ખબર

20 દિવસ પહેલા જ કિશનના ઘરે થયો હતો દીકરીનો જન્મ, દીકરાની હત્યાથી ખુશી બદલાઈ માતમમાં, પરિવારના રડી રડીને થઇ રહ્યા છે હાલ બેહાલ

ધંધુકામાં થયેલ માલધારી યુવક કિશન ભરવાડની હત્યાકાંડના પડઘા આખા દેશમાં પડી રહ્યા છે, આજે આ ઘટનાને એક અઠવાડિયું પૂર્ણ થયું છે અને હજુ પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં કિશનને ન્યાય મળે તેવી માંગણી ચાલી રહી છે, અને લોકો રેલીઓ પણ યોજી રહ્યા છે, તો બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌતે પણ કિશનને ન્યાય મળે અને તેની પત્નીને પેંશન મળે તેવી માંગણી કરી છે.

કિશન ભરવાડના ઘરે 20 દિવસ પહેલા જ દીકરીનો જન્મ થયો હતો, તે પિતા બન્યો હતો અને પરિવારમાં પણ ખુશીઓનો માહોલ વ્યાપેલો હતો. પરંતુ દીકરી જન્મના થોડા દિવસ બાદ જ કિશનની હત્યા કરી દેવામાં આવી અને પરિવારની ખુશીઓ પળવારમાં માતમમાં પરિણમી હતી. ત્યારે કિશનના પરિવાર દ્વારા પણ ન્યાય માટે આજીજી કરવામાં આવી રહી છે.

કિશન ભરવાડ મૂડ લીંબડીના ચુડા તાલુકાના ચચાણા ગામનો રહેવાસી હતો અને તે ધંધુકામાં આવેલા મોઢવાડ વિસ્તારમાં તેના માતા-પિતા, પત્ની અને 20 દિવસની દીકરી સાથે રહેતો હતો. ઘરની પાસે જ કિશન ઝેરોક્સની દુકાન ચલાવતો હતો અને સાથે જ તે પશુપાલનનો પણ વ્યવસાય કરતો હતો.

કિશન નાનપણથી જ ધંધુકામાં રહેતો હતો અને તેની આસપાસ રહેતા લોકો સાથે પણ તેના ખુબ જ સારા સંબંધો હતો, સ્થાનિક લોકોએ તેના વિશે મીડિયાને જણાવ્યું હતું કે તે ખુબ જ વ્યવસ્થિત વ્યક્તિ હતો અને તેની કોઈ સાથે કોઈપણ પ્રકારની દુશ્મની પણ નહોતી કે ના તે કોઈ ખોટા રસ્તા તરફ વળ્યો હતો.

કિશનના નિધન બાદ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કિશનના પરિવારને મળવા માટે પહોંચ્યા હતા અને તેમને પણ કિશનની 20 દિવસની દીકરીને પોતાના હાથમાં લઈને તેના પિતાને ન્યાય અપાવશે તેવી ખાતરી પણ આપી હતી. કિશન પોતાની દીકરીને મન ભરીને રમાડી પણ ના શક્યો અને એ પહેલા જ તેની હત્યા થઇ ગઈ.

તો કિશનના નિધન બાદ તેના પરિવાર માથે પણ દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે, તેના પરિવારના પણ રડી રડીને હાલ ખરાબ થઇ રહ્યા છે, કિશનની બહેનો પણ રડી રડીને પોતાના ભાઈને ન્યાય મળે તેવી માંગણી કરી રહી છે. તો કિશનના પિતાએ પણ આરોપીઓને જલ્દી સજા થાય તેવી માંગણી કરી છે.