મુંબઈનો આ નવો સ્પિનર રાત્રે ફેકટરીમાં કરતો હતો મજૂરી, દિવસે રમતો હતો ક્રિકેટ, 10 રૂપિયા બચાવવા માટે કેટલાય કિલોમીટર ચાલીને કરી સફર, IPLમાં બદલાઈ ગઈ લાઈફ

IPl એક એવી ગેમ બની ગઈ છે જેમાં ફક્ત ક્રિકેટ નહીં પરંતુ ઘણા ક્રિકેટરોની કહાનીઓ પણ દિલ જીતી લેતી હોય છે. IPLમાં ઘણા ક્રિકેટરોની લાઈફ બદલાઈ ગઈ છે, તેમાં પણ મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં આવેલા કેટલાય પ્લેયરો આજે સફળતાની ટોચ ઉપર છે, જેમાં હાર્દિક પંડ્યા અને તેના ભાઈ કૃણાલ પંડ્યા પણ સામેલ છે.

ત્યારે આ વર્ષે પણ IPLમાં ઘણા એવા ખેલાડીઓ આવ્યા છે જેમની કહાનીએ લોકોને ભાવુક પણ કર્યા છે અને તેમના સંઘર્ષની કહાનીએ લોકોને પ્રેરણા પણ આપી છે. આજે તમને એવા જ એક ખેલાડીની કહાની જણાવીશું જેને IPLમાં પોતાની જગ્યા બનાવવા માટે જે મહેનત કરી છે, તે ખરેખર સલામીને લાયક છે.

અમે વાત કરી રહ્યા છે મુંબઈ ઇન્ડિયન્સના લેફ્ટ આર્મ સ્પિનર ​​કુમાર કાર્તિકેય સિંહની. જેને IPL સુધી પહોંચવા માટે મજૂર તરીકે કામ કર્યું, ભૂખ્યો સૂઈ ગયા અને એક વર્ષ સુધી બપોરે જમ્યો પણ નહિ. પરંતુ હવે તેને આ મહેનતનું પરિણામ પણ મળ્યું અને તેને IPLની સૌથી સફળ ટીમ માટે રમવાનો મોકો મળ્યો.

આજથી 9 વર્ષ પહેલા 15 વર્ષનો કાર્તિકેય કાનપુર છોડીને દિલ્હી પહોંચ્યો હતો. તેણે પરિવારને વચન આપ્યું હતું કે તે તેના ક્રિકેટના કારણે પરિવાર પર ક્યારેય આર્થિક બોજ નહીં નાખે. દિલ્હીમાં તેના મિત્ર રાધેશ્યામ સિવાય કાર્તિકેયને કોઈ ઓળખતું ન હતું. રાધેશ્યામ લીગ ક્રિકેટમાં રમતા હતા. તેણે કાર્તિકેયને મદદ કરી. બંને ઘણી ક્રિકેટ એકેડમીમાં ગયા, પરંતુ બધા વધુ પૈસાની માંગણી કરી રહ્યા હતા.

ત્યારબાદ બંને ક્રિકેટ કોચ સંજય ભારદ્વાજ પાસે ગયા. ત્યાં રાધેશ્યામે કહ્યું કે કાર્તિકેય પાસે તેમને આપવા માટે પૈસા નથી. તેમ છતાં ભારદ્વાજે બંનેને મદદ કરી. તેણે કાર્તિકેયને ટ્રાયલ આપવા કહ્યું. નેટમાં બોલ જોયા બાદ ભારદ્વાજે તેને પસંદ કર્યો. તેણે પોતે ESPN ક્રિકઇન્ફોને આ વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું, “કાર્તિકેયની ક્રિયા યોગ્ય હતી. તે પોતાની આંગળીઓનો યોગ્ય ઉપયોગ કરતો હતો.

હવે કાર્તિકેયને કોચિંગ મળી ગયું હતું, પરંતુ તેણે રહેવા અને ખાવાની વ્યવસ્થા કરવાની હતી. આ માટે તેણે ગાઝિયાબાદ પાસેના મસૂરી ગામમાં મજૂર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તે તેની એકેડમીથી 80 કિલોમીટર દૂર હતું. તેમને ફેક્ટરીની નજીક રહેવા માટે જગ્યા મળી હતી. તે રાત્રે ફેક્ટરીમાં કામ કરતો અને દિવસે એકેડમીમાં જતો. ઘણા કિલોમીટર ચાલીને જતો હતો જેથી બિસ્કીટ માટે 10 રૂપિયા બચી શકે.

જ્યારે કોચ ભારદ્વાજને ખબર પડી કે કાર્તિકેય ઘણા કિલોમીટર ચાલે છે, ત્યારે તેણે પૂછ્યું કે તે અન્ય જગ્યાએ કેમ નથી રહેતા. તે જ સમયે કાર્તિકેય તેને ફેક્ટરીમાં તેની નોકરી, નાઇટ શિફ્ટ અને મુશ્કેલ મુસાફરી વિશે જણાવે છે. ભારદ્વાજે તેને એકેડમીના રસોઈયા સાથે રહેવા કહ્યું. કાર્તિકેયે તેમની વાત સ્વીકારી. ભારદ્વાજે એકેડેમીમાં કાર્તિકેયના રોકાણના પ્રથમ દિવસને યાદ કર્યો. તેણે કહ્યું, “જ્યારે રસોઈયાએ તેને જમવાની ઓફર કરી ત્યારે કાર્તિકેય રડવા લાગ્યો. તેણે એક વર્ષથી લંચ લીધું ન હતું.”

આ પછી ભારદ્વાજે કાર્તિકેયને એક શાળામાં પ્રવેશ અપાવ્યો. કાર્તિકેયે શાળા તરફથી રમવાનું શરૂ કર્યું અને DDCA લીગમાં 45 વિકેટ લીધી. દિલ્હીની પ્રતિષ્ઠિત ઓમ નાથ સૂદ ટુર્નામેન્ટ સહિત ત્રણ ટુર્નામેન્ટમાં તે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ હતો. આટલા શાનદાર પ્રદર્શન છતાં, કાર્તિકેયને DDCA દ્વારા ટોપ-200માં પસંદ કરવામાં આવ્યો ન હતો.

ભારદ્વાજે અગાઉ પણ આ મુદ્દાઓનો સામનો કર્યો હતો. ગૌતમ ગંભીરના બાળપણના કોચ તરીકે જાણીતા ભારદ્વાજે અમિત મિશ્રા સાથે પણ આવું જ જોયું હતું. ત્યારબાદ તેમણે મિશ્રાને હરિયાણા જવા કહ્યું. હવે તેણે કાર્તિકેયને મધ્યપ્રદેશ મોકલ્યો. ભારદ્વાજે કહ્યું. “તેની ક્ષમતા અને જુસ્સાને જોતા, મેં તેને મારા મિત્ર અને શહડોલ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અજય દ્વિવેદી પાસે મોકલ્યો. કાર્તિકેયે ત્યાં ડિવિઝન ક્રિકેટના પ્રથમ બે વર્ષમાં 50 થી વધુ વિકેટ લીધી,”

રાજ્યની ટ્રાયલ મેચોમાં કાર્તિકેયે દરેક મેચમાં પાંચ વિકેટ લીધી હતી. ટૂંક સમયમાં જ તેણે રણજી ટ્રોફી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. તેને મધ્યપ્રદેશ અંડર-23માં રમવાની તક પણ મળી હતી. જ્યારે કાર્તિકેયે 2018માં તેની શરૂઆત કરી, ત્યારે કાર્તિકેયે ભારદ્વાજને તેના પિતા સાથે વાત કરવા માટે મળ્યો. તે સમયથી ભોપાલમાં કાર્તિકેયનું નવું ઘર ભારદ્વાજની નવી ક્રિકેટ એકેડમી બની ગયું. ભારદ્વાજે કહ્યું, ‘જ્યારે પણ તે ફ્રી હોય છે, ત્યારે તે નેટ્સમાં બોલિંગ કરવા લાગે છે. ઘણી વખત તે ઈન્દોરમાં મોડી રાત્રે મેચ રમીને પાછો આવે છે અને લાઈટો પ્રગટાવીને પ્રેક્ટિસ શરૂ કરે છે.

મોહમ્મદ અરશદ ખાનની ઈજા બાદ મુંબઈ ઈન્ડિયન્સે કાર્તિકેયને ટીમમાં સામેલ કર્યો હતો. તેણે નવ ફર્સ્ટ ક્લાસ, 19 લિસ્ટ A અને આઠ T20 મેચ રમી છે. આ દરમિયાન અનુક્રમે 35, 18 અને નવ વિકેટ ઝડપી છે. તેને મુંબઈ દ્વારા 20 લાખ રૂપિયામાં ટીમ સાથે જોડવામાં આવ્યો હતો. IPLમાં પોતાની પ્રથમ ઓવરમાં કાર્તિકેયે સંજુ સેમસનની વિકેટ લીધી હતી. ભલે તેને ત્વરિત સફળતા ન મળી હોય, કાર્તિકેય નારાજ ના થયો. આટલું આગળ આવીને તેણે અનેક અવરોધો પાર કર્યા છે.

Niraj Patel