Kush Patel of Ahmedabad’s Naroda : છેલ્લા ઘણા સમયથી વિદેશમાં રહેતા ગુજરાતીઓના મોતના મામલો સત્તત સામે આવી રહ્યા છે. વિદેશની ધરતી પર વસતા કેટલાય ગુજરાતીઓની લૂંટના ઇરાદે હત્યા કરી દેવામાં આવતી હોય છે, તો કોઈનું અકસ્માતમાં મોત થતું હોય છે, ત્યારે છેલ્લા 11 દિવસથી લંડનની અંદર ગુમ થયેલા અમદાવાદના કુશ પટેલનું પણ મોત થયું હોવાની ખબર હાલ સામે આવી રહી છે. કુશની લાશ બ્રિજના છેવાડે મળતા જ હડકંપ મચી ગયો છે. આ સાથે તેના મોતનું કારણ પણ સામે આવ્યું છે.
સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો લંડન :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ અમદાવાદના નરોડામાં રહેતો કુશ પટેલ નામનો યુવક 9 મહિના પહેલા સ્ટુડન્ટ વિઝા પર લંડનમાં ભણવા માટે ગયો હતો. લંડન ગયા બાદ કુશ તેના પરિવારજનો સાથે રોજ વાત કરતો હતો. પરંતુ ગત 11 ઓગસ્ટ બાદથી કુશના ફોન આવવાના બંધ થઇ જતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને પછી લંડનમાં રહેતા કુશના મિત્રોને પણ જાણ કરવામાં આવી હતી, જેના બાદ તેના મિત્રો કુશના ઘરે તપાસ કરવા જતા તે ઘરે મળ્યો નહોતો.
ગુમ થયા બાદ મિત્રો કરી શોધખોળ :
કુશના મિત્રોએ લંડનમાં કુશની શોધખોળ શરૂ કરી હતી, ઘણી જગ્યાએ શોધવા છતાં તેની કોઈ ભાળ ના મળતા તેમને વેમ્બલી પોલીસમાં કુશના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે કુશની શોધખોળ હાથ ધરી, પોલીસે સીસીટીવી ચેક કર્યા અને લોકેશનના આધારે પણ તેની તપાસ હાથ ધરી હતી, જેમાં તેનું લાસ્ટ લોકેશન લંડન બ્રિજ પાસે મળતા જ ત્યાં જઈને તપાસ કરી ત્યારે કુશ તેમને ત્યાંથી પણ મળ્યો નહોતો.
લંડન બ્રિજના છેડેથી મળી લાશ :
ત્યારબાદ ગત 19 ઓગસ્ટના રોજ પોલીસને લંડન બ્રિજના છેડેથી એક લાશ મળી આવી હતી, પરંતુ લાશ એટલી સળી ગઈ હતી કે તેનો ચહેરો પણ ઓળખાઈ શકે એમ નહોતો, જેથી પોલીસે કુશના ડીએનએ અને બાયોમેટ્રિક મેળવીને તપાસ કરતા લાશ કુશની હોવાનું સામે આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં કુશે આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. કુશના નિધન બાદ તેના પરિવારજનો પણ આપઘાતમાં આવી ગયા છે. હાલ તેની લાશને શબઘરમાં રાખવામાં આવી છે.