જાણીતા કિડની સર્જન, અમદાવાદની કિડની યુનિવર્સિટી-હોસ્પિટલના સ્થાપક, અને પદ્મશ્રી ડૉ. એચ એલ ત્રિવેદી ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં આ ફાની દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા. તેમના મૃત્યુ સમયે તેમની ઉંમર 87 વર્ષની હતી અને માત્ર દેશમાં જ નહીં પણ આખી દુનિયામાં તેઓ કિડની ટ્રાન્સપ્લાન્ટના પિતામહ કહેવાતા હતા. ભલે તેઓ આજે આ દુનિયામાં ન હોય પણ તેઓ અમદાવાદની સાથે સાથે ગુજરાત અને દેશ-વિદેશમાં કિડનીના દર્દીઓ માટે ભગવાન જેવા છે. પરંતુ શું તમે જાણો છો કે ડૉ. એચ એલ ત્રિવેદી કેવી રીતે એક ડોક્ટરમાંથી કિડની ટ્રાન્સપ્લાન્ટના કિંગ બની ગયા? તેમનું જીવન ખરેખર ઘણા લોકો માટે પ્રેરણારૂપ રહ્યું છે અને ખૂબ જ રસપ્રદ પણ રહ્યું છે.

ડૉ. એચ એલ ત્રિવેદીનો જન્મ હરગોવિંગ લક્ષ્મીશંકર ત્રિવેદી તરીકે ગુજરાતના એ સમયના સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામમાં (હાલ મોરબી જિલ્લાનું ગામ) 31 ઓગસ્ટ 1932 ના રોજ થયો હતો. તેમને પ્રાથમિક શિક્ષણ વાંકાનેરના લુણસર ગામમાં લીધું અને એ પછી આગળના અભ્યાસ માટે રાજકોટ અને પછી મેંગલુરુ ગયા. એ પછી અમદાવાદના બી.જે. મેડિકલ કોલેજમાંથી તેમને તબીબી શિક્ષણ લીધું.

ડૉ. એચ એલ ત્રિવેદી બીમાર હતા એ વખતે રાષ્ટ્રીય ડોક્ટર દિવસે તેમના પત્ની સુનિતા ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં બી.જે. મેડિકલ કોલેજમાંથી ડોક્ટર તરીકે અભ્યાસ કર્યા પછી, વર્ષ 1961માં, તે અમેરિકાની હોસ્પિટલમાં નેપ્રોલોજી વિભાગ અને પછી કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટીમાં ડિરેક્ટર બન્યા. તે સમય દરમિયાન તેઓ ત્યાં સંપૂર્ણ સ્થાયી પણ થઇ ગયા હતા.

તબીબી ક્ષેત્રે તેમના સંશોધન પત્રો અમેરિકા, જાપાન, રશિયા, સ્વીડન, ભારત અને યુરોપિયન દેશોમાં ખૂબ ગંભીરતાથી લેવામાં આવ્યા હતા. દરમિયાન, જ્યારે પણ તેઓ અમદાવાદ આવતા ત્યારે તેમને લાગતું કે કિડનીના ઘણા દર્દીઓ છે, પરંતુ સારવારની પદ્ધતિ ના બરાબર છે. અમદાવાદમાં આ રોગનો પ્રાથમિક ઉપચાર પણ ન હતો. લોકોએ સારવાર કરાવવા માટે દૂર દૂર સુધી જવું પડતું હતું.

આ બધું જોઈને તેમનામાં દેશભક્તિની ભાવના જાગી ગઈ અને વર્ષ 1978 માં સ્વદેશ પરત આવ્યા પછી, તેમણે અહીં કિડનીના દર્દીઓ માટે કામ કરવાનું શરૂ કર્યું. ઘણા દાતાઓ પણ તેની સાથે ઉભા રહ્યા. રાજ્ય સરકારે તેમને સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જગ્યા આપી અને ધીમે ધીમે કિડની રોહો માટે એક હોસ્પિટલ તૈયાર કરી દીધી. વર્ષ 1981માં, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઈકેડીઆરસી) નામથી હોસ્પિટલ શરુ થઈ ગઈ. ડૉ. ત્રિવેદીએ વિદેશી ઠાઠ છોડીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કિડની હોસ્પિટલની સ્થાપના કરી અને ગુજરાત તેમજ દેશભરના કિડનીના દર્દીઓને નવું જીવન આપતા રહયા.

કિડનીના રોગોથી પીડિત દર્દીઓ માટે તેઓ ભીષ્મ પણ કહેવાતા, કારણ કે તેમના દ્વારા સ્થાપિત આ હોસ્પિટલ વિશ્વની એકમાત્ર એવી હોસ્પિટલ છે જે લાખો ગરીબ દર્દીઓની મફત સારવાર કરે છે. ડૉ. ત્રિવેદીએ કિડનીના વિવિધ રોગોથી પીડિત હજારો દર્દીઓની સારવાર કરી અને તેમને નવું જીવન આપ્યું. ડૉ. ત્રિવેદીએ પોતાનું આખું જીવન કિડનીની બિમારીઓથી પીડિત લોકોની સેવામાં વિતાવ્યું હતું.

વર્તમાન સમયમાં આ હોસ્પિટલમાં દર વર્ષે આશરે ચારસો કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ રહ્યા છે. આ ઉપરાંત લીવર પૈંક્રિયાસના ટ્રાન્સપ્લાન્ટ પણ શરૂ કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં લગભગ છ હજાર કિડની ટ્રાન્સપ્લાન્ટ અને લગભગ 325 લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ અહીં થઈ ચૂક્યા છે. એટલું જ નહીં રોબોટિક દ્વારા 450 થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. એવો દાવો કરવામાં આવ્યો છે કે દેશની કદાચ આ પહેલી હોસ્પિટલ છે જ્યાં એક છત નીચે આવી સુવિધાઓ ઉપલબ્ધ થઇ હોય.

ડૉ. ત્રિવેદીની પત્ની સુનિતા ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેમના પતિ હંમેશા દર્દીઓના હિતમાં સમર્પણ સાથે કામ કરતા, જેના પર તેમને ગર્વ છે. તેમણે પાંચ હજારથી વધુ ઓપરેશન કર્યા, જેમાં ચારસોથી વધુ કિડની ટ્રાન્સફર સામેલ છે. તબીબી વિશ્વમાં નોંધપાત્ર યોગદાન બદલ તેમને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા છે. સ્ટેમસેલની મદદથી, ટ્રાન્સપ્લાન્ટ અને ઓપરેશન પછી દવાઓની જરૂરિયાત ન હોવા સંબંધિત તેમના સંશોધન ખૂબ જ ચર્ચામાં રહયા.

પોતાના કામો છોડીને ભાગી જતા હોસ્પિટલ –
ડૉ. ત્રિવેદીની પત્ની સુનિતા ત્રિવેદીના જણાવ્યા અનુસાર, ડૉ. ત્રિવેદીએ પોતાના જીવનકાળમાં ખૂબ જ ઓછી રજાઓ લીધી હતી. સવારે નવા વાગે ઘરેથી હોસ્પિટલ જવા માટે નીકળ્યા બાદ રાતે નવ વાગે જ હોસ્પિટલથી ઘરે આવવાની તેમને આદત પડી ચુકી હતી. તેમણે જણાવ્યું કે, અમદાવાદના આ સેન્ટરમાં કિડનીની સારવારનો ખર્ચ દેશમાં સૌથી ઓછો થાય છે છતાં, દર્દીની જરૂર પડતી તો તેમને ક્યારેય દર્દીને નિરાશ નથી કર્યા. સુનિતા ત્રિવેદીના કહેવા મુજબ, તેમના પતિને દર્દીઓથી એટલો લગાવ થઇ ગયો હતો કે તે હોસ્પિટલ નજીકના ક્વાર્ટર્સમાં રહેવા લાગ્યા હતા.

કથા દ્વારા એકત્ર કર્યા હતા પચાસ કરોડ –
દર્દીઓ માટે સારી સુવિધાઓ માટે નાણાં એકત્ર કરવાના હેતુસર રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને પચાસ કરોડ રૂપિયા ઉભા કરવામાં આવ્યા હતા. તેમના માટે આ વિશેષ કાર્યક્રમ કથાકાર મોરારી બાપુ દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં લોકોએ પણ છુટ્ટા હાથે દાન આપ્યું હતું. રાજ્ય સરકાર પણ તેમના પ્રત્યે એટલી સંવેદનશીલ હતી કે સરકાર તેમની દરેક માંગને સ્વીકારવા તૈયાર થઇ જતી હતી.

સિદ્ધિઓ માટે પદ્મશ્રી એવોર્ડ –
ડૉ. એચ એલ ત્રિવેદીની સિધ્ધિઓ માટે તેમને ઘણા પુરસ્કારોથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ભારત સરકારે તેમને પદ્મશ્રી સહિતના અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ આપ્યા હતા, જ્યારે વિદેશથી પણ તેમને ઘણા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

તેમની સિદ્ધિઓને કારણે તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રપતિ ભવનમાં 8 એપ્રિલ 2015ના રોજ તેમને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત અવતાર ફાઉન્ડેશન દ્વારા ડૉ. એચ એલ ત્રિવેદીને 28 મે 2017ના રોજ ‘ગુરુ દ્રોણાચાર્ય એવોર્ડ’ એનાયત કરાયો હતો. શ્રી ચોવીસી મોઢ બ્રાહ્મણ સમાજ, અમદાવાદ વતી 4 નવેમ્બર 2017ના રોજ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

ડૉ. એચ એલ ત્રિવેદી વૃદ્ધાવસ્થામાં પણ ખૂબ સક્રિય હતા અને નિયમિત રૂપે હોસ્પિટલની મુલાકાત લેતા હતા તેમજ દર્દીઓની તપાસ કરતા હતા. જો કે, વધતી ઉંમર સાથે, તેના મગજના જ્ઞાનતંતુઓ સુકાઈ ગયા હતા. આ સિવાય તે પાર્કિન્સન નામની બીમારી તેમજ લીવરની સમસ્યાથી પણ પીડાઈ રહ્યા હતા. તેઓ ભારતીય નેફ્રોલોજિસ્ટ હતા અને આઈકેડીઆરસીના ડિરેક્ટર અને બી.જે. મેડિકલ કોલેજના ફેકલ્ટીના ભૂતપૂર્વ સભ્ય હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.