કૌશલ બારડ જીવનશૈલી લેખકની કલમે

કોણ છે ભગવાન શ્રીરામના વંશજ કહેવાતા આ રાજવી? રામની કેટલામી પેઢીના વારસ છે? વાંચો આખી વાત

હાલ રામ જન્મભૂમિનો કેસ સુપ્રીમકોર્ટમાં છે. કોર્ટની કલમોમાંથી ભગવાન રામચંદ્રનું મંદિર ક્યારે કે કદી ઊભું થશે કે કેમ એવી આશા વધીને કેટલી રાખી શકાય? પણ હાલ તો મધ્યસ્થતા પેનલ સમાધાની મુદ્દો શોધવામાં નિષ્ફળ રહી એટલે અઠવાડિયામાં ૫ દિવસ લેખે સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે. રામજન્મભૂમિ મુદ્દે કોર્ટમાં ત્રણ પક્ષો છે : નિર્મોહી અખાડા, રામલલા વિરાજમાન અને સુન્ની વકફ બોર્ડ.

Image Source

બે’ક દિવસ પૂર્વે સુપ્રીમ કોર્ટના પાંચ જજોની પેનલે રામલલા પક્ષના વકીલને પ્રશ્ન પૂછેલો કે, ‘અયોધ્યામાં કે ભારતમાં હાલ ક્યાંય પણ રામના વંશજો છે ખરા?’ વકીલે એ બાબત વિશે પોતાની જાણકારીનો અભાવ માન્યો હતો.

પણ જયપુર રાજપરિવારે જે દાવો કર્યો છે એ ઘણો રોચક છે. દાવામાં જયપુરના રાજપરિવારની સાંસદ દીયાકુમારીએ કહ્યું છે, કે અમે રામના વંશજ છીએ! અને એ માટે જે પુરાવાઓ રજૂ કર્યા એ પણ ધ્યાન ખેંચે તેવા છે. અહીં જાણી લો શું છે આખી ઘટના :

રાજપુત્ર કુશથી થયા કુશવાહા —

Image Source

જયપુર રાજઘરાનાની ભાજપ સાંસદ દીયાકુમારીએ અને રાજમાતા પદ્મનીદેવીએ કહ્યું છે, કે જયપુરના મહારાજાઓ રામના જ વંશજ છે. દીયાકુમારીએ એક વંશાવલીનો દસ્તાવેજ આપ્યો છે, જેમાં જણાવાયું છે કે દીયાકુમારીના પિતા મહારાજા ભવાનીસિંહ રામપુત્ર કુશની ૩૦૭મી પેઢીએ થયા હતા. (૨૦૧૧માં તેઓ સ્વર્ગવાસ પામ્યા છે.) એ નાતે દીયાકુમારી શ્રીરામના પુત્ર કુશની ૩૦૮મી પેઢીનું સંતાન છે.

ઉલ્લેખનીય છે, કે જયપુર રાજઘરાનાનો રાજપરિવાર કુશવાહા અથવા કચ્છવાહા કુળમાં આવે છે. અને ‘કુશવાહા’ રાજપૂતો પ્રભુ શ્રીરામના પુત્ર કુશના વંશજ છે.

સવાઈ જયસિંહના નામે છે અયોધ્યાની જમીન —

Image Source

દીયાકુમારીએ ૧૮મી સદીના વખતનો એક દસ્તાવેજ આપ્યો છે, જેમાં સ્પષ્ટ થાય છે કે જયપુર વસાવનારા મહારાજા સવાઈ જયસિંહ દ્વિતીય રામના પુત્ર કુશની ૨૮૯મી પેઢીએ થઈ ગયા. સવાઈ જયસિંહનું નામ આજે પણ તેમણે કરેલા બાંધકામો માટે માનથી લેવામાં આવે છે. ખગોળવિજ્ઞાનમાં અદ્ભુત બુધ્ધિ ધરાવનાર જયસિંહજીએ દિલ્હીમાં બંધાવેલી જંતર-મંતર વેધશાળા આજે પણ ઇજનેરીકળાનો અને ખગોળવિજ્ઞાનનો અનન્ય નમૂનો છે.

૧૭૧૭ની સાલ હતી કે જ્યારે મહારાજા જયસિંહે અયોધ્યામાં મંદિર બંધાવેલું, એવું દીયાકુમારીએ આપેલા દસ્તાવેજી પત્રો જણાવે છે. ૧૭૭૬નો એક દસ્તાવેજ એવો પણ છે, કે જેમાં સ્પષ્ટ હુકમ દ્વારા જણાવેલું છે કે અયોધ્યા અને બાજુના જયસિંહપુરાની ભૂમિ કચ્છવાહા રાજપૂતોના હસ્તક રહેશે.

શું કહે છે ઇતિહાસકારો? —

પ્રસિધ્ધ ઇતિહાસકાર આરનાથનાં પુસ્તક ‘ ધ જયસિંહપુરા ઓફ સવાઇ રાજા જયસિંહ એટ અયોધ્યા કે અનેક્ચર – ૨’માં એવો ઉલ્લેખ છે, કે અયોધ્યાની ભૂમિ પર કચ્છવાહા કે કુશવાહા રાજપૂતોનો હક્ક હતો. એ બધી વાતો દીયાકુમારીએ જયપુરના પેલેસના દસ્તાવેજોમાંથી દેખાડેલા એ દસ્તાવેજો જોડે પણ મેળ ખાય છે.

એ પછી તો કોંગ્રેસના એક મંત્રીનું પણ બયાન આવ્યું, કે રાઘવ રાજપૂતો રામપુત્રના લવના વંશજ હતા. એ તો જે હોય તે પણ રામ વિશે અને ‘રઘુવંશ’ વિશે અમુક બાબતો તો એવી છે જેની તમને ખબર હોવી આવશ્યક છે. એ જાણી લો નીચે :

રઘુવંશ —

Image Source

બ્રહ્માથી મૂળભૂત જેનો નાતો જોડાયેલો છે તેવા ભગવાન શ્રીરામના વંશના મુખ્ય રાજાઓની વંશાવલિ અહીં આપી છે :

દિલીપ—>અજ—>રઘુ —>દથરથ—>રામ—>કુશ—>અતિથિ—>નિષેધ—>નળ—>નભ

મહાકવિ કાલીદાસે લખેલ પ્રસિધ્ધ મહાકાવ્ય ‘રઘુવંશ’માં મહારાજા દિલીપથી લઈને રઘુવંશના ૨૯ રાજવીઓનું વર્ણન છે. છેલ્લે અગ્નિવર્ણ રાજાનો ઉલ્લેખ કરીને કાલીદાસ અટકે છે. અગ્નિવર્ણ વિલાસપ્રિય રાજા હોય છે. વિલાસમાં રચ્યોપચ્યો તે મરે પણ અતિભોગી બનીને. એ પછી અયોધ્યાની ગાદી પર અગ્નિપ્રિયની ગર્ભવતી પત્નીનો રાજ્યાભિષેક થાય છે! ક્યારેક રામ સિવાયના રઘુકુળના રાજવીઓનો ઇતિહાસ વાંચશો તો ખબર પડશે કે આ રાજવીઓએ કેવાં બલિદાનો આપ્યાં છે!

આજના હરેક વાત પર વિવાદ છેડનારી રજકણીઓને ક્યાંથી ખબર હોય કે રઘુવંશ શું ચીજ છે? રઘુવંશીઓ કેવા હતા? કાલીદાસ કહે છે, “તેઓ યોગ્યપાત્રને ભેગું કરેલું ધન દાન આપનારા, કીર્તિ માટે વિજય હાંસલ કરનારા, સંતાન માટે વિવાહ કરનારા, બાલ્યકાલમાં વિદ્યા ભણનાર, યુવાવસ્થાએ ભોગ માણનાર, વૃધ્ધાવસ્થાએ સંતોની સમીપ રહેનાર અને અંતમાં યોગથી પોતાનું શરીર ત્યાગનાર હતા!”

Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks