દુઃખદ: ખેડામાં ધો.10નો વિદ્યાર્થી બોર્ડની ચાલુ એકઝામે ઢળી પડ્યો અને પરીક્ષાખંડમાં પ્રાણપંખેરૂ ઉડી ગયું

હાલ તો રાજયમાં બોર્ડની પરિક્ષા ચાલી રહી છે ત્યારે આ વખતે કોરોના બાદ વિદ્યાર્થીઓની પરિક્ષા પહેલીવાર યોજાઇ રહી છે. જેમ જેમ બોર્ડની પરીક્ષા નજીક આવતી જાય એમ માહોલ રચાતો જાય છે, ઘણીવાર બોર્ડની પરિક્ષાને લઇને વિદ્યાર્થીઓ અને વાલીઓ બન્નેની મનોસ્થિતિ તણાવભરી થઈ જતી હોય છે. બોર્ડની પરીક્ષા માટે ઘણીવાર લોકો એવું રિએક્ટ કરે છે કે છોકરાઓ જાણે કે યુદ્ધની તૈયારી કરતા હોય !  ત્યારે આવુ વાતાવરણ ઘણીવાર વિદ્યાર્થીના મન પર અસર કરે છે અને એટલા માટે જ બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ભય, ચિંતા અને સ્ટ્રેસની લાગણી અનુભવે છે. ઘણીવાર વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલાં પોતાના પરિણામ વિશેના વિચારોથી પણ સ્ટ્રેસ અનુભવે છે.

પરીક્ષા પહેલાં રીવિઝન પૂર્ણ કરવાના દબાણના કારણે વિદ્યાર્થી બેચેન અને નર્વસ થઈ જાય છે. ત્યારે લોકોને એમ સમજવાની જરૂર છે કે આ બોર્ડની પરિક્ષા જીવનની નહિ. હાલમાં બોર્ડની પરિક્ષા દરમિયાન વિદ્યાર્થીઓના મોતના સમાચાર સામે આવી રહ્યા છે.  28 માર્ચના રોજ ગોમતીપુરમાં ધોરણ-12ની પરીક્ષા દરમિયાન હાર્ટ એટેક આવતા વિદ્યાર્થીનું મોત થયું હતું. જ્યારે પોરબંદરના બગવદર અને ભારવાડા ગામમાં બે બાઈક વચ્ચે અકસ્માત થતા ધોરણ-12ના વિદ્યાર્થીનું મોત થયું હતું.

જે બાદ નવસારીમાં ધોરણ-12ના આંકડાશાસ્ત્રના પેપરની તૈયારી કરતા વિદ્યાર્થીને પરીક્ષા આપવા જતી વખતે હાર્ટ એટેક આવતા મોત થયું હતું. ત્યારે સોમવારના રોજ ધોરણ 10ની વિદ્યાર્થીની બેભાન થવાની ઘટના સરખેજમાં બની હતી. જો કે, 10 મિનિટ બાદ તે ભાનમાં પણ આવી ગઇ હતી. પરીક્ષા શરુ થયાના થોડા સમય પછી વિદ્યાર્થિનીની તબિયત ખરાબ થઈ હતી, જે બાદ તેને તાત્કાલિક સારવાર અપાવવા માટે 108ની ટીમને જાણ કરાઈ હતી. વિદ્યાર્થિની ભાનમાં આવ્યા પછી તેણે પરીક્ષા આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તે બાદ તેને વર્ગમાં બેસાડવામાં આવી હતી.

પ્રતિકાત્મક તસવીર

ત્યારે હવે વધુ એક વિદ્યાર્થીના મોતના સમાચાર ખેડામાંથી સામે આવ્યા છે. ખેડાના માતરના લીંબાસી પરીક્ષા કેન્દ્રમાં ધોરણ 10ની પરીક્ષા આપવા આવેલ માલાવાડાના વિદ્યાર્થીને એકાએક તબિયત લથડતાં તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો, જયાં તેનું મોત થયું હતું.આ મામલે ઘણી દુખની લાગણી પ્રસરી જવા પામી છે. ધોરણ 10ની વિજ્ઞાનની પરિક્ષા આપવા ગયેલ દિવ્યાંગ વિદ્યાર્થી સ્નેહકુમાર ભોઈની ચાલુ પરીક્ષા દરમ્યાન તબિયત બગડી હતી અને તેને તાત્કાલિક 108 દ્વારા સારવાર આપવામાં આવી હતી. પરંતુ ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.

આ વિદ્યાર્થી માતર તાલુકાના માલાવાડાની વિનય મંદીર શાળામાં અભ્યાસ કરતો હતો. તે લીંબાસી ખાતે વિજ્ઞાનનું પેપર આપવા આવ્યો હતો. ત્યારે પરિક્ષાની શરૂઆતમાં જ તેની તબિયત લથડી જેના બાદ તેને તત્કાલિક સ્થળ સંચાલકોએ સારવાર માટે ખસેડ્યો હતો.વિદ્યાર્થી દિવ્યાંગ હોવાને કારણે સ્પેશ્યલ બ્લોક હતો. જેમાં 2 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા. પરીક્ષા શરૂ થયા બાદ પોણા અગિયાર વાગ્યા આસપાસ પરીક્ષા તેની તબિયત એકદમ લથડી અને તેને હાર્ટ એટેક આવતાં તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું.

પ્રતીકાત્મક તસ્વીર

ધોમધખતા તાપના કારણે કે પછી અન્ય કોઇ બીમારીના કારણે તેનું મોત થયું હોવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષામાં પરીક્ષાર્થી બીમાર પડવાના ઉપરાંત વિદ્યાર્થીઓના આપઘાતના તેમજ હાર્ટ એટેક આવવાના બનાવો વધી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઇ ટેન્શન તથા પ્રેસર રહેતા તેઓ અહીંયાંથી ભાંગી પડે છે અને અને માટે જ આવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.

Shah Jina