હાલ તો રાજયમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. ગુજરાતના અનેક શહેરોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઘણા એવા પણ શહેરો છે, જ્યાં મૂશળધાર વરસાદને પગલે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ત્યાં રવિવારના રોજ સાંજે શરૂ થયેલા વરસાદને આખા અમદાવાદને ઘમરોળી નાખ્યુ હતુ. ત્યાં ખેડામાં ગત રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડી સાંજે શરૂ થયેલ વરસાદમાં સૌથી વધારે વરસાદ તો નડિયાદમાં પડ્યો હતો. નડિયાદમાં 6 ઇંચ જ્યારે ઠાસરા પંથકમાં સૌથી ઓછો 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. નડિયાદમાં વધારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

દર વખતની જેમ વરસાદી પાણી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા ગરનાળામાં ભરાઇ ગયા હતા. આ ઉપરાંત અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી હતી. ઉલ્લેખનીય છે કે, ગાજીપુર વિસ્તાર પાસેનું મુળેશ્વર તળાવ ઓવરફ્લો થયુ હતુ અને તેને કારણે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. અહીં રહેતા 65-70 વર્ષિય જોહરાબીબી હુસેન મિયા મલિક નામના વૃદ્ધા અશક્ત હોવાને કારણે અને એકલા રહેતા હોવાને કારણે ઘરની બહાર નીકળી શક્યા ન હતા અને તેને કારણે તેમનું 4 ફૂટ જેટલા પાણીમાં ડૂબી જતા શ્વાસ થંભી જતા મોત થયુ હતુ.

જો કે, સ્થાનિકો દ્વારા તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ ઘટના અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને પોલિસે જાણવા જોગ નોંધ પણ લીધી હતી.નડિયાદના વોર્ડ નંબર 6 ન્યુ ગાજીપુર વિસ્તાર મૂળેશ્વર તલાવડીને અડીને આવેલો વિસ્તાર છે. લગભગ 140થી વધુ ઘરો આ વિસ્તારની આસપાસ આવેલા છે અને અંદાજે 400-500 લોકો અહીં રહે છે. દર વર્ષે ચોમાસાની મોસમમાં મુળેશ્વર તળાવમાં નડિયાદના તમામ વિસ્તારોનું વરસાદી તેમજ ગટરનુ ગંદુ પાણી છોડવામાં આવે છે અને તેને કારણે તળાવ ઓવરફ્લો પણ થાય છે.

જેના પરિણામે લોકોના ઘરોમાં પાણી ફરી વળે છે. છેલ્લા 35 જેટલા વર્ષથી લોકો આ સામનો કરી રહ્યા છે. આ બાબતને લઇને અનેકવાર નગરપાલિકા તંત્રને લેખિત અને મૌખિકમાં રજૂઆતો પણ કરવામાં આવી છે. તેમ છતાં આ સમસ્યાનો આજ સુધી કોઈ નિકાલ આવ્યો નથી. જો કે, વૃદ્ધાના મોત બાદ અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને તેમણે આ દરમિયાન કહ્યુ કે, દોઢ મહિનામાં જ આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે.