લેખકની કલમે

“કારણ…હું ‘મા’ છું…” દીકરો ભલે માતાને તરછોડે, પરંતુ માતામાં હૃદયમાંથી તો હંમેશા દીકરા માટે દુઆ જ નીકળે…ધન્ય છે આ દુનિયાની દરેક માતાને …!!!

“મંગલ કામના મારી કરતી, માવલડી મારી.
સુરત એની કરુણામય છે, પ્રભુ સમ પ્યારી…”
– અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

image source : tanyamunshi.com

આજે સ્વર્ગસ્થ અરજણ ભગત ના ઘેર પંચાત મંડાઈ હતી. પંચાત કરવા આવેલા પાંચેક સંબંધીઓ કમને અરજણ ભગતના ઘેર આવ્યા હતા. અને એનું કારણ એજ હતું કે અત્યાર સુધી એ પંચાત કરવા વાળા ગામના અને પરગામના આગેવાનો એ જે પંચાત કરી હતી એ કાતો કોઈ જમીનના વિવાદની હતી કાતો પાડોશી પાડોશી વચ્ચેના ઝગડાની હતી કાતો ભાઈ ભાઈ ના ઝગડા પતાવવા અર્થની હતી. પણ આજે એ પંચાતીયા અરજણ ભગતના ઘરે આવ્યા હતા એ પંચાત હતી અરજણ ભગત ના બે દીકરા અને એમની મા ચંપા માજીના મિલકતના ભાગ પાડવા અર્થે ની હતી. જો એ સ્વર્ગસ્થ ડોશા ની મિલકત ના એમના બે દિકરા કરશન અને રઘુ ના ભાગ પાડવાની હોત તો એ પંચાતીયાઓનો જીવ ન બળોત કારણ ભાઈઓ મોટા થાય એમના લગ્ન થાય એટલે પિતાની મિલકતના ભાગ લઈ ભાઈઓ જુવારું લઇ લે એમાં કોઈ નવાઈ પામવા જેવું ન હતું. પણ આજે જે ભાગ પડી રહ્યા હતા એ બે ભાઈઓ ઉપરાંત અરજણ ભગતના પત્નિ ચંપામા નો પણ ભાગ પડી રહ્યો હતો. આશ્ચર્ય અને સૌથી મોટા દુઃખની વાત એ હતી કે ચંપા મા ને બબ્બે દીકરા હોવા છતાં બે માંથી એક પણ માઈ નો લાલ માજી ને પોતાની સાથે રાખવા તૈયાર ન હતો. બંને ભાઈઓ અને એમની બટકબોલી વહુઓ એમજ વિચારતા કે અમે ડોશી ને શા માટે અમારી ભેગું રાખીએ. બંને દિકરા એમ પણ વિચારતા કે આ પાંસઠ વર્ષના ડોશી ને ભેગા રાખી એમની બધી હેરઠ કોણ કરે !!!
આવું વિચારતી વખતે કદાચ એ બંને ભાઈઓ એ વાત ભૂલી ગયા હતા કે એમના માવતરે એ જ્યારે નાના હતા ત્યારે કેટલી તકલીફો વેઠી કેટકેટલી હેરઠ કરી બંને ને મોટા કર્યા હતા.

image source : tellmenothing.com

પંચાત મંડાણી હતી. એક તરફ ખાટલે પંચાતીયા બેઠા હતા એક તરફ મોટો દીકરો કરશન અને એની વહુ બીજી તરફ નાનો દીકરો રઘુ અને એની વહુ ઉભા હતા. અને ઓસરીમાં દૂર ખૂણામાં ચંપા મા બંને દીકરા સામે એક યાચક નજરે ભારે આંખે જોતા દયામણા ચહેરે બેઠા હતા. પંચાતીયાઓ દ્વારા બંને દીકરાઓને પોતાની મા ને આ ઉંમરે અલગ ન રાખવાનો સમજાવવાનો નિષ્ફળ પ્રયત્ન થયો. અંતે અરજણ ભગત ની મિલકતના ત્રણ ભાગ થયા. ગામની ઉગામણી બાજુએ આવેલું ખેતર મોટા દીકરા કરશન ના ભાગે આવ્યું.

આથમણી બાજુનું ખેતર નાના રઘુ ના ભાગે આવ્યું અને ચંપા મા ને અલગ રહેવાનું હતું તો એમની આજીવિકા માટે ગામથી થોડું છેટું હતું એ સૌથી નાનું ખેતર માજીના ભાગે આવ્યું. જમીન ના ભાગ ની સાથે ઘરના પણ ભાગ પડ્યા. ગામનું ઘર મોટા દીકરાનું, રામજી મંદિરની બાજુનું ઘર નાના નું એમ નક્કી થયું. હવે માજી રહી શકે એવું એકે ઘર હતું નહીં. પણ નાના ના ભાગે આવેલ ઘરની જમીન થોડી વધારે હોવાથી માજી એ નાના દિકરા રઘુ ના વાસમાં સામે એક કાચું મકાન બનાવી રહેવું એવું લખાણ થયું. આમ બધી મિલકતની વહેંચણી થઈ ચૂકી હતી. આમ પાકટ વયે ચંપા મા ને સગા દીકરા ઓથી અલગ રહેવાની વહેંચણી કરતા એ પંચાતીયાઓને પણ ભારે દુઃખ થયું પણ જ્યાં સગા દીકરા મા ને રાખવા તૈયાર ન હતા તો બિચારા એ પણ શું કરે ? પતિ ની મિલકતના ભાગ પડવાની પંચાતના વાર્તાલાપ ના શબ્દો સાંભળતી અને બબ્બે દીકરા હોવા છતાં હવે નિરાધાર બનનારી એ મા ઓસરી ના ખૂણામાં બેઠી બેઠી એ શબ્દોને છાતી પર પથ્થર રાખી અને આંખોમાં આંસુ સાથે સાંભળતી રહી…

બધી વહેંચણી થઈ પણ હવે પ્રશ્ન એ આવ્યો હતો કે જ્યારે માજી ને સો વર્ષ પુરા થાય ત્યારે એમના ભાગે આવેલ એ નાનકડું ખેતર અને થોડી ઘણી ઘરવખરી બે માંથી ક્યાં દીકરા ને આપવી ? અને દીકરા ઓને માજીના ભાગની મિલકત આપવી કે નહીં ? સગી મા ને દીકરા સાથે રાખવા તૈયાર ન હતા એથી પંચાતીયાઓએ એવું નક્કી કર્યું કે માજી જ્યારે હયાત ન હોય ત્યારે એમના ભાગની જમીન ધર્માંદામાં આપી દેવી. એ દિવસે સાંજ પડતા સુધીમાં બધી ઘરવખરી બંને દિકરાઓએ પોતપોતાના ઘર ભેગી કરી. અને રાત સુધીમાંતો અલગ રહેવાનું શરૂ પણ કરી દીધું. બંને દીકરા પોતપોતાની વહુઓ સાથે પોતપોતાના ઘરે રહેવા ચાલ્યા ગયા અને આ તરફ રહી ગયા એકલા અટુલા ચંપામા. રાત પડ્યે દીકરાઓના ઘરમાં લાઈટો બળતી હતી પણ કાચા મકાનમાં એકલા રહી ગયેલા ચાંપમાં ના અંતરમાં એકલતાનો અંધકાર છવાયેલો હતો. બંને દીકરાઓના ઘેર આજે નવા ઘરે રહેવા જવાની ખુશીમાં લાપસી ના રાંધણ બન્યા હતા તો આ તરફ ચાંપમાં ના ઘરનો ચૂલો નિર્જન પડ્યો હતો. બબ્બે દીકરાઓ દ્વારા પોતાનો થયેલો તિરસ્કાર આ એકજ ઘા માજી ના કાળજે સુળ બની ભોંકાયો હતો. માજી એ વાત માની શકતા ન હતા કે જે દીકરાઓને લાડે કોડે એમને અને એમના પતિ એ સાચવી લાડ લડાવી મોટા કર્યા એજ દીકરાઓ આજે એમને સાથે રાખવા પણ તૈયાર ન હતા !!!
માજીના કરમે જે લખાયું હતું એ તો હવે એમને ભોગવ્યેજ છૂટકો હતો. રોજિંદી ઘટમાળમાં દિવસો પસાર થતા જતા હતા. પાકટ વયે આંખે હવે ઓછું દેખાતું હતું છતાં પોતાના નાનકડા ઘરમાં માજી પોતાનું રોજીંદુ કામ કર્યે જતા હતા. ઘરની સફાઈ કરવી, પોતાના કપડાં ધોવા અને ખાવા માટે કોળિયોક રસોઈ બનાવવી વગેરે જેવા કામ કરતા જતા હતા. થોડું કામ કરે થાકે તો બે ઘડી વિસામો લે. વળી પાછા કામ કરે. વિસામો લેવા જ્યારે એ બેસતા ત્યારે દીકરાના ઘર બાજુ નજર પડે અને ફરી અફસોસ અને દુઃખના વિચારો ચાલુ થઈ જાય. વળી ઊંડો નિસાસો નાખી કામે વળગે. જમવાનું બનાવે પણ જમવાનુય કેવું કોઇ દિવસ રાંધણમાં મીઠું વધારે ઓછું પડી જાય તો કોઈ દિવસ મરચું…!!! જમવા બેસે ત્યારે માજી ને એ વાતની ખબર પડે. પણ એવું વિચારી કાચું પાકું ખાઇલે કે જ્યાં સગા દીકરાઓએ આ ઉંમરે દગો કર્યો ત્યાં હવે જમવામાં શુ ફરિયાદ કરવી !!!
સૌથી મોટી કરુણતા તો એ હતી કે બંને દીકરા અને એમની વહુઓ માજી ને આ ઉંમરે કામમાં પડતી તકલીફ જોઈ રહ્યા હતા પણ કદાચ અનુભવ નહોતા કરી રહ્યા. પાકટ વયે પોતાની મા પોતાના હોવા છતાં આમ ઘરકામ કરતા હતા એ બાબતની શરમ પણ એકેય ભાઈઓ કે એમની વહુઓને નહોતી આવતી. અરે લોક લાજ તો જવાદો પણ કદાચ ભગવાનનો પણ ડર એમને ન હતો. એમને એ પણ ખબર પડતી નહોતી કે મા ની આંતરડી કેવો કકળાટ કરતી હશે !!!

image source : imgix.net

અલગ થયાને દોઢેક વર્ષ વીત્યું હશે ત્યાં સમય અને દીકરાઓના ઘા થી જર્જરિત થઈ ગયેલો ચંપામા નો દેહ સાવ લેવાઈ ગયો અને માજી પથારી વશ થઈ ગયા. ભીતરની ખૂબ ઊંડી વેદના અને અશક્તિ ના કારણે માત્ર બેજ દિવસ ચંપા મા પથારીમાં રહ્યા અને બીજા દિવસ સાંજ સુધી પોતાનો દેહ છોડી ગયા.

એક મા પોતાના દીકરાઓ માટે કેટલી ઊંડી લાગણી અને પ્રેમ ધરાવતી હોય છે એ વાત માજીના દેહ છોડ્યા પહેલાની આખરી એક બે મિનિટમાં જે ઘટના બની એના પરથી આવી જાય છે.

ઘટના એવી બની હતી કે માજીના અંતિમ શ્વાસ ચાલી રહ્યા હતા ત્યારે એમના બંને દીકરા ,વહુઓ અને આડોશી પાડોશી બધા હાજર હતા. મરતી વખતે પણ દીકરાઓ હોવા છતાં નિરાધાર બનેલી એ મા ને એમના દિકરાઓનું સ્મરણ હતું એમની ચિંતા હતી. અંતિમ વેળાએ પણ માજી બોલ્યા હતા કે…

“તમારા બધાની સાક્ષીએ હું કહું છું કે મારા ભાગે આવેલું ખેતર જે ધર્માદા માં આપવાનું નક્કી થયું હતું એ મારા દીકરાઓને મળી જાય એવું પંચાતીયાઓને કહેજો. ભલે મારા દીકરાઓ “દીકરા” ન બની શક્યા પણ હું એમનું બૂરું કદાપિ ન ઇચ્છી શકું !!!”

… અને છેલ્લા ડુસકા ની સાથે ચંપામા ભાગ્યા તૂટયા શબ્દો માં બોલ્યા કે…”કારણ…હું ‘મા’ છું…”

● POINT :- કપૂત બનેલા દીકરાઓ પ્રત્યે પણ એક મા ના મનમાં અને દિલમાં એ દીકરાઓ પ્રત્યે કેટલો પ્રેમ અને ચિંતા હોય છે એતો કદાચ સ્વયં પ્રભુ પણ ન જાણી શકે !!!દીકરાઓના સ્મરણ માં ધબકતા મા ના દિલમાંથી સદાય દીકરાઓના મંગલ નું જ સુમધુર સંગીત નિસપન્ન થતું હોય છે…
દુનિયાની દરેક માતા ના પાવન ચરણોમાં કોટી કોટી વંદન…

લેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks