કિશન ભરવાડ હત્યાકાંડમાં એક પછી એક થઇ રહ્યા છે નવા ખુલાસાઓ, 3 આરોપીઓના…

ગત 25 જાન્યુઆરી ગુજરાતના ધંધુકામાં થયેલા માલધારી યુવક કિશન ભરવાડની હત્યાકાંડમાં એક પછી એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે, આ કેસમાં પોલીસ અને એટીએસની ટીમ દ્વારા અત્યાર સુધી 10 આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે, જેમાંથી હાલ 3 આરોપીઓના વધુ 9 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

ગુજરાત એટીએસ દ્વારા આ હત્યાકાંડમાં સંડોવાયેલા ત્રણ આરોપીને  કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. એટીએસ દ્વારા તેમના વધુ 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટ દ્વારા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. ત્યારે હજુ આ મામલામાં વધુ ખુલાસાઓ સામે આવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર આ હત્યાકાંડના મુખ્ય આરોપી શબ્બીર, ઈમ્તિયાઝ અને મૌલાના ઐયુબના રિમાન્ડ શનિવારના રોજ પૂર્ણ થતા તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના વધુ 9 દિવસના રિમાન્ડ મંજુર થયા. આ મામલામાં સરકારી વકીલ દ્વારા કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી કે આ ગુન્હામાં વપરાયેલા સીમકાર્ડ અને ફોન કોલની વિગતો મેળવવાની બાકી છે. આ ઉપરાંત ગુન્હો આચાર્ય બાદ શબ્બીર અને ઇમ્તિયાઝે જે કપડાં પહેર્યા હતા તેની પણ શોધખોળ બાકી હોવાના કારણે તેમને વધુ રિમાન્ડ પર મોકલવા જોઈએ.

તો બીજી તરફ બચાવ પક્ષના વકીલ દ્વારા કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે આરોપીઓના રિમાન્ડ માંગવાના મુદ્દાઓ વારંવાર રિપીટ થઇ રહ્યા છે, એક જ કારણો રજૂ કરીને ફરીથી રિમાન્ડ ના આપવા જોઈએ. પરંતુ કોર્ટ દ્વારા બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય જણાવ્યો હતો અને ત્રણયે આરોપીઓને 9 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

Niraj Patel