શ્રીકૃષ્ણનું ગોકુળનું ઘર આજે દેખાય છે આવું! જુઓ ૬ તસવીરો…

0

જન્માષ્ટમી નજીક છે એટલે ધીમેધીમે આખું ભારત કૃષ્ણમય બની રહ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મતાની સાથે જ એક નવી ઊર્જા, નવો ઉમંગ અનુભવવાની સૌની હોશ હોય જ છે. શ્રીકૃષ્ણ વિશે માહિતીઓ મેળવવાની પણ સૌની ઉત્સુકતા સદાય માટે રહેવાની. આજે આપણે એ જ ઉત્સુકતાને આધારે મુલાકાત લેશુ ગોકુળની ગલીઓની અને જાણીશું કે ભગવાન વાસુદેવ જે ઘરમાં લગભગ ૧૧ વર્ષ રહ્યા હતા તે આજે કેવું દેખાય છે? :વાસુદેવ અડધી રાતે ૧૫ કિલોમીટર ચાલ્યા હતા! —
કૃષ્ણજન્મની કથા તો બધાએ સાંભળી-વાંચી જ છે. દેવકીના આઠમાં સંતાન તરીકે મથુરાની જેલમાં કૃષ્ણનો જન્મ થયો એ સાથે જ કંસથી બચાવવા માટે નવજાત કૃષ્ણને ટોપલાંમાં લઈને અનરાધાર વરસતા વરસાદમાં પિતા વાસુદેવ નીકળી પડ્યા ગોકુળ. પરોઢ પહેલા તો જેલમાં પાછું આવી પણ જવાનું હતું! રસ્તામાં યમુના બેકાંઠે વહેતી હતી. વાસુદેવ ન હાર્યા અને બધા અવરોધોને પાર કરીને ગોકુળ પહોંચી ગયા.ગોકુળમાં ભગવાન રહ્યા હતા અહીં —
ગોકુળમાં માતા જશોદા અને નંદબાબાની ઘરે કૃષ્ણ મોટા થવા લાગ્યા. ૧૧ વર્ષ સુધી કૃષ્ણ અહીં રહ્યા. અહીં જ યમુના કાંઠે ગાયો ચારી, વાંસળી વગાડી, ગોપીઓનાં મટકાં ફોડ્યાં. આજે ભગવાન કૃષ્ણ જે સ્થળે રહેલા, અર્થાત્ જે નંદબાબાનું ઘર હતું તેને નંદભવન (કે નંદમહેલ) કહેવામાં આવે છે. હાલ તો તમને જે પુરાણોમાં વર્ણવ્યું છે તેવું હરિયાળું, કૂંજોથી લચી પડતું ગોકુળ જોવા નહી મળે પણ નંદ ભવનની આજુબાજુ થોડે ઘણે અંશે એવું અદ્ભુત વાતાવરણ છે ખરું.બંસીવટ(જ્યાં ભગવાન વાંસળી વગાડતા)થી એક રસ્તો સીધો નંદભવન જાય છે. વચ્ચે પથ્થરનો બનેલો એક પુરાણો દરવાજો આવે છે. એ પસાર કરો એટલે તમે સીધા રાસચોકમાં આવી ચડો. આ ચોકમાં એ સમયનું ગોકુળ વારતહેવારોમાં રાસડે રમતું. રાસચોકની અંદર આવેલી એક ગલીમાંથી આગળ ચાલો એટલે સીધા આવી ચડો નંદભવનના દ્વારે!

ઘડીભર ભક્તિભાવથી જોયા કરો તો આંખ ભરાઈ જાય! આ એ જ સ્થળ છે જ્યાં ભારતવર્ષને એકતાંતણે બાંધનાર, કરોડો ભટકેલા લોકોને દિશા ચીંધનાર અને હજુ પણ ચીંધતો આવનાર કનૈયો રહ્યો છે! અહીં જ એણે યશોદાના હાથના માર અને માખણ બંને ખાધું છે. કેવા ભાગ્યશાળી હશે એ લોકો જેણે કૃષ્ણનું લાલનપોષણ કર્યું!

આરસપહાણથી મઢેલી ફરસ પર આગળ ચાલો એટલે એ ઓરડો આવે જ્યાં માતા યશોદા કુંવર કાનને ઝૂલાવતાં! મંદિરની દિવાલો આજે પણ અલૌલિક ભાવો ઉત્પન્ન કરાવવા માટે સક્ષમ છે. ‘હજુ કૃષ્ણ છે!’ની હામ અને હજુ પવિત્રાણાય સાધુનામના નાદ ગુંજશે – એવી ધરપત આ જોયા પછી વર્તાવાની. નંદભવન ભવ્ય છે. અહીં ભાવિકો ભાવવિભોર બને છે.અહીં જ તો ભગવાન શ્રીકૃષ્ણ ઘૂંટણીયા ભરતા અને પોતાની સાથે જ વાતો કરતા કિલકારી બોલાવતા. છાશ વલોવતી માતા યશોદા બાળ કનૈયાને કહેતી કે લાલા! તું કોની સાથે એકલોએકલો વાતો કરે છે? દોડીને મારી પાસે કેમ નથી આવી જતો? કૃષ્ણ દોડતા તો શીખ્યા નહોતા પણ માતાનો અવાજ પારખતા તો શીખી ગયેલા. તેઓ સરકીને માતાની પાસે જાય છે. ત્યાં તો યશોદા દોડી આવી એમને તેડી લે છે. પોતાધા પાલવથી ભગવાનના ઉઘાડા શરીરે ચોટેલી ધૂળ ખંખેરે છે અને પૂછે છે, આટલી ધૂળ ક્યાંથી ચોળી લાવ્યો, લાલા? સુરદાસ લખે છે :

નંદધામ ખેલત હરી ડોલત
જશુમતિ કરતી રસોઈ ભીતર, આપુન કિલકત બોલત
ટેરી ઉઠી જશુમતિ મોહન કો, આવહુ ન કાહો ધાઈ!
બૈન સુનત માતા પહિચાની, ચલે ઘુટુરુવની પાઈ
લે ઉઠાઈ અંચલ ગહિ પોંચે, ધૂરિ ભરી સબ દેહ
સૂરજ પ્રભુ જશુમતિ રજ ઝારતી, કહાં ભરી યહ ખેહ?જાણી લો કે, ગોકુળની તો ગલીએ ગલી પવિત્ર છે. અહીઁ નંદભવન સિવાય પણ જોવાલાયક સ્થાન ઘણાં છે.
જય શ્રીકૃષ્ણ!

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.