ઝવેરચંદ મેઘાણીએ ૧૯૪૫ આસપાસથી દરીયો ખેડતા સમાજના ગીત લખવાનું શરૂ કર્યું. વિવિધ બંદરગાહોમાં, અનેક દરીયાકાંઠાના ગામોમાં ફરી-ફરીને તેણે લોકમુખે ખારવણો દ્વારા ગવાતાં ગીતો એકઠાં કર્યાં. આ ગીતોમાં દિકરો, પતિ કે ભાઈ દરિયો ખેડવા ગયો હોય; ચોમાસું આવવાના એંધાણ હોય અને ગયેલાં બધાં વહાણો બંદરમાં નાંગરી ચુક્યાં હોય પણ પોતાના સ્નેહીનું વહાણ હજુ ના આવ્યું હોય ત્યારની સ્ત્રીજાતિની વેદના-ઉકળાટ આ ગીતોમાં તરવરે છે.
સ્ત્રી જાણે દિકરાને પાછો લાવવા કરગરતી હોય છે, દિકરા હવે હું તને ખેપ નહી જાવા દઉં. હું ઘરોઘર દળણાં દરીને આપણું પેટ ભરીશ પણ તું એક વાર પાછો આવી જા બાપ! એક વાર મેઘાણી એક ખારવણ ડોશીને મળ્યાં. ડોશીએ દરિયાના ગીત ગાયાં અને મેઘાણીએ કલમ લઈ કાગળ પર ઉતાર્યાં. એમાં એક ગીત ગાતી વેળાં ડોશી રોવા લાગ્યાં. મેઘાણીએ કારણ પૂછ્યું.
“મારો દિકરો વર્ષો પહેલાં ખેપથી આવતો હતો ને તોફાનમાં ડૂબી મર્યો’તો ભાઈ! બસ એ મને હાંભરી આવ્યો. મહુવાના શેઠનું વા’ણ હતું.” ડોશીએ આંસુ લૂછી નાખ્યાં.
“મા! તો મહુવાના શેઠ પાસે તમે કંઈ વળતર માંગવા ના ગયાં?”“દિકરા એમ વળતર માંગવા જવાય? શેઠનું લાખો રૂપિયાનું વા’ણ મારા દિકરાને લીધે ડૂબી ગયું ને હવે હું ક્યે મોઢે વળતર માંગવા જાવ..!”
મેઘાણીભાઈ હેરત પામી ગયા. પંડે મેલા પણ તને ઉજળા લોકોની આવી ખાનદાનીની વાતું તો ઘણી પડી છે આ ધરતીમાં!
Author: Kaushal Barad GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.