ખ્યાતિ હોસ્પિટલ કાંડ ! બે લોકોના મોત મામલે પાંચ સામે નોંધાયો ગુનો, એક ડોકટરની કરાઇ ધરપકડ

ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, આ દિગ્ગજ ડૉક્ટરની થઇ ધરપકડ, જુઓ તસવીરો

અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઘણી ચર્ચામાં છે. આ કેસમાં નવી અપડેટ સામે આવી છે, ડોકટર પ્રશાંત વજીરાણીની વસ્ત્રાપુર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં ડાયરેક્ટર કાર્તિક પટેલ, સંજય પટોળીયા, ચિરાગ રાજપૂત, રાજશ્રી પ્રદીપ કોઠારી સામેલ છે જેમની પોલીસ ટૂંક સમયમાં ધરપકડ કરશે.

ખ્યાતિ હોસ્પિટલને લઈ તપાસનો ધમધમાટ શરૂ છે, ત્યારે દર્દીઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને પહોંચી નિવેદન લખાવી રહ્યાં છે. સમગ્ર મામલો જણાવીએ તો ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને કેટલાક દર્દીઓને હૃદયની સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યા હતાં. જયાં બે દર્દીઓના મોત થતાં સગા-સબંધીઓએ હોબાળો મચાવ્યો હતો.

આ ઉપરાંત હોસ્પિટલમાં તોડફોડ મચાવી હતી. આરોગ્ય વિભાગે પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ જણાવ્યુ કે, પ્રાથમિક તબક્કે દર્દીઓની સારવારના નામે પૈસા પડાવવાનું કૌભાંડ કર્યું હોય તેમ લાગી રહ્યુ છે. હોસ્પિટલનું બાકી પેમેન્ટ પણ રોકી દેવાયુ છે. વસ્ત્રાપુર પોલીસ ફરિયાદમાં ડોક્ટર પ્રશાંત વજીરાણી, ડોક્ટર કાર્તિક પટેલ, ડૉક્ટર સંજય પાટોલીયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ડોક્ટર પ્રશાંતની તો પોલિસ ધરપકડ કરી ચૂકી છે અને બીજાની ટૂંક સમયમાં જ ધરપકડ થશે. જણાવી દઇએ કે,ખ્યાતિ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી રદ કરી દેવાઈ છે અને ઑપરેશન કરનાર ડૉક્ટરો પણ હવે ઑપરેશન નહિ કરી શકે. જે 7 વ્યક્તિઓનું ઓપરેશન કરાયું તેમને કોઈ બ્લોકેજ ન હોવાનો પણ ખુલાસો થયો છે. જો કે તેમ છતાં પણ ખ્યાતિ હોસ્પિટલે પેપર તૈયાર કરી 90 ટકા બ્લોકેજ હોવાનું દર્શાવ્યુ અને ઑપરેશન કર્યુ.

Shah Jina