IPLનો રોમાંચ હવે ચરમ સીમા ઉપર આવી ગયો છે, પ્લેઓફમાં પહોંચવાની રેસમાં દરેક ટીમ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે. IPL સિરીઝની દાવેદાર માનવામાં આવી રહેલી ટીમો પોઇન્ટ ટેબલમાં છેક નીચે પહોંચી ગઈ છે, તો આ વર્ષે જ મેદાનમાં ઉતરેલી ગુજરાત અને લખનઉની ટીમ ખુબ જ સારું પ્રદર્શન કરી રહી છે.
ત્યારે ગઈકાલે લખનઉ અને બેગ્લોર વચ્ચે એક શાનદાર મુકાબલો જોવા મળ્યો હતો. આ દરમિયાન એક એવી ઘટના બની જેને જોઈને દર્શકો ઉપરાંત કોમેન્ટેટર પણ હેરાન રહી ગયા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની IPL-2022ની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સની ઈનિંગની 8મી ઓવરનો તે છેલ્લો બોલ હતો. લખનઉના કેપ્ટન કે.એલ રાહુલ હર્ષલ પટેલના લેગ-સ્ટમ્પની બહાર જતા બોલ પર ગ્લાન્સ કરવા માંગતો હતો, પરંતુ શોટ યોગ્ય રીતે વાગ્યો ન હતો.
બોલ વિકેટકીપર દિનેશ કાર્તિક પાસે ગયો. તેણે તેને સ્પષ્ટ રીતે પકડ્યો, પરંતુ અપીલ કરી નહીં. અહીં કોઈ પણ ખેલાડીએ અપીલ કરી નહોતી, તે છતાં પણ અચાનક કંઈક એવું બન્યું કે આરસીબીએ ડીઆરએસ લઇ લીધું. આ વિચિત્ર ડ્રામા વચ્ચે, જ્યારે રિપ્લેમાં જોવામાં આવ્યું, ત્યારે બોલ કે એલ રાહુલના બેટને સ્પર્શતો જોવા મળ્યો અને તેને પેવેલિયન પરત ફરવું પડ્યું.
આ જોઈને કોમેન્ટેટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે કોઈ અપીલ નથી અને કોઈ અવાજ નથી, એ પણ ખબર ન હતી કે કોણ ડીઆરએસ લેવા માંગે છે ? હર્ષલ પટેલ પણ વિકેટ મેળવીને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. કે.એલ રાહુલે ગત મેચમાં જ શાનદાર સદી ફટકારી હતી, એ દિવસે તેનો જન્મ દિવસ પણ હતો.
DRS – DK Review System pic.twitter.com/Liows5PruG
— Big Cric Fan (@cric_big_fan) April 19, 2022
પરંતુ ગઈકાલની મેચમાં તે 24 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 30 રન બનાવીને આઉટ થયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનઉ સુપર જાયન્ટ્સ સામે 18 રનથી જીત મેળવી હતી. IPLની 31મી મેચમાં બેંગ્લોરે 181 રનનો સફળતાપૂર્વક બચાવ કર્યો અને લખનઉને 163 રનમાં રોકી દીધું. બેંગ્લોરની આ સિઝનની પાંચમી જીત છે અને તે હવે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. બેંગ્લોર તરફથી ફાફ ડુ પ્લેસિસે 96 રન બનાવ્યા હતા જ્યારે જોસ હેઝલવુડે ચાર વિકેટ ઝડપી હતી.