PMO અધિકારી બની જમ્મુ-કશ્મીરના ઓફિસરોને મળ્યો આ ગુજરાતી ઠગ, મહિનાઓ સુધી કર્યો LOCનો દોરો, આવી રીતે થયો પર્દાફાશ

PMO માંથી એવું છું એમ કહી જમ્મુ-કાશ્મીરમાં Z+ સિક્યોરિટી સાથે ફરતો ગુજરાતી ઠગ ઝડપાયો, જુના કાંડ પણ આવ્યા બહાર, જુઓ ફટાફટ

જમ્મુ-કશ્મીર પોલિસે એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે, જે પોતાને પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)નો એક ટોચનો અધિકારી જણાવી કેન્દ્ર શાસિત પ્રદેશમાં ટોચના અધિકારીઓ સાથે બેઠક કરતો હતો. કમાલની વાત તો એ છે કે કોઇને આ વાતની ભનક પણ ના લાગી કે તે એક ઠગ છે. કિરણ પટેલના રૂપમાં ઓળખાતો આ ઠગ પોતે PMOમાં એડિશ્નલ ડાયરેક્ટરના પદ પર છે તેમ જણાવતો. કિરણ પટેલ ગયા વર્ષે ઓક્ટોબરથી કાશ્મીર ખીણની મુલાકાતે હતો. ધરપકડ પહેલા, તે એલઓસી નજીક ઉરીમાં કમાન્ડ પોસ્ટ દ્વારા શ્રીનગરના લાલ ચોક પહોંચ્યો હતો.

શ્રીનગરના નિશાત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, કિરણ પટેલ આ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં અને કાશ્મીર ખીણના અન્ય ભાગોમાં પ્રવૃત્તિઓમાં સામેલ હતો. જ્યાં સુધી તે પકડાયો ન હતો ત્યાં સુધી તેણે સરકારી આતિથ્યનો આનંદ માણ્યો હતો. તેણે પર્સનલ સિક્યુરિટી ઓફિસર (પીએસઓ) અને લક્ઝરી હોટલમાં રૂમ પણ આપવામાં આવ્યો હતો. આ ઠગની શ્રીનગરથી 3 માર્ચ 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ આ માહિતી હવે મીડિયામાં સામે આવી છે.

ગુરુવારે એટલે કે 16 માર્ચે જમ્મુ-કશ્મીર પોલીસે તેને શ્રીનગર કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. મીડિયાના અહેવાલો મુજબ, કિરણ પટેલ ઓક્ટોબર 2022થી કાશ્મીર ઘાટીની મુલાકાતે હતો. તે ઝેડ પ્લસ સિક્યોરિટી સાથે બુલેટપ્રૂફ વાહનમાં ફરતો. કિરણ પટેલે ફેબ્રુઆરી 2023માં પણ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. તેની મુલાકાતના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેને પોલીસ અને અર્ધલશ્કરી દળોના રક્ષણ હેઠળ કાશ્મીરમાં વિવિધ સ્થળોએ જોઈ શકાય છે.

કિરણ પટેલે ઉચ્ચ સ્તરીય સરકારી સુવિધાઓનો લાભ લઈને જમ્મુ અને કશ્મીરના વિવિધ ભાગોની મુલાકાત લીધી હતી. બડગામમાં તેણે અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. શંકા બાદ ગુપ્તચર એજન્સીઓએ જમ્મુ-કશ્મીર પોલીસને તેના વિશે એલર્ટ કરી અને પછી તેની શ્રીનગરની હોટલમાંથી ધરપકડ કરવામાં આવી. કિરણ પટેલ વિરુદ્ધ શ્રીનગરના નિશાત પોલીસ સ્ટેશનમાં IPC કલમ 419, 420, 467, 468 અને 471 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઠગને સમયસર શોધી ન શકવાને કારણે જમ્મુ-કશ્મીર પોલીસના બે અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે.

ગુજરાત પોલીસની ટીમ પણ તપાસમાં સામેલ હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, કિરણ પટેલ આ પહેલા પણ વિવાદોમાં રહી ચૂક્યો છે. તે અમદાવાદમાં પૂર્વ DySP સાથે કરોડોની ઠગાઈ કરી ચુક્યો છે. આ ઉપરાંત એ પણ સામે આવ્યુ છે કે મૂળ અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના નાઝ ગામનો વતની કિરણ વડતાલ મંદિરમાં ગાડી ભાડે મુકવાનુ કહીં 2 નિવૃત્ત DySP, P.I, PSI સાથે છેતરપિંડી કરી ચૂક્યો છે. આ મામલે લગભગ 6 વર્ષ પહેલા નરોડા પોલીસ મથકમાં તેની વિરુદ્ધ FIR પણ નોંધાઈ ચૂકી છે. આ ઉપરાંત તેની સામે વડોદરામાં પણ ગુના નોંધાઈ ચૂક્યા છે. તપાસમાં સામે આવ્યુ છે કે તે અમદાવાદના પૂર્વ વિસ્તારના સ્મૃતિ મંદિર નજીક ઘર ધરાવે છે.

Shah Jina