કળિયુગનો શ્રવણ કુમાર: દીકરાએ નોકરી છોડી અને જુના સ્કૂટર ઉપર માતાને 564 દિવસ, 18 રાજ્ય અને 56000 કરતા પણ વધારે કિલોમીટરની કરાવી યાત્રા

એક માતા અને દીકરા વચ્ચેના પ્રેમના ઘણા કિસ્સાઓ આપણે સાંભળ્યા હશે. કોઈપણ માતા પિતા અને એક સંસ્કારી સારા દીકરા માટે શ્રવણ કુમારનું ઉદાહરણ આપવામાં આવે છે. જેને કાવડ લઈને પોતાના અંધ માતા પિતાને યાત્રા કરાવી હતી. હવે આ કળિયુગમાં એવા સંતાનો મળવા એટલે દરિયામાંથી સોયા શોધવા બરાબર છે. પરંતુ હાલ એવા જ એક કળિયુગના શ્રવણ કુમારનો કિસ્સો સામે આવ્યો છે જે જુના સ્કૂટર ઉપર પોતાની માતાને 56000 કિલોમીટરની યાત્રા કરાવી.

કર્ણાટકના મૈસુરમાં રહેવા વાળા કૃષ્ણા કુમારે પોતાનું જીવન પોતાની માતાના નામે કરી દીધું. 42 વર્ષના કૃષ્ણાએ 70 વર્ષીય માતાને દેશભરમાં તીર્થ સ્થળોના દર્શન કરાવવાના ઉદ્દેશ્યથી એક સફર શરૂ કરી. જે લગભગ ત્રણ વર્ષ બાદ પૂર્ણ થઇ. તેમને સ્કૂટર લઈને 46,522 કિલોમીટરની સફર પૂર્ણ કરી.

કૃષ્ણાએ મીડિયાને જણાવ્યું કે, “આ સ્કૂટર મને મારા પિતાજીનું છે. જેમને મને 2001માં ભેટમાં આપ્યું હતું. વર્ષ 2015માં તે દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા. તે અમારી સાથે નહોતા એટલે મેં નિર્ણય કર્યો કે હું માતાને આજ સ્કૂટર ઉપર યાત્રા કરાવવા લઈને જઈશ. જેના કારણે અમારી સાથે પિતાજી પણ રહેશે. અમે ત્રણેય (મારી મા, મારા પિતાજીની આત્મા અને મેં) આ યાત્રાને સાથે જ પૂર્ણ કરી.

તો આ બાબતે કૃષ્ણાની માતાએ જણાવ્યું કે, “આ સમગ્ર યાત્રા દરમિયાન અમે ક્યારેય હોટલમાં નથી રોકાયા. અમે હમેશા મંદિર, મઠ અને ધર્મશાળાને જ પોતાનું આશ્રય સ્થાન બનાવ્યું. અને હા, મને આ યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી તકલીફ નથી થઇ. કારણ કે મારો દીકરો મારી ખુબ જ સારી રીતે સેવા કરતો હતો.” તે કહે છે કે “આ સફર દરમિયાન મેં જીવન જીવ્યું તે શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે.”

કૃષ્ણા બેંગલુરુની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. પરંતુ માતાને તીર્થયાત્રા કરાવવા માટે નોકરી છોડી દીધી. ત્યારબાદ તે 2000ના મોડલના બજાજ સ્કૂટર ઉપર પોતાની માતા સાથે દેશના બધા જ તીર્થ સ્થાનો ઉપર ગયો.

તમને જણાવી દઈએ કે બંનેએ 2 વર્ષ 9 મહિનામાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના બધા જ ધાર્મિક સ્થળોના દર્શન કર્યા. મા-દીકરાએ આ યાત્રા 16 જાન્યુઆરી 2018ના રોજ શરૂ કરી હતી. જેને તેમને “માતૃ સેવા સંકલ્પ યાત્રા” નામ આપ્યું હતું.

કૃષ્ણાએ જણાવ્યું કે લોકડાઉન દરમિયાન તેને ખુબ જ મુશ્કેલીઓ થઇ. પરંતુ સ્થાનિક લોકો અને પ્રસાશન દ્વારા તેમની મદદ કરવામાં આવી. ગત વર્ષે સપ્ટેમ્બરમાં કૃષ્ણા પોતાની માતા સાથે પોતાના વતન મૈસુરમાં પરત ફર્યો. તેને જણાવ્યું કે હવે તે ધર્મ કર્મના રસ્તા ઉપર ચાલશે. કારણ કે તે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના વિચારોથી ખુબ જ પ્રેરિત છે. કૃષ્ણાએ લગ્ન ના કરીને જીવનભર પોતાની માતાની સેવા કરવાની યોજના બનાવી છે.

Niraj Patel