થોડા દિવસ પહેલા જ આપીએલના મેગા ઓકશન પૂર્ણ થયા, જેમાં ઘણા ખેલાડીઓ કરોડો રૂપિયામાં ખરીદવામાં આવ્યા, તો ઘણા યુવા ક્રિકેટરો જે પહેલીવાર આઇપીએલના મેગા ઓક્શનમાં ખરીદવામાં આવ્યા અને તેમનું કિસ્મત બદલાઈ ગયું. તેમની કહાનીઓ પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
આવી જ એક કહાની કુલદીપ સેનની પણ સામે આવી છે. જેના પિતા રામપાલ સેનનું રીવાના સિરમૌર સ્ક્વેર પર ફાઈન હેર કટિંગ નામનું નાનું સલૂન છે. તેમનો દીકરો0 કુલદીપ સેન હવે IPLમાં જોવા મળશે. 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં યોજાયેલી IPL 2022ની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે તેને 20 લાખની મૂળ કિંમતમાં ખરીદ્યો હતો.
જમણા હાથના મીડિયમ પેસર કુલદીપ સેને ઘરેલુ ક્રિકેટમાં મધ્યપ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે અત્યાર સુધી 14 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને 43 વિકેટ લીધી છે. આ સિવાય તેણે 18 ટી20 મેચમાં 12 વિકેટ ઝડપી છે. કુલદીપ ફિટનેસને લઈને ખૂબ જ સભાન છે અને સોશિયલ મીડિયા પર તેની તસવીરો પણ આ વાતનો સાક્ષી છે.
મધ્યપ્રદેશના રીવા જિલ્લાના હરિહરપુરમાં રહેતા કુલદીપને એક સમયે આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો. તેના પિતા રીવામાં જ હેર કટિંગ સલૂન ચલાવે છે. એક રિપોર્ટ અનુસાર, કુલદીપના પિતા રામપાલ સેને તેને પૂરો સાથ આપ્યો હતો. ભલે ઘરમાં પૈસાની અછત હતી, પરંતુ કુલદીપની ક્રિકેટ કારકિર્દી હંમેશા આગળ વધતી રહી. કુલદીપ પ્રથમ વખત હરાજીમાં વેચાયો અને 20 લાખ રૂપિયા મેળવવામાં સફળ રહ્યો. હાલમાં તે ગુજરાતમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે.
પાંચ ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરના કુલદીપને વર્ષ 2014માં ક્રિકેટમાં કરિયર બનાવવાનો વિચાર આવ્યો. આ પહેલા તે રીવા શહેરમાં જ રમતો હતો. તેણે પહેલા રીવા ક્રિકેટ એસોસિએશન સાથે રમવાનું શરૂ કર્યું અને પછી તેની ક્ષમતાના આધારે 2018માં રણજી ટીમમાં જગ્યા બનાવી.
પુત્રને આઈપીએલ ટીમનું સમર્થન મળ્યા બાદ તેના પિતા ભાવુક થઈ ગયા હતા. તેમણે આ વિશે ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું, ‘આ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. હું તેને સ્કૂલના દિવસોમાં ક્રિકેટ માટે ખૂબ મારતો. પરંતુ આ ક્રિકેટે મારા પરિવારને નામ આપ્યું છે. જ્યારે પણ હું તેને ક્રિકેટ માટે મારતો ત્યારે તે એક જ વાત કહેતો કે ક્રિકેટ તેનું પેશન અને સપનું છે. પરંતુ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે નાના સલૂન માલિકનો પુત્ર ક્રિકેટ દ્વારા નામ કમાશે અને પરિવારની કિસ્મત બદલાઈ જશે.