ઢાબા ઉપર અને રિસોટોરાન્ટમાં ઘણી પ્રકારના શાક મળતા હોય છે, અને આપણે હોંશે હોંશે ખાતા પણ હોઈએ છે, આપણે એવુ જ શાક ઘરે બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ હોટેલ જેવો ટેસ્ટ લાવી શકતા નથી. પરંતુ ઘરનું જમવાનું કઈ હોટેલ કરતા કમ નથી, જે વસ્તુ ઘરે બને છે તે હોટેલમાં નથી મળતી અને હોટેલમાં મળતી વસ્તુ ઘરે નથી બનતી અને આપણા ગુજરાતીઓની તો આદત જ છે કે ઘરે હોટેલ જેવો ટેસ્ટ જોઈએ અને હોટેલમાં ઘર જેવો ટેસ્ટ. ખરું ને?

પરંતુ આજે હું તમને એક અલગ જ શાક બનવવાની રેસિપી આપવા જઈ રહ્યો છું જે તમે આજ પહેલા ક્યારેય નહીં ખાધું હોય. એની રીત પણ એટલી સરળ છે એ તમે પણ કહેશો કે આ તો સાવ સરળ છે.
આજે હું તમને શીખવીશ બજારમાં મળતા કુરકુરેનું શાક કેવી રીતે બનાવવું?

કુરકુરેનું શાક બનાવવા માટે તમારે ડુંગળી, ટામેટા, દળેલો મસાલો, લસણ આદુની પેસ્ટ, લીલા મરચાં, કોથમીર, જીરું, તેલ અથવા બટર, ચીઝ અને એક પેકેટ ટામેટા વાળા કુરકુરેની જરૂર પડશે.
સૌ પ્રથમ તમારે ઘરમાં જેટલા વ્યક્તિઓ માટે શાક બનાવવાનું છે એ મુજબ ટામેટા અને ડુંગળીને અલગ અલગ ઝીણાં ઝીણા કાપી લેવા. લીલા મરચાને તમે ઝીણા કાપી અથવા તેની પણ પેસ્ટ બનાવી વાપરી શકો છો.

ત્યારબાદ કઢાઈ અથવા નોનસ્ટિક કઢાઈમાં જરૂરી પ્રમાણનું તેલ અથવા બટર ગરમ કરવા માટે મૂકવું.
તેલ ગરમ થયા બાદ એમાં જીરું, લીલા મરચા, આદુ લસણની પેસ્ટ નાખી હલાવવું. તેમાં થોડું લાલ મરચું પણ તમે જરૂરિયાત મુજબ નાખી શકો છો. ગરમ મસાલો પણ વઘાર વખતે જ ઉમેરી દેવો. બરાબર વઘાર થઇ ગયા બાદ તેમાં કાપેલી ડુંગળી ઉમેરો અને હલાવતા રહો. જરૂરિયાત મુજબ મીઠું નાખી ડુંગળીને ધીમા ગેસ ઉપર ચઢવા દેવી.

ડુંગળી ચઢી ગયા બાદ તેમાં કાપેલા ટામેટા ઉમેરો અને હલાવતા રહો. ટામેટા અને ડુંગળી બરાબર મિક્સ થઇ ગયા બાદ ધીમા તાપે કઢાઈ ઉપર કોઈ વાસણ ઢાંકી એને ચઢવા દો.
થોડીવાર બાદ ઢાંકણ ખોલી ને જોશો તો ડુંગળી અને ટામેટાની ગ્રેવી બનવા લાગી હશે. ગ્રેવી જેવું બની ગયા બાદ ગેસને બંધ કરી તેમાં ટામેટાં વાળા કુરકુરે નાખો.

કુરકુરેને મિક્સ કરી તેમાં કાપેલા કોથમીર ઉમેરી ચીઝને તેના ઉપર છીણી દો અને ગરમ ગરમ જ ખાવા માટે પીરસી દો.
નોંધ: ચીઝ ના હોય તો પણ ચાલી શકે. તે માત્ર સારા ટેસ્ટ માટે જ જરૂરી છે.
આ શાકને ગરમ ગરમ જ ખાવું જોઈએ જેના કારણે કુરકુરે પોચા ના પડે. જમતી વખતે કુરકુરે ક્રન્ચી હશે તો ટેસ્ટ વધુ સારો આવશે.

આ શાકને તમે રોટલી પરાઠા સાથી તો ખાઈ જ શકો છો તે સિવાય તમે બ્રેડ અથવા બન સાથે પણ મઝાથી ખાઈ શકો છો.
બે વ્યક્તિ માટે જો શાક બનાવવું હોય તો 5 રૂપિયા વાળું કુરકુરેનું પેકેટ પૂરતું છે. ખાસ ટમેટા ફ્લેવરના કુરકુરે એટલા માટે વાપરવા કે તે ખાટામીઠા હોય શાકમાં તેનો ટેસ્ટ વધુ સારો આવે છે. તમે બીજા ફ્લેવરના કુરકુરે લઈને પણ આ ટેસ્ટ માણી શકો છો.

તમને આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. કુરકુરેનું શાક બનાવીને ખાધા બાદ તમને કેવું લાગ્યું એ પણ જણાવજો.
કુરકુરેના શાકને બીજી રીતે બનાવવા માટે આ વિડિઓ જોઈને પણ તમે પ્રયત્ન કરી શકો છો.
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.