ડોલર અને રૂપિયા બાદ હવે ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીના ડાયરામાં થયો સોના ચાંદીના સિક્કાનો વરસાદ… જુઓ વીડિયો

પાલનપુરમાં કિર્તીદાન ગઢવીનો ડાયરો બન્યો ઐતિહાસિક, ચલણી નોટો સાથે સોના ચાંદીના સિક્કાનો પણ થયો વરસાદ…1 કરોડ રૂપિયા થયા ભેગા…જુઓ વીડિયો

ગુજરાતની અંદર ડાયરાઓની એક અલગ જમાવટ જોવા મળે છે. ઘણા બધા ડાયરા કલાકારો જયારે ડાયરાના મંચ પરથી ડાયરાની રજુઆત કરતા હોય છે ત્યારે ડાયરામાં સહભાગી થવા માટે માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે અને ડાયરા કલાકાર પર લાખો કરોડો રૂપિયાનો વરસાદ પણ કરતું હોય છે.

ત્યારે એવા જ એક ગાયક કલાકાર જેને લોકો ડાયરા સમ્રાટ તરીકે પણ ઓળખે છે એવા કિર્તીદાન ગઢવીના ડાયરાની વાત જ શું કરવી. તેમના ડાયરામાં પણ લોકો મન મૂકીને ઝુમતા હોય છે અને લાખો રૂપિયાનો વરસાદ પણ કરતા હોય છે. ત્યારે કિર્તીદાન ગઢવી વિદેશમાં પણ ડાયરાના કર્યક્રમો કરે છે અને વિદેશમાં પણ તેમના ડાયરામાં ડોલરનો વરસાદ થતો તમે જોયો હશે.

પરંતુ હાલ જે નજારો જોવા મળ્યો તે કદાચ પહેલા ક્યારેય જોવા નહીં મળ્યો હોય. અત્યાર સુધી ડાયરામાં તમે ચલણી નોટો અને ડોલરનો વરસાદ થતો જોયો હશે, પરંતુ હાલ પાલનપુરમાં યોજાયેલા કિર્તીદાન ગઢવીના ડાયરામાં સોના અને ચાંદીના સિક્કાનો વરસાદ થતો જોવા મળ્યો હતો. જેના વીડિયો પણ હવે વાયરલ થઇ રહ્યા છે.

પાલનપુરમાં આવેલા જલારામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરો ત્યારે ઐતિહાસિક બની ગયો જ્યારે લોકોએ આ ડાયરામાં સોના ચાંદીના સિક્કાનો વરસાદ કર્યો હતો. જેણે પણ આ નજારો આંખો સામે જોયો તે તમામ અભિભૂત બની ગયા હતા.

ત્રણ દિવસ સુધી ચાલેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બુધવારની રાત્રે ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કિર્તીદાન સાથે હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદી, સાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી, લોકગાયિકા ઉર્વશી રાદડિયા અને સાહિત્યકાર ચતુરદાન ગઢવીએ જમાવટ કરી હતી. ડાયરાની અંદર સોના ચાંદીના સિક્કાનો વરસાદ જોઈને કિર્તીદાન પણ બોલી ઉઠ્યા કે “આ તો ઐતિહાસિક છે.”

પાલનપુરમાં જલારામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયેલા આ ડાયરાનું આયોજન જલારામ માનવ સેવા ટ્રસ્ટ અને સમસ્ત રઘુવંશી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં 10,20,50,100 રૂપિયાની ચલણી નોટો ઉપરાંત સોના ચાંદીના સિક્કાનો પણ વરસાદ થયો. આ ડાયરામાં કુલ 1 કરોડ રૂપિયા આવ્યા હતા.

Niraj Patel