નડિયાદમાં BSF જવાનની ખૂલ્લેઆમ કરવામાં આવી હત્યા, દીકરીનો વીડિયો વાયરલ કરવા બદલ આપવા ગયા હતા ઠપકો, મળ્યુ મોત

ગુજરાતમાંથી હત્યાના મામલાઓ ઘણીવાર સામે આવે છે. ઘણા લોકો નાની અમથી વાતમાં દાજે ભરાઇ બેસતા હોય છે અને મોકો મળતા જ હત્યા જેવું પગલુ ભરતુ હોય છે. ઘણીવાર અંગત અદાવતમાં તો ઘણીવાર કોઇને ઠપકો આપવા બદલ પણ હત્યા કરવામાં આવતી હોવાનું સામે આવે છે. ત્યારે હાલમાં BSF જવાનની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. નડિયાદના વનીપુરા ગામના યુવાને બાજુના ગામ સુર્યનગરમા રહેતા BSF જવાનની પુત્રીનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો અને આ બાબતે BSF જવાન અને તેમના પરિવારજનો ઠપકો આપવા ગયા હતા.

જો કે, આ દરમિયાન મામલો બિચકાતાં યુવાનના કૌટુંબિક 7 વ્યક્તિઓએ ઠપકો આપવા આવેલા BSF જવાન અને તેમના પરિવારજનો પર ઘાતક હથિયારો વડે હુમલો કરતા BSF જવાનનુ મોત નિપજ્યું હતું. આ મામલે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તે બાદ પોલિસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મેલજીભાઈ વાઘેલા BSF 56 મહેસાણા ખાતે ફરજ બજાવતા હતા, તેઓ નડિયાદ તાલુકાના ચકલાસી તાંબે સૂર્યનગરમાં રહેતા હતા.

તેમના ગામની બાજુમાં આવેલ વનીપુરા ગામના શૈલેષ ઉર્ફે સુનિલ જાદવે થોડા દિવસ પહેલા BSf જવાનની દીકરીનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો અને આ બાબતે મેલજીભાઈ, તેમની પત્ની અને તેમનો દીકરો તથા ભત્રીજો ઠપકો આપવા શૈલેષ ઉર્ફે સુનિલના ઘરે ગયા હતા. ત્યારે સુનિલ તો ઘરે હાજર નહોતો પણ આ દરમિયાન મેલજીભાઈએ ઠપકો આપતા શૈલેષ ઉર્ફે સુનિલના ઘરવાળા અકળાયા અને તેમણે જણાવ્યું કે તમે મારા દિકરાને ખોટો વગોવી રહ્યા છો. આ ઝઘડાએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ અને સુનિલના ઘરવાળાએ BSF જવાન અને તેમના પરિવાર પર હુમલો કર્યો.

આરોપીઓ લાકડી, ધારીયા અને પાવડા લઈને BSF જવાન અને તેમના પરિવાર પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં BSF જવાનનું મોત થયુ હતુ. ઘટનાની જાણ થતા મૃતકના મિત્ર વર્તુળમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. BSF જવાનના દેહને પોલીસની જરૂરી કાર્યવાહી કરાયા બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યો અને રવિવારે તેમના વતન ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે તેમના અંતિમ સંસ્કાર કરાયા. આ મામલે પોલીસે 7 આરોપીઓ પર IPC 302, 307, 323, 504, 143, 147, 149 મુજબ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Shah Jina