યુવાને જોબ મેળવવા માટે કેટલી રઝળપાટ કરવી પડે છે? શહેરનું સતત ગાઝતા ઘોંઘાટીયા વાતાવરણ સાથે તો પનારો પાડવો જ પડે છે. પણ શું થાય? પેટીયું રળવા માટે બધું કરવું પડે! નોકરી મેળવવા અને કંઈક અંશે પોતાની પાસે ઓછી સગવડો છે તેના અસંતોષને લઈને લોકોની શહેર તરફની દોડધામ વધી છે. અને પરીણામે ગામડાં ખાલી થવા લાગ્યાં છે. શહેરમાં સંતોષ મળે કે ના મળે, સુવિધાઓ મળવી જોઈએ!

આ ટોપિક પર આજે વાત કરવી છે. ઉત્તરાખંડના નૈનિતાલથી ૪૬ કિલોમીટર ઉત્તર-પૂર્વમાં સ્થિત મુક્તેશ્વર નામના નાનકડાં ગામની બે સગી બહેનો, નામે કુશિકા શર્મા અને કનિકા શર્મા. શરૂઆથી શિક્ષણ નૈનિતાલ અને રાનીખેતમાં મેળવ્યું. પછી બંને હાયર એજ્યુકેશન માટે માતૃભૂમિ છોડીને બહાર નીકળી ગઈ. કુશિકાએ એમબીએ કર્યું અને ગુડગાંવની એક બહુરાષ્ટ્રીય કંપનીમાં સીનિયર રિસર્ચ એનાલિસ્ટ તરીકે જોબ શરૂ કરી. ઉચ્ચી પોસ્ટ હતી અને સ્વાભાવિક રીતે પગાર પણ વધારે હતો.

Image Source

કુશિકાની બહેન કનિકાએ દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી લીધી. બાદમાં તેને હૈદરાબાદમાં આંતરપ્રિન્યોરશિપમાં સ્કોલરશિપ પણ મળી ગઈ. હવે બંને બહેનો પોતપોતાના ફિલ્ડમાં સારી રીતે સેટ હતી. પૈસાની કમી નહોતી. આવડત હોય એટલે પૈસો તો મળવાનો જ.

પણ એક કમી હતી! જન્મધામ મુક્તેશ્વરની એ હિમાલયના દક્ષિણ છેડાની પંચરંગી પહાડીઓ, એ આભ સાથે વાતો કરતાં એના શિખરો, લહેરાતી હરિયાળી, ઢોળાવો પર સૂતેલાં ખેતરોમાં લહેરાતો મોલ, બરફની ચાદર ઓઢીને સુતેલી પ્રકૃતિ અને ખીલી ઉઠેલી મોસમમાં કુદરતનાં બાળ સમાન પશુ-પક્ષીઓ… આ બધું ક્યાં હતું? સ્વજનોનો સાથ અને ગામડાંનો નાદ એને વારેવારે યાદ આવતો હતો. પણ એમ તો આ બધું છોડીને જવાય પણ શી રીતે?

Image Source

જોબ છોડીને કર્યો નવતર પ્રયોગ —

આખરે બંનેએ ગામડે જઈને જ રહેવાનું નક્કી કર્યું. તેઓને જાણ હતી કે, મુક્તેશ્વર સહિતના નૈનિતાલના આજુબાજુના પહાડી ઇલાકાના ગામોમાં લોકોનો મુખ્ય વ્યવસાય તો ખેતી જ છે, પણ એ આધુનિકતાના સંદર્ભે હજુ અવિકસીત છે. લોકો હજુ ઓર્ગેનિક/જૈવિક ખેતીનું મહત્ત્વ જાણતા નહોતા. અથવા તો જાણવા છતાં એમને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરતા અચકાતા હતા. કુશિકા-કનિકાએ નક્કી કર્યું કે, ગામડે જઈ લોકોને ઓર્ગેનિક ફાર્મિંગ પ્રત્યે જાગૃત કરવા. લોકોનો સાથ મેળવી ઓર્ગેનિક ખેતી શરૂ કરવી. શહેરોમાં ભટકેલી આ બહેનોને ખબર હતી કે, લોકો ધીમેધીમે ઓર્ગેનિક પ્રોડક્ટનું મહત્ત્વ સમજતા થયા છે. ઉત્પાદન દવા-ખાતરના છંટકાવવાળી ખેતીથી થોડું ઓછું થાય, પણ પશુઓના ખાતરનું પોષણ મેળવતી આ ઝીરો બજટ ખેતીની પ્રોડક્ટો બહુ ઊંચા ભાવે વેંચાતી હતી. વળી, ઓર્ગેનિક ખેતીને પર્યાવરણની નજરે પણ ઉત્તમ માનવામાં આવે છે.

Image Source

કુશિકા-કનિકાએ જોબ છોડી અને મુક્તેશ્વરમાં આવીને વસવાટ કર્યો. ગામના લોકોને ઓર્ગેનિક ખેતીનું મહત્ત્વ સમજાવવાનું શરૂ કર્યું. આ એ જ ખેતી હતી, જે ભારતના ખેડૂતો આધુનિકતાના વહાણા નહોતા વાયા એ પહેલાં કરતા હતા. મૂળ તરફ પાછા વળવાનું હતું, પણ આધુનિક શિક્ષણનો ઉપયોગ કરીને. શરૂઆતમાં તો થોડી મુશ્કેલી પડી. રૂઢિઓ છોડવી અઘરી પડતી હોય છે. પણ ધીમે-ધીમે લોકો આ બહેનોની વાતો સમજતા થયા. આલિશાન જીંદગી છોડીને પહાડોનો સાદ સાંભળીને જ અહીં આવેલી આ દીકરીઓની વાતમાં કંઈક તો વજૂદ હશે ને! એણે દુનિયા જોઈ હતી. લોકો માની ગયા.

કુદરતના ખોળે શરૂ કરી ભવ્ય રિસોર્ટ —

બંને બહેનોએ એક હોટેલ પણ ખોલી. ‘Dyo – The Organic Resort’ નામ આપ્યું. ‘Dyo’નો મતલબ ‘સ્વર્ગ’ થાય છે. ખરેખર વનરાજિ અને પહાડીઓના અદ્ભુત સંગમસ્થળમાં ઊભેલી આ રિસોર્ટ સ્વર્ગની અનુભૂતિ કરાવે તેવી છે. બધી હોટેલ્સ કરતા આની વિશેષતા અલગ છે. શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં આ વિશેષતાએ બહુધા લોકોને આકર્ષિત કર્યાં છે.

Image Source

એ છે – ઓર્ગેનિક પ્રોડક્ટથી જ બનતી વાનગીઓની રસોઈ! હોટલના નામમાં એટલે જ તો ‘ઓર્ગેનિક’ શબ્દ નાખ્યો છે. પાસે ૨૫ એકરનું ખેતર છે. તેમાં અનેક જાતની શાકભાજીઓ કોઈ પણ જાતની જંતુનાશક દવા કે ફર્ટિલાઇઝરોના ઉપયોગ વગર જ ઉગાડવામાં આવે છે. હોટલમાં રોકાણ કરનાર લોકો જાતે જઈને ખેતરમાંથી ફાવે એ શાકભાજી તોડી લાવે અને હોટેલના કિચનમાં આપે એટલે ભાવતી મળી જાય!

આ હોટલને લીધે ઓર્ગેનિક પ્રોડક્ટને સહારો મળ્યો. વળી, ગામના ૨૦ જેટલા માણસોને પણ બંને બહેનોએ પોતાની હોટલમાં કામે રાખેલ છે. પ્રવાસીઓ આવે છે, અહીં રહે છે અને અહીંની સુંદર વ્યવસ્થા જોઈ ફરીવાર આવવાનું નક્કી કરીને જ વિદાય થાય છે. બે ફાયદા તો દેખીતા થયા : ટૂરિઝમ ખીલી ઉઠ્યું, જૈવિક ખેતીને પ્રોત્સાહન મળ્યું – બજાર મળ્યું.

Image Source

આ ઉપરાંત ગામમાં થતાં જૈવિક ઉત્પાદનોને બંને બહેનો બજારમાં પણ વહેંચે છે. સારો આવકાર મળે છે. તેઓએ આગળ વિચાર્યું છે કે, એક ચેઇન તૈયાર કરવામાં આવે જેથી તેમની પ્રોડક્ટને વહેંચવામાં સરળતા રહે.

હોટલના ઓરડાઓના નામ અનોખા છે —

મુક્તેશ્વરમાં સ્થિત આ રિસોર્ટ પાંચ કમરા ધરાવે છે. ઓરડાઓના નામ અહીં બહુ અનોખી રીતે પાડવામાં આવ્યાં છે. પ્રકૃતિના પાંચ તત્ત્વોના નામ ઉપરથી જ નામ રાખવામાં આવ્યાં છે. જેમ કે, ઉર્વી, ઇરા, વિહા, અર્ક અને વ્યોમન. અહીં ‘Dyo – The Organic Village Resort’ ના કેટલાક ફોટા આપ્યા છે. તમે જોઈને જ નક્કી કરી લેજો કે, ખરેખર વર્ણન કર્યું છે એવું છે કે નહી?

Image Source

આજના આધુનિક યુગમાં ગામડાના યુવાનો ભલે શહેરી સંસ્કૃતિ તરફ આકર્ષાયા છે ત્યારે આ બહેનોની વાત કેટલી પ્રસ્તુત લાગે છે! પોતાનું નાનકડું ગામ, જૈવિક ખેતીથી ઉછરતા પાકો, એક સુંદર રિસોર્ટ જે કમાણીનો સ્ત્રોત હોય અને વળી ઘરનું જ વાતાવરણ! પરમેશ્વરની અમૂલ્ય કૃપા તો આને જ કહેવાય. આ દિશામાં વિચારવું રહ્યું.

[આર્ટીકલ રસપ્રદ અને પ્રેરણાત્મક લાગે તો આપના મિત્રો સાથે પણ શેર કરજો. ધન્યવાદ!]

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks