ખેલ જગત

KKR VS RCB : IPL પર લાગ્યુ કોરોનાનું ગ્રહણ, આજે અમદાવાદમાં થનારી મેચ થઇ રદ

કોરોનાના કહેરની અસર હવે IPL પર પણ પડી ગઇ છે. સોમવારે થનારી KKR અને RCBની મેચને રદ કરી દેવામાં આવી છે. આઈપીએલની 14મી સીઝનની 30મી મેચમાં સોમવારે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો મુકાબલો કોલકાતા નાઈટ રાઇડર્સ સામે થવાનો હતો.

છેલ્લા ઘણા સપ્તાહથી કોરોનાનુ સંક્રમણ દેશમાં વધી રહ્યુ છે અને બીજી લહેરમાં ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. રોજના 3 લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે અને મોતનો આંકડો પણ વધી રહ્યો છે.

કોરોનાના સંક્રમણમાં બીસીસીઆઇએ મજબૂત બાયોબબલનો હવાલો આપ્યો હતો. જે બાદ 29 મેચ સફળતાપૂર્વક કરાવી અને ચેન્નાઇ અને મુંબઇના ચરણોની બધી મેચ પૂરી થઇ. પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સીઝનની 30મી મેચ હાલ રદ કરી દેવામાં આવી છે.

બીસીસીઆઈના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે, KKRના વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર્સને કોરોનાથી સંક્રમણ લાગ્યું છે. તમને જણાવી દઇએ કે, સતત 4 જીત સાથે એક સમયે શાર્ષ પર ચાલી રહેલી વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી આરસીબીની ટીમ છેલ્લી 3 મેચોમાં 2 હાર બાદ ત્રીજા નંબર પર આવી ગઇ છે. કોલકાતાની ટીમ 7માંથી 2 મેચ જીતી છે. તે 7માં સ્થાને છે.

એવી વાત પણ સામે આવી છે કે વરૂણ ચક્રવર્તી હાલ માં જ પોતાના ખભાનું સ્કેનિંગ માટે બાયો બબલની બહાર ગયો હતો અને ત્યાં તે કદાચ કોઈના સંપર્કમાં આવ્યો હોય શકે છે. વરૂણ  ચક્રવર્તી અને સંદીપ વોરિયર સિવાય તમામ ખેલાડીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.