લખનઉના દૌલતગંજમાં એક દુ:ખદ ઘટના બની છે. જેમાં અઢી વર્ષના માસૂમ બાળકે જીવ ગુમાવ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે બાળક બલૂન સાથે રમી રહ્યો હતો અને અચાનક બલૂન ફાટી ગયો. ફાટેલા બલૂનના ટુકડા બાળકના ગળામાં ફસાઈ ગયા, જેના કારણે તે શ્વાસ લઈ શક્યો નહીં.
ઘટના બાદ તરત જ બાળકના પરિવારજનો તેને ટ્રોમા સેન્ટર લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેની સારવાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાળકની હાલત નાજુક બની ગઈ હતી. ત્યારબાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવથી પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, બાળક ફુગ્ગા સાથે રમી રહ્યો હતો, પરંતુ અચાનક અકસ્માત સર્જાયો જેના કારણે તેણે જીવ ગુમાવ્યો. આ ઘટનાથી દરેક લોકો ચોંકી ગયા છે.
પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી
સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે આ ઘટના કોઈ અન્ય કારણોસર બની છે કે કેમ ? જો કે પ્રથમ દ્રષ્ટિએ આ અકસ્માત હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાળકોએ આવા ખતરનાક રમકડાંથી રમતી વખતે સાવચેતી રાખવાની જરૂર છે, જેથી આવી ઘટનાઓથી બચી શકાય.
બાળકોને એવી વસ્તુઓ ન આપો જેનાથી મુશ્કેલી સર્જાય શકે
આ ઘટના બાળકો માટે એક ચેતવણી છે કે રમતી વખતે તેમની આસપાસના રમકડાં અને વસ્તુઓ સુરક્ષિત હોવી જોઈએ. ખાસ કરીને ફુગ્ગા જેવી નાની વસ્તુઓ બાળકો માટે ખતરો બની શકે છે. કારણ કે તે સરળતાથી મોંમાં મૂકી શકાય છે અને શ્વાસ રૂંધાઈ શકે છે. પરિવારે આ ઘટના અંગે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને હવે તેઓ માત્ર એટલું જ ઈચ્છે છે કે આવી ઘટનાઓ અન્ય લોકો સાથે ન બને.