ખબર

કિશન ભરવાડની અંતિમ યાત્રામાં આખું ધંધુકા હીબકે ચઢ્યું, શહેરમાં પાડવામાં આવ્યો સજ્જડ બંધ, ચુસ્ત બંદોબસ્ત સાથે નીકળી અંતિમ યાત્રા

ગત મંગળવારના રોજ ધંધુકામાં કિશન ભરવાડ નામના એક યુવકની ધોળા દિવસે જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી, જેના બાદ ધંધુકા વાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગતરોજ ધંધુકામાં સજ્જડ બંધ પણ પાડવામાં આવ્યું હતું અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કિશન ભરવાડની અંતિમ યાત્રા યોજાઈ હતી.

કિશન ભરવાડે એક મહિના આગાઉ સોશિયલ મીડિયામાં ચોક્કસ જ્ઞાતિના લોકો વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી. આ મામલામાં પોલીસે કિશનની ધરપકડ પણ કરી હતી અને અન્ય સમાજના લોકો સાથે સમાધાન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ ઘટનાના થોડા જ દિવસો બાદ કિશનની હત્યા કરી દેવામાં આવતા લોકો રોષે ભરાયા હતા.

આ હત્યાની ઘટના બાદ ધંધુકાના પીઆઇ સી.બી. ચૌહાણને લિવ રિઝર્વમાં મુકવામાં આવ્યા હતા અને સાણંદ પી.આઈ આર.જી ખાંટને ધંધુકામાં મુકવામાં આવ્યા છે અને સાણંદનો ચાર્જ પીએસઆઇને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર મામલામાં ધંધુકાના પીઆઇની બેદરકારી સામે આવતા તેમની બદલી કરવામાં આવી છે.

પોલીસે આ મામલામાં અલગ અલગ 7 ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. આ કેસની અંદર હવે SOG, LCB અને લોકલ પોલીસ સહિત કુલ 7 ટીમો તપાસની અંદર લાગી ગઈ છે. આ સમગ્ર મામલાની તપાસ DYSP રિના રાઠવાના સુપરવિઝન હેઠળ થઇ રહી છે. ધંધુકામાં પણ કિશન ભરવાડની હત્યાનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેના પગલે જ ગઈકાલે સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

કિશન ભરવાડની હત્યાના કારણે સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. લોકો વિરોધ કરવા માટે રસ્તા ઉપર પણ ઉતરી આવ્યા હતા અને કિશનના પરિવારને ન્યાય મળે તે માટે માંગણી પણ કરી રહ્યા હતા. આ મામલામાં પોલીસે સમાજના આગેવાનોની મદદ દ્વારા મામલો થાળે પાડ્યો હતો અને કિશનનો મૃતદેહ સ્વીકાર્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કિશનના અંતિમ સંસ્કાર કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

કિશનની અંતિમયાત્રા સમયે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અંતિમયાત્રા યોજાઈ હતી. આ ઘટનાને લઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ સહિતના અનેક આગેવાનો કિશનના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. જ્યાં સમાજના આગેવાનો અને પરિવારજનોએ  મીટીંગ કરી હતી અને ધંધુકામાં એક માર્ગ કિશનના નામે બનાવવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી.

ત્યારે હવે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ મામલાને ગંભીરતાથી લઇ રહ્યા છે અને પરિવારને ન્યાય અપાવવાની વાત જણાવી રહ્યા છે. આ ઉપરાંત હર્ષ સંઘવી મૃતક કિશન ભરવાડના પરિવારને મળવા માટે ધંધુકા પણ જવાના હોવાની વાત મીડિયા દ્વારા પ્રકાશમાં આવી રહી છે.

આ મામલામાં હાલમાં એક ચોંકાવનારો ખુલાસો પણ સામે આવ્યો છે. આ હત્યાના તાર છેક મુંબઈ સુધી પણ જોડાયેલા હોવાનું મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર કિશનની હત્યા પાછળ મુંબઈ અને અમદાવાદના 2 મૌલવીની સંડોવણી હોવાની વાત સામે આવી છે.

પોલીસે આ મામલામાં અત્યાર સુધી 5 લોકોની ધપરકડ કરી લીધી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ પુછપરછમાં એ વાત પણ સામે આવી છે કે કિશનની હત્યા કરવા માટે હથિયાર અમદાવાદના એક મૌલવીએ આપ્યું હતું. ત્યારે હવે આ હત્યાકાંડના પડઘા આખા ગુજરાતમાં પણ પડ્યા છે અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કિશનના પરિવારને મળવા માટે ધંધુકા જવાના છે.