કોઈના મોઢે કશે સાંભળ્યું હતું, ‘તમે આખી દુનિયા બદલી નથી શકતા, પણ જો કોઈ એક બાળકનું જીવન પણ તમારે લીધે બદલાઈ શકે છે તો જરૂર બદલો.’ આ વાક્યનો અર્થ પણ ખૂબ જ ઊંડો છે ને! તમારે લીધે જો એક બાળકનું જીવન બદલાશે તો એ બાળક પણ બીજાનું જીવન બદલશે અને આમ જ તો દુનિયા બદલાવાની શરૂઆત થાય છે.
ત્યારે ગરીબ બાળકોને વિના મુલ્યે શિક્ષણ અપાવવા માટે લગભગ છેલ્લા 10 વર્ષથી અમદાવાદની એક યુવતીએ અભિયાન શરુ કર્યું છે. અમદાવાદમાં શ્વાસ નામની સંસ્થા દ્વારા ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ આપવામાં આવે છે. આ સંસ્થાની શરૂઆત કિંજલ શાહ નામની યુવતીએ શરુ કરી હતી, જે બાળકોને મફતમાં ટ્યુશન આપે છે. કિંજલ શાહે અમદાવાદમાં ગુલબાઇ ટેકરામાં બાળકોને ભણાવવા માટે શ્વાસ નામનું ફાઉન્ડેશન બનાવ્યું અને આજે તેમની પાસે 8 સેન્ટરોમાં 600થી વધુ બાળકો ભણી રહયા છે. 19થી વધુ શિક્ષકો નિયમિત રીતે આ બાળકોને ભણાવવામાં લાગ્યા છે. બાળકો સરકારી શાળાના નિયમિત વિદ્યાર્થીઓ છે પણ કિંજલ અને તેમની ટિમ સવાર-સાંજ આ બાળકોને 2 કલાક ભણાવે છે.

બાયો-મેડિકલ એન્જીનીયરીંગમાં ડિગ્રી પ્રાપ્ત કરનાર કિંજલે ક્યારેય પણ આવું કોઈ સામાજિક કાર્ય કે કોઈ એનજીઓ સ્થાપિત કરવા વિશે વિચાર્યું ન હતું. કિંજલે કોલેજના અભ્યાસ દરમ્યાન પોતાના મિત્રોની સાથે ગરીબ બાળકોને ભણાવવાનું કામ શરુ કર્યું અને બાળકોને ભણાવતા-ભણાવતા તેમની તકલીફ અને તેમનું શિક્ષણ સ્તર જોઈને આ જ કામ કરવાનો નિશ્ચય કર્યો. સ્લેમ એરિયા પસંદ કરવા વિશે ખાસ કોઈ ચર્ચા વિચારણા થઇ ન હતી, એમ જ કોઈએ ગુલબાઇ ટેકરાનું નામ લીધું અને પછી તેમણે અહીંની મ્યુનિસિપાલિટી સ્કૂલમાં જઇને વાત કરી. દર શનિવાર અને રવિવારે તેમણે બે કલાક સુધી બાળકોને ભણાવવાની પરવાનગી મળી ગઈ.

શરૂઆતમાં કેટલાક દિવસો બાળકોના માતા-પિતાને સમજાવવા મુશ્કેલ હતું, પણ જયારે ખબર પડી કે બાળકોને મફતમાં ગુણવતાપૂર્ણ શિક્ષણ મળી રહ્યું છે તો તેઓ રાજી થઇ ગયા. આ રીતે સતત કામ કરવાના કારણે બાળકોના માતાપિતાનો કિંજલ પર વિશ્વાસ વધતો ગયો અને શ્વાસ ફાઉન્ડેશનનું કામ પણ વધ્યું. બાળકો વધ્યા બાદ તેમણે નવા સેન્ટર્સ પણ ભાડે રાખ્યા અને આખા અમદાવાદમાં આ સંખ્યા અત્યારે 8 થઇ ગઈ છે.

ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી પણ કિંજલ અહીં બાળકોને ભણાવવા માટે સતત આવતી રહી. તેમના કેટલાક મિત્રો આગળના અભ્યાસ માટે બહાર જતા રહયા તો કેટલાકે આવવાનું બંધ કરી દીધું પણ કિંજલ નોકરી કરતી હોવા છતાં અહીં શનિવારે અને રવિવારે બાળકોને ભણાવવા માટે આવતી. આ બાળકોને ભણાવવા એ તેની આદત બની ગયું હતું. કિંજલને જો તે કોઈ પણ ક્લાસ મિસ કરે તો ગમતું નહિ અને બાળકોનું સ્કૂલ ડ્રોપ આઉટ થવું પણ તેને ગમતું ન હતું. તેણે આ વિશે કઈ કરવા વિચાર્યું અને પછી નક્કી કર્યું કે તે બાળકોને માત્ર શનિ-રવિ જ નહિ પણ રોજ ભણાવશે. પરંતુ નોકરીની સાથે સાથે આ કામ કરવું એક પડકાર જેવું હતું, જેને કિંજલે સ્વીકાર કર્યો.
એ પછી તેને સમજાયું કે કિંજલની ખુશી કોઈ નોકરી કરવામાં નહિ પણ આ ગરીબ બાળકોનું ભવિષ્ય સુધારવામાં છે. એટલે તેને સૌથી પહેલા પોતાની નોકરી છોડી અને પોતાની જાતને સંપૂર્ણપણે બાળકોને સમર્પિત કરી દીધી. તેના આ નિર્ણય પર પહેલા તો તેના પરિવારને સંદેહ હતો, પણ પછી કિંજલના દૃઢ નિશ્ચય આગળ બધાએ ઝુકવુ જ પડ્યું. કિંજલના પિતાએ તેને કહ્યું કે ‘જો તે આ નક્કી કરી જ લીધું છે તો તારું આ અભિયાન એવું હોવું જોઈએ કે તું સાચે જ કોઈનું જીવન બદલી શકે.’

કિંજલે કહ્યું, “મેં મારા કેટલાક મિત્રો અને સંબંધીઓ પાસેથી ભંડોળ એકઠું કર્યું અને બસ્તી પાસે એક રૂમ ભાડે રાખ્યો. ત્યાં હું આ બાળકોને દરરોજ સવારે અને સાંજે બે કલાક ભણાવતી હતી. શરૂઆત ફક્ત 5-6 બાળકોથી થઈ અને પછી અમે આ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ માટે ભંડોળ પણ એકત્રિત કર્યું. ધીરે ધીરે, આ બાળકોમાં ઘણો બદલાવ આવ્યો અને તેમનું સ્તર ઊંચું આવ્યું.” હવે આ બાળકો ખાનગી શાળાઓમાં જવા લાગ્યા અને ત્યાંના બાળકોને ટક્કર આપવા માટે તૈયાર થવા લાગ્યા હતા. બાળકોની નાની સફળતાઓએ કિંજલને પ્રભાવિત કરી અને તેને સમજાયું કે આ એવું કામ છે કે તે આખું જીવન કરી શકે છે.
વર્ષ 2013માં, તેણે શ્વાસ નામથી તેના એનજીઓની નોંધણી કરાવી. દર વર્ષે, તેમની પસે બાળકોની સંખ્યા વધવા લાગી. તેમણે આ બાળકોના વધુ સારા શિક્ષણ માટે પ્રોફેશનલ શિક્ષકો રાખ્યા. દરરોજ આ શિક્ષકો સવાર-સાંજ બે-બે કલાક આ બાળકોને ભણાવે છે. જેમાં મૂળભૂત શિક્ષણની સાથે અંગ્રેજી અને કમ્પ્યુટર પણ ઉમેરવામાં આવ્યા. અભ્યાસની સાથે, સ્પોર્ટ્સ ડે અને બીજી ઘણી પ્રવૃત્તિઓમાં બાળકોને શામેલ કરવામાં આવ્યા. મોટાભાગના બાળકો સરકારી શાળામાં જ અભ્યાસ કરે છે, પરંતુ તેમણે કેટલાક બાળકોને આર્થિક મદદ કરી અને તેમને ખાનગી શાળામાં પણ મોકલ્યા. આ 600 બાળકોમાંથી લગભગ 40 જેટલા બાળકોને ખાનગી શાળાઓમાં દાખલ કરવામાં આવ્યા છે અને 2 બાળકો આજે કોલેજમાં અભ્યાસ કરે છે.

એ સમયે 6 બાળકો સાથે શરૂ થયેલ આ અભિયાન આજે 600 બાળકો સુધી પહોંચ્યું છે. કિંજલ ઉપરાંત, આજે શ્વાસમાં 20 શિક્ષકો કાર્યરત છે અને એ બધા પર એક સુપરવાઈઝર છે જે એ સુનિશ્ચિત કરે છે કે બાળકો અને શિક્ષકો બંને નિયમિત રીતે આવે છે. ગુલબાઈ ટેકરા ઉપરાંત શાહીબાગ, મેમનગર, રામદેવનગર, થલતેજ ગામમાં પણ આ સંસ્થા કામ કરે છે. તાજેતરમાં જ તેણે શિવરંજનીમાં ફૂટપાથ પર રહેતા બાળકો સાથે કામ શરૂ કર્યું હતું.
કિંજલે જણાવ્યું કે ‘અત્યારે અમારું કામ માત્ર અભ્યાસ પર જ ધ્યાન આપવાનું નહિ પણ અમે આ બાળકોને વોકેશનલ ટ્રેનિંગ પણ અપાવી રહયા છે, કારણ કે જો આ બાળકો સ્કિલ્સ શીખશે તો કોઈને કોઈ કામ કરીને આત્મનિર્ભર બની શકે છે.’ આગળની યોજનાઓ વિશે કિંજલ જણાવે છે કે અભ્યાસની ગુણવતા સાથે બાંધ-છોડ કર્યા વિના વધુમાં વધુ બાળકોને જોડવા માંગે છે. બાળકોના અભ્યાસ સાથે જ સ્કિલ અને પર્સનાલીટી ડેવલેપમેંટ જેવા કોર્સ કરાવવાનું પણ તેમની યોજનાઓમાં સામેલ છે.

કિંજલ શાહ કહે છે કે ગરીબ અને પછાત પરિવારના બાળકોમાં પણ પ્રતિભાની કોઈ કમી નથી. માત્ર તેમણે તક અને સાધનોની આવશ્યકતાઓ હોય છે. સમાજના લોકોએ આવા બાળકોની મદદ માટે આગળ આવવું જોઈએ. કિંજલ પોતાના વિદ્યાર્થીઓના માતાપિતાને પણ સતત શિક્ષણ અને અન્ય મૂળભૂત અધિકારો માટે જાગૃત કરે છે અને દરેક સંભવ રીતે તેમની મદદ માટે તૈયાર રહે છે.
શ્વાસ ફાઉન્ડેશનના સમાજ પર પ્રભાવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કિંજલ શાહે જણાવ્યું, એક મહિલા પોતાના બાળકોને મુકવા માટે તેમના સેન્ટર પર આવતી હતી. શરૂઆતમાં તે બાળકોને અભ્યાસ કરતા જોતી અને એક દિવસ તેને ભણવાની ઈચ્છા વ્યક્ત કરી અને શ્વાસ ફાઉન્ડેશને તેને બેઝિક શિક્ષણ આપ્યું. ધીરે ધીરે તેણે ગતિ પકડી અને આજે તે પાંચમા ધોરણના બાળકોના પુસ્તકો વાંચી અને સમજી શકે છે. તેનો જોશ જોઈને, સંસ્થાએ તેને શિક્ષક તરીકે રાખી જે તેના માટે સપનું સાકાર થવા જેવી વાત હતી, કારણ કે આ પહેલાં તે ઘરેલું નોકર તરીકે કામ કરતી હતી. ઘરે-ઘરે જઈને કામ કરનાર આ મહિલાની આ યાત્રામાં કિંજલે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે.

શ્વાસ માટે ભંડોળ કિંજલ જાતે ભેગું કરે છે. તેમને બે કે ત્રણ કંપનીઓના સીએસઆર તરફથી સ્પોન્સરશિપ મળે છે, તો ઘણા લોકો બાળકો માટે દાન પણ આપે છે. ભવિષ્ય માટે તેની યોજના એ છે કે જ્યાં જયાં શ્વાસ કામ કરી રહ્યું છે, ત્યાં શક્ય તેટલા બાળકોને તેની સાથે જોડે. આ બધા કામ માટે ભંડોળ એકત્ર કરવા માટે સોશિયલ મીડિયાની સાથે, ક્રાઉડ ફંડિંગ વેબસાઇટનો ઉપયોગ પણ કર્યો. આ સાથે, મિત્રો અને સંબંધીઓએ પણ કિંજલને સમય સમય સમય પર મદદ કરી. કેટલીક સંસ્થાઓ અને દાતાઓ પણ તેમની સાથે જોડાયેલા છે, જેથી તેઓ ઘણા બાળકોને મફતમાં ભણાવી શકે.

અંતમાં કિંજલ કહે છે કે જરૂરી નથી, તમારે કંઈક સારું કરવા માટે કોઈ એનજીઓ સાથે જોડાવું જોઈએ. તમે તમારી આસપાસનાં કોઈપણ બાળકને ભણાવો અને સતત તેની સાથે કામ કરો. ધીરજ રાખો અને કોઈપણ બાળકની ક્ષમતા પર વિશ્વાસ કરો કે તેઓ જરુર કંઈક કરી શકે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.