અજબગજબ કૌશલ બારડ ખબર દિલધડક સ્ટોરી ધાર્મિક-દુનિયા પ્રસિદ્ધ રસપ્રદ વાતો લેખકની કલમે

કૃષ્ણપ્રેમનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ એટલે કચ્છનું વ્રજવાણી : 120 આહિરાણીઓએ આપી દીધો હતો જીવ! વાંચો હચમચાવી નાખતી સત્યઘટના

ઢોલી તારો ઢોલ વાગે છે વ્રજવાણી,
સાત વીસ સતીયું રમે આહિરાણી!

ઉપરનાં લોકગીતની આ પંક્તિઓ કોઈના કાને ના આવી હોય એવું ભાગ્યે જ બને. પણ બહુ ઓછા લોકોને રાસડાઓમાં ગવાતી આ કડીઓ પાછળનો ઇતિહાસ ખબર હશે. કૃષ્ણ પ્રત્યેના મૃત્યુલોકના માનવીઓના પ્રેમનું એક એવું ઉદાહરણ એમાં સમાયેલું છે, જે વાંચીને લોકો આભા બની જાય!

Image Source

કચ્છમાં આવેલું વ્રજવાણી ગામ —

કચ્છના રાપર તાલુકામાં મોટા રણની કાંધી પર વ્રજવાણી ગામ વસેલું છે. આજે ત્યાં એક ભવ્ય મંદિર છે. મંદિરની અંદર જાઓ તો બીજાં બધાં તીર્થસ્થાનો કરતા અહીઁ એકદમ અલગ નજારો જોવા મળશે. અલગ એટલા માટે કે અહીં તમને ગણીને પૂરી ૧૨૦ સ્ત્રીઓની ગોળ કુંડાળામાં મૂર્તિઓ જોવા મળશે! એની બહાર ચોગાનમાં એકબીજો મોટો પાળિયો છે. આ સ્ત્રીઓ છે કચ્છની આહિરાણીઓ છે અને બીજો પાળિયો છે તે એક ઢોલીનો છે.

Image Source

તે દિવસે શું બન્યું હતું? —

અમુક પ્રસંગો આપણી વામણી તથ્ય માપતી બુધ્ધિથી નથી સમજી શકાતા. આ પ્રસંગ પણ કંઈક આવો જ બનેલો. જો કે, શું બનેલું એની પાછળ તથ્યો લોકો જુદા-જુદા આપવામાં આવે છે પણ સૌથી પ્રખ્યાત જે વાત છે તે અહીં રજૂ કરી છે.

વિક્રમ સંવત ૧૫૧૧ની અખાત્રીજની સાંજ હતી. ગામના પાદરમાં ઢોલ વાગવા માંડ્યો. ગામની આહિર સ્ત્રીઓ રાસડે રમવા લાગી. ચારેબાજુ જાણે કાળીયા ઠાકરની ભક્તિનું વાતાવરણ સર્જાયું. ઢોલીનો ઢોલ નહી, વ્રજની વાંસળી વગડતી હોય એવો નાદ સંભળાવા લાગ્યો. આહિરાણીઓ ભાન ભૂલીને રાસ લેવા માંડી. કૃષ્ણપ્રેમનું અદ્ભુત દ્રશ્ય કચ્છના રણની કાંધીએ જામ્યું હતું.

Image Source

હવે હદ થાય છે! —

રાત પડી તોય આહિરાણીઓ ઘરે ન આવી. પાદરમાં ઢોલી ઢોલ વગાડતો રહ્યો. રાસ ચગ્યો જ ચાલ્યો. ઘરે બાળકો ભૂખ્યાંસૂઈ ગયાં, ઢોર દોહ્યા વગર રહ્યાં અને ઘરનું કામ બધું અભેરાઈ પર ચડ્યું. રાત ગઈને બીજો દિવસ ઉગ્યો. હવે ત્રિલોકનાથની પણ આંખો અચંબ થઈ હશે. આ આહિરાણીઓ થાકતી નથી, આ ઢોલી બંધ થતો નથી…શું કહેવાય?!

સાત વીસ સતીયું આહિરાણી —

આખરે આ રાસનો કરૂણ અંત આવે છે. એની પાછળ અલગ-અલગ ધારણાઓ બંધાયેલી છે. ખરેખર શું થયેલું એ વિશે એકદમ તારણ કાઢીને કહેવું મુશ્કેલ છે પણ અહીઁ આપણે માત્ર કૃષ્ણ પ્રત્યેનો ભાવ જાણવા માટે લખ્યું છે તો,

Image Source

કહેવાય છે કે આખરે બીજો દિવસ પણ આથમ્યો. પછી એક સીમા આવી કે જ્યારે ગામના આહિરોને લાગ્યું કે હવે હદ થાય છે. લોકો પાદરમાં આવ્યા અને ઢોલીને ઢાળી દીધો! ઢોલના તાલે ભાન વિસરીને રમતી આહિર સ્ત્રીઓને તો ઢોલનો તાલ બંધ થયો ત્યારે ખબર પડી કે આવું બની ગયું છે! અને પછી શું હતું? એક પછી એક બધીએ પ્રાણ ત્યજી દીધાં! અપૂર્વ, વીરલ દ્રશ્ય સર્જાયું. કૃષ્ણ પ્રત્યેના પ્રેમનું આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ બીજે ક્યાં હશે? આ સાક્ષાત્ સતીઓ તરીકે જ પૂજાણી.

Image Source

આજે પણ અનેક લોકો વ્રજવાણી ધામે આવે છે અને આહિરાણીઓના પાળિયાઓ આગળ શિશ ઝૂકાવે છે. એક અદ્ભુત કથા મનમાં ઝણઝણાટી બોલાવી જાય છે. જય હો વ્રજવાણી!

Author: કૌશલ બારડ GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks