જાણીતા કોરિયન એક્ટર સોન્ગ જે રિમ (Song Jae Rim) નું 39 વર્ષની વયે નિધન થયું હોવાની ખબર છે. સિયોલના Seongdong પોલીસ સ્ટેશને પુષ્ટિ કરી કે સોન્ગ તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. અહેવાલો અનુસાર, આ ઘટના ગયા અઠવાડિયે ગુરુવારે બની હતી. અભિનેતાના રૂમમાંથી બે પેજનો લેટર પણ મળ્યો હતો. જો કે હાલ મૃત્યુનું કારણ સ્પષ્ટ થયું નથી.
નથી રહ્યો સોન્ગ જે રિમ
કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા સોંગ જે રિમના અંતિમ સંસ્કાર 14 નવેમ્બરના રોજ કરવામાં આવશે. સોન્ગ કોરિયન ડ્રામા શોમાં તેમના કામ માટે જાણીતો હતો. આમાં 2012માં આવેલી ‘ધ મૂન એમ્બ્રેસિંગ ધ સન’ પણ સામેલ હતી. જો રિપોર્ટ્સનું માનીએ તો અભિનેતાના પરિવારે સિયોલના Yeouido વિસ્તારમાં સ્થિત સેન્ટ મેરી હોસ્પિટલના ફ્યુનરલ હોલમાં મેમોરિયલ સ્પેસ બનાવી છે. તેની નાની બહેનને ચીફ વિલાપી એટલે કે મુખ્ય શોક કરનાર બનાવવામાં આવી છે.
કારકિર્દી ક્યાંથી શરૂ થઈ?
સોન્ગ જે રિમે તેની અભિનય કારકિર્દી 2009માં શરૂ કરી હતી. તેની પ્રથમ ફિલ્મનું નામ એક્ટ્રેસેસ હતું. જો કે, તેને ‘ધ મૂન એમ્બ્રેસિંગ ધ સન’ સીરીઝથી ખ્યાતિ મળી હતી. આ શોમાં તે લોર્ડ કિમ જે-વુનની ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો, જે એક વફાદાર બોડીગાર્ડ હતો. આ સીરિઝના હિટ થયા પછી, અભિનેતાને અન્ય ઘણા શોમાં પણ કામ મળ્યું.
જેમાં 2013માં રિલીઝ થયેલી ‘ટુ વીક્સ’નો સમાવેશ થાય છે, જેમાં સોન્ગે ખતરનાક કિલરની ભૂમિકા ભજવી હતી. 2015માં તે ‘અનકાઇન્ડ લેડીઝ’, 2018માં ‘સિક્રેટ મધર’, 2019માં ‘આઈ વાના હિયર યોર સોન્ગ’, 2022માં Café Minamdang અને 2024માં ‘માય મિલિટ્રી વેલેન્ટાઈન’ જેવી સરીઝમાં જોવા મળ્યો હતો. આ વર્ષે સોન્ગે ‘ક્વીન વુ’માં પણ કામ કર્યું હતું.
આ પ્રોજેક્ટ્સમાં કરતો હતો કામ
તેણે શો ‘વી ગોટ મેરીડ’ની સીઝન 4માં ભાગ લઈને પણ લોકપ્રિયતા મેળવી હતી. આ શોમાં તેની હિરોઈન કિમ સો-ઈયૂન હતી. સોન્ગ જે રિમ I’ll Become Rich અને Death Business નામના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યો હતો. તેના આકસ્મિક નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે.