જેહાદી વિચારોએ લીધો ધંધુકાના કિશન ભરવાડનો જીવ, મૌલવીએ હથિયાર આપીને કરાવી હત્યા, બે આરોપીઓના રિમાન્ડ થયા મંજુર

અમદાવાદના ધંધુકામાં થયેલ કિશન ભરવાડની હત્યાના પડઘા આખા ગુજરાતમાં પડી રહ્યા છે, સોશિયલ મીડિયાથી લઈને  સ્થાનિક લોકો પણ કિશનને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે. કિશનની હત્યા પાછળ મુંબઈ અને અમદાવાદના મૌલવીનો હાથ હોવાનું પણ સામે આવ્યું છે અને તેમના દ્વારા જ કિશનને મારવા માટેના હથિયાર પહોંચાડાયા હોવાની વાત પણ સામે આવી છે.

કિશન હત્યાકાંડ મામલામાં મલવતવાડા, ધંધુકાના રહેવાસી આરોપી શબ્બીર ઉર્ફે સાબા ચોપડા અને કોઠીફળી, ધંધુકામાં રહેતા ઈમ્તિયાઝ ઉર્ફે ઇમ્તુ પઠાણ ઉપરાંત મુખ્ય સૂત્રધાર મૌલવીની પણ ધરપકડ કરવામાં આવી છે. જેના બાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે શબ્બીર અને ઈમ્તિયાઝના 9 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. તો હથિયાર આપનારા મૌલવીની પણ ધરપકડ કરવામાં આવી છે.

કિશને એક મહિના પહેલા સોશિયલ મીડિયામાં એક ચોક્કસ સમુદાયને લઈને વિવાદિત પોસ્ટ કરી હતી, જેના બાદ ભારે વિવાદ સર્જાયો હતો અને કિશનની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી, જેના બાદ અન્ય પક્ષ સાથે સમાધાન પણ કરવામ આવ્યું હતું, પરંતુ આરોપીઓ કિશનને સબક શીખવાડવા માંગતા હતા.

આ ઘટનાને લઈને અમદાવાદના જમાલપુરના મૌલવી અને દિલ્હીના મૌલવી અમદાવાદ શાહઆલમ ખાતે મળ્યા હતા. જેમાં શબ્બીર પણ હાજર હતો અને કિશનની હત્યાના પાંચ છ દિવસ પહેલા જ તે અમદાવાદ ગયો હતો અને કિશનની વિવાદિત પોસ્ટ વિશે પણ વાત કરી હતી અને કિશનને સબક શીખવાડવા માટે જણાવ્યું હતું.

જેના બાદ શબ્બીરે મૌલવી પાસે હથિયાર લીધું હતું અને તેના મિત્ર ઈમ્તિયાઝ અને અન્ય મિત્રો સાથે આ બાબતે વાત કરી હતી, પછી તેમને જ કિશનની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. મોકો મળતા જ શબ્બીર અને ઈમ્તિયાઝ બાઈક લઈને પહોંચ્યા હતા અને કિશન એકલો દેખાયત જ તેના ઉપર બંદૂકથી ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનમાં ઈમ્તિયાઝ બાઈક ચલાવતો હતો અને શબ્બીરે કિશન ઉપર ફાયરિંગ કર્યું હતું.

તો કિશનની હત્યાના કારણે ધંધુકામાં પણ બંધ પાડવામાં આવ્યું હતું અને તેની અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ ઘટનાની નોંધ લીધી હતી અને સુરેન્દ્રગર જિલ્લાના ચુડા તાલુકાના ચચાણા ગામે મૃતક કિશનના પરિવાર સાથે મુલાકાત કરીને પરિવારજનોને સાંત્વના પાઠવવાની સાથે સાથે ન્યાય આપવાની ખાતરી પણ આપી હતી.

Niraj Patel