અઢારે વરણની કુળદેવી અને ગુજરાતના લાખો ભાવિકો માટે પરમ આસ્થાનાં હાજરાહજુર પ્રતિક સમાન ભગવતી ખોડિયાર માતાનાં મંદિરો તો ગુજરાતમાં અગણિત છે. પણ એમાં સૌથી પ્રાચીન અને ઐતિહાસિક નજરે સૌથી પ્રખ્યાત હોય તો એ ત્રણ મંદિર છે:
(1) ગળધરાનું ખોડિયાર મંદિર (ધારી-અમરેલી)
(2) રાજપરાનું ખોડિયાર મંદિર (ભાવનગર)
(3) માટેલધામ (વાંકાનેર)
અહીં આપણે વાત કરવી છે: મોરબીના વાંકાનેર તાલુકાનાં માટેલ ગામે આવેલ ખોડિયાર માતાના મંદિરના ઇતિહાસ અને વર્તમાનની. આ મંદિર માતાજીએ આપેલા અમુક પરચાઓ અને અત્યંત પુરાણી પરિસરને લીધે ગુજરાતભરના માણસોની જીભે ઓછામાં ઓછું એક વાર ચડેલું અને કાને પડેલું છે. ગરબાઓમાં ઘણી વાર માટેલધરાની ખોડિયારનો ઉલ્લેખ આવે જ છે.

વરસે એક ઇંચ વધતું ત્રિશૂળ! —
માટેલધામમાં આવેલ ખોડિયાર માતાનું સ્થાનક ભેખડો ઉપર છે. નીચે એક ધરો વહે છે, જેને ‘માટેલીયો ધરો’ કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે, કે ખોડિયાર માતાનું દરેક મંદિર નદી અથવા ઝરણાંને કિનારે જ આવેલું હોય છે. અહીં નવું અને જૂનું એમ બે મંદિર છે. પીલુડીના વર્ષો જૂના ઝાડ નીચે ખોડિયાર માતા ઉપરાંત તેમની અન્ય બહેનોની પણ પ્રતિમાઓ આવેલી છે. માથે સોના-ચાંદીનાં છત્ર દેખાવને વધારે દેદિપ્યમાન બનાવે છે.
અહીઁ આવેલું એક ત્રિશૂળ ભાવિકોમાં ઉત્સુકતા જગાડવા માટે કારક બન્યું છે. એક રહસ્ય આ ત્રિશૂળ પાછળ જોડાયેલું છે. કહેવામાં આવે છે, કે દર વર્ષે એક ઇંચ જેટલું આ ત્રિશૂળ વધે છે!
મંદિરના સમય વિશે વાત કરતા તે લગભગ 1200 વર્ષ જૂનું હોવાનું સામે આવે છે. અનેક કાળની વાતો સંઘરીને આ મંદિર આજે પણ અડીખમ ઊભું છે! માતા ખોડિયાર ઉપરાંત આવળ આઈ, બીજબાઈ, હોલબાઈ, જોગળ, તોગળ અને સાંસાઈ માતાની પણ મૂર્તિઓ વંદનીય છે. અહીં માતાજીને પ્રિય એવી લાપસીનો પ્રસાદ ચડાવવામાં આવે છે.

ધરાની નીચે રહેલું છે સોનાનું મંદિર! —
મંદિરની નીચેની બાજુ વહેતો ધરો માટેલીયા ધરા નામથી પ્રખ્યાત છે. ભરઉનાળે પણ અહીં પાણી ખૂટતું નથી! ભક્તો માતાજીના દર્શન કરીને ધરાનું પાણી માથે ચડાવવાનું ભૂલતા નથી. આખું માટેલ ગામ અહીંથી પાણી પીવે છે પણ પાણીને કદી ગાળવાની જરૂર પડતી નથી. માટેલીયા ધરાની નીચે નાનકડો એવો બીજો ધરો પણ વહે છે, જેને ‘ભાણેજિયો ધરો’ કહેવામાં આવે છે. કહેવાય છે, કે અહીં પાણીની નીચે માતાજીનું સોનાનું મંદિર આવેલું છે! આ વાતની પાછળ ઇતિહાસની એક રસપ્રદ કથા પણ જોડાયેલી છે:
જૂના કાળમાં બાદશાહે સોનાનું મંદિર મેળવવાની લાલચમાં 999 કોસ (બળદ વડે કૂવામાંથી પાણી ખેઁચવાનું સાધન) જોડાવીને ધરાનું પાણી ખાલી કરાવેલું. નીચે એક સોનાનું ઈઁડું જોવા મળેલું. એટલી વારમાં ક્યાંકથી તો અઢળક પાણી આવી ચડ્યું અને કોસ ક્યાંના ક્યાં ફંગોળાઈ ગયા! ધરો પાછો ભરાઈ ગયો. માતાજીનો આ પરચો હતો.

કઈ રીતે થયેલો ખોડિયાર માતાનો જન્મ? —
ભાવનગરના રોહિશાળા ગામે મામડિયો ચારણ રહેતો. તેમના પત્નીનું નામ હતું દેવળબા. બંને દંપતિનો ખોટ હોય તો એક માત્ર સંતાનસુખની જ હતી. એ વખતે ભાવનગર રજવાડું હજુ અસ્તિત્વમાં આવવાને સદીઓનો સમય હતો. મૈત્રક વંશનો રાજા શિલાદિત્ય વલ્લભીપુરની ગાદી પર રાજ કરતો. મામડિયા ચારણ સાથે તેને ગાઢ મૈત્રી હતી.
રાજા અને ચારણની આ મૈત્રી અમુક લોકોથી જોવાઈ નહી. એણે રાજાનાં કાન ભંભેર્યાં, કે તમે ઉઠીને વાંઝીયાનું મોઢું જુઓ છો તેનું પરીણામ ભયંકર આવશે! પરીણામ તો કંઈ નહોતું આવવાનું પણ રાજાએ વાત સાચી માનીને મામડિયા ચારણનું અપમાન કર્યું.
દુ:ખી બિચારો ચારણ! પોતાને સંતાન નથી ત્યારે આટલું સાંભળવું પડ્યું ને! એણે મહાદેવના મંદિરે જઈને શિવલીંગ આગળ પોતાનું માથું તલવારેથી નોખું કરી નાખવાની તૈયારી આદરી. હ્રદયના ચોખ્ખા મામડિયાનો જીવ શિવ કેમ જવા દે? એણે પ્રસન્ન થઈને વરદાન દીધું કે, પાતાળલોકના નાગરાજની સાત દીકરીઓ અને એક દીકરો તારે ત્યાં અવતાર લેશે!
એમ જ થયું. સાત દીકરીઓ અવતરી: આવળ, જોગળ, તોગળ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ અને જાનબાઈ. આ સાતે બહેનોનો એક ભાઈ એટલે મેરખિયો.

જાનબાઈમાંથી ‘ખોડિયાર’ —
એક દિવસ મેરખિયાને સાપે દંશ દીધો. ભાઈને બચાવવો હોય તો પાતાળમાંથી અમૃતકુંપ લાવવો જ રહ્યો. જાનબાઈ ગયાં. પાતાળ માર્ગે મગરને તેમણે પોતાનું વાહન બનાવ્યું. અમૃત લઈ આવ્યાં. માર્ગમાં તેમને ઠેસ વાગેલી એટલે ખોડંગાતા હતા. આ જોઈને આવળ આઈએ કહ્યું, કે આ જાનબાઈ ‘ખોડી’ તો નથી થઈ ગઈ ને? બસ, જાનબાઈ તે દિવસથી ‘ખોડિયાર’ તરીકે ઓળખાવા લાગ્યાં! મેરખિયાનો જીવ બચી ગયો. સિંહણ જેવી આભને પાટું મારતી બહેનો હોય તો જમ પણ શું ખાટી જાય?
જય મા ખોડિયાર!
[આર્ટિકલ ગમ્યો હોય તો આપના મિત્રો સાથે પણ શેર કરજો.]
કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો…!!! તમારી પણ મનોકામના પૂર્ણ થશે
Author: કૌશલ બારડ – GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.