ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ આવી ફરી વિવાદમાં, સુરતમાં ટોલનાકા પાસે ટેમ્પાને ઉભી રાખી ડ્રાઈવરને બેફામ ગાળો બોલીને માર માર્યો, પોલીસે કરી આ કાર્યવાહી

આઇશરમાં ગાયો ભરીને લઇ જઈ રહેલા ડ્રાઈવરને કીર્તિ પટેલ અને તેના સાગરીતોએ રોક્યો, “કતલ ખાને લઇ જાય છે !”એમ કહીને ગંદી ગંદી ગાળો બોલીને માર માર્યો, વીડિયો થયો વાયરલ, જુઓ

ટિક્ટોક દ્વારા  ફેમસ થયેલી અને હાલ ઇન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને બેફામ ગાળો બોલતી અને કોઈપણ વિવાદમાં કૂદી પડતી સુરતની કીર્તિ પટેલ કોઈને કોઈ કારણને લઈને સતત ચર્ચામાં રહેતી હોય છે. તેના વિરુદ્ધ ઘણા ગુના પણ નોંધાઈ ચુક્યા છે. ત્યારે હાલમાં જ કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે. કીર્તિ પટેલ પર એક ડ્રાઈવરને માર મારવાનો અને અશ્લીલ ગાળો બોલવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

કીર્તિ પટેલ વિરુદ્ધ આ ગુનો કામરેજ પોલીસે નોંધ્યો છે. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં આવેલા કામરેજ ટોલનાકા પાસે ગત 19 એપ્રિલની રાત્રે કીર્તિ પટેલ અને તેના સાગરીતો શૈલેષ મેર, દિનેશ દેસાઈ, મેહુલ આહીર તેમજ અન્ય ઈસમોએ એક પશુ ભરેલી આઈશર રોકી હતી. જે બાદ આ ગાયોને કતલખાને લઇ જવામાં આવે છે એમ કહીને કીર્તિ પટેલ અને તેના સાગરીતોએ મોટી બબાલ પણ કરી હતી.

જેના બાદ કીર્તિ પટેલે ડ્રાઈવરને અશ્લીલ ગાળો બોલી અને તેને માર પણ માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ડ્રાઈવરને માર મારી તેની સાથે બીભત્સ વર્તન પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના કેમેરામાં પણ કેદ થઇ ગઈ હતી, જેના વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં કીર્તિ પટેલ બેફામ ગાળો બોલતી અને તેના સાગરીતો સાથે મળીને મારામારી કરતી પણ જોવા મળી રહી છે. જેના આધારે કામરેજ પોલીસે કીર્તિ પટેલ અને તેના સાગરતીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ગત 23 ડિસેમ્બર 2023ના રોજ કીર્તિ પટેલ અને તેના સાથીદારોની જૂનાગઢના ભેસાણમાં ધરપકડ કરવામાં આવી હતી. કારણ કે કીર્તિ પટેલે વીડિયો શેર કરીને ભેસાણના યુવાન જમણ ભાયાણીને માર મારવાની ધમકી આપી હતી અને જમણ ભાયાણીને મારવા માટે ભેસાણ પણ પોતાના સાથીદારોને લઈને પહોંચી ગઈ હતી. જ્યાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

Niraj Patel